Comments

લોકશાહીનું અસ્તિત્વ માનવમૂલ્યોની જાળવણીથી સચવાશે

કહેવાય છે તો પ્રજાનો પ્રેમ, પરંતુ ચૂંટણીના મેદાનમાં ઉતરનાર પ્રત્યેક ઉમેદવાર વેઠી જાણે છે કે મત મેળવવા રૂપિયાનું રોકાણ તો કરવું પડે છે. વિશ્વના ૫૬ લોકશાહી દેશોના ૭રર થી વધુ રાષ્ટ્રીય પક્ષો દેશના બંધારણ અનુસાર ૩-૫ વર્ષે આવતી ચૂંટણીમાં મતદાર દીઠ સરેરાશ ૧.૩ ડોલરનો ખર્ચ કરે છે. સમાજવાદી સમાજરચનાના નામે પ્રજા પાસેથી ટેકસ વસૂલ કરી વિકાસકાર્યો કરનાર પક્ષો અને તેના જન પ્રતિનિધિમાં સેવાભાવ હોય ન હોય, પરંતુ નાગરિક સુવિધાઓ વધારવાની પરંપરાથી વિજેતા ઉમેદવારોની નિજી સંપત્તિમાં ક્રમશ: વધારો થતો જ રહે છે, જે ભારતના લોકતંત્રમાં બીજી ટર્મ માટે ચૂંટણી લડતા પ્રત્યેક ઉમેદવારોના ડિકલેરેશન ફોર્મથી પણ જોઇ શકાય છે.

લોકશાહીની આડમાં પ્રજાનાં પ્રતિનિધિ આપી શક્તાં રાજકીય પક્ષો માટે સત્તા એ આખરી માપદંડ હોઈ, ચૂંટણીનાં મેનીફેસ્ટો અને સભાઓમાં ભરપેટ રેવડીની લહાણી થતી રહે છે. દેશની આર્થિક સ્થિતિ, દેશનાં સંસાધનો, ઉત્પાદનપ્રક્રિયા સાથે જોડાએલ સર્જકોની ક્ષમતા પ્રકારે જમીની હકીકતો એક તરફ રાખી રાજકીય પક્ષો મતદારો માટે આરામપ્રિય લાભો ખોલી આપે છે, જે ભારત, અમેરિકા અને બ્રિટન સહિત અન્ય લોકશાહી રાષ્ટ્રોની ચૂંટણીમાં પણ જોઇ શકાય છે. સરવાળે બંધારણની જોગવાઇ અનુસાર પુખ્ત વયનાં નાગરિકોનો મત ખરીદી શક્તા ઉમેદવારો જીતે છે. હારે પણ છે. પરંતુ ચૂંટણીની સામાજિક અસર કાયમી રીતે રહી જાય છે.

ચૂંટણીમાં જાહેર કરાએલ લાભો અને તેની સમાજજીવન ઉપરની અસરનું મૂલ્યાંકન કરતા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પોલીટીકલ સાયન્સની એક અભ્યાસ નોંધમાં જણાય છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં ઉચ્ચતર શિક્ષણ લેનાર યુવકોની સંખ્યામાં ૧૧% ઘટાડો થયો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં બેરોજગાર યુવકોની સંખ્યામાં ૧૬% વધારો થયો છે. લગ્ન કરી સહજીવનના નિભાવના સ્થાને લીવ-ઇન રીલેશન તરફ ઢળતી નવી પેઢીની સંખ્યામાં ૩% વધારો નોંધાયો છે.

લાઇફ ઇઝ ફન તેવા મોડર્ન અભિપ્રાય સાથે ડ્રગ્ઝનું વ્યસન વિકસતાં પશ્ચિમ દક્ષિણ ભારતનો દરિયા કાંઠો ધમધમી રહ્યો છે. અહેવાલ નોંધે છે કે પોપ્યુલર પોલીટીકસની દોડમાં ચૂંટણી સમયે મતની ખેંચાતાણીમાં રાજકીય પક્ષો જે બીજ વેરે છે તેની આડ અસરમાં યુવાનો ભટકી રહ્યાં છે. યુરોપ – અમેરિકા પછી લોકશાહી દેશ તરીકે ભારતમાં પણ હવે સામાજિક સ્વાસ્થ્ય માટે સાયકિયાટ્રિસ્ટની વધુ ને વધુ જરૂરિયાત ઊભી થઇ રહી છે.

મોબાઇલ, ઇન્ટરનેટ, ટેલિવિઝનની દુનિયા નવી પેઢીમાં ઠાંસી ઠાંસીને પ્રમાદ ધરબી રહી છે ત્યારે ફયુચર વર્લ્ડ વિષયે ટાઇમ સ્કેવરમાં ૨૦૨૨ના સંશોધનમાં જણાવાયું કે વરચ્યુઅલ વર્લ્ડના વિસ્તારથી મનુષ્યો દ્વારા થતાં સર્જનશીલ ઉત્પાદનોમાં ૨૦% ઘટ આવશે અને વધતી જરૂરિયાતોને પહોંચી રહેવા આર્ટિફીશ્યલ ઈંટેલીજન્સના ટેકે મશીન રોબર્ટ આધારભૂત બનશે. ગુગલની મદદથી જાપાન અને કોરિયાએ કમર્થ્યલ વ્હીકલમાં અને ચાઇનાએ કૃષિ અને ડેરીમાં રોબર્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

વિશ્વમાં લોકશાહી દેશોમાં વધતી સબસીડી, દેવાંમાફી, સસ્તી લોન, બેકારી ભથ્થું, મફત અનાજ અને સસ્તા આરોગ્યની વધતી સુવિધાથી આજે જેમની ઉંમર ૧૮ થી ૩૦ છે તે વય જૂથમાં વધુ ને વધુ ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી અને ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જરનલ ઓફ મેડિકલ સાયન્સના તાજેતરનાંં અહેવાલથી બહાર આવ્યું છે કે કોવિડ પછીની હતાશામાં ૭૦,૦૦૦ થી વધુ યુવકોએ આત્મહત્યા કરી છે. મહાત્મા ગાંધીએ ૧૯૦૮ માં હિંદુ સ્વરાજમાં લખ્યું છે. દેશના યુવાનો જવાબદાર અને કામઢા બને તેવા સમયની જરૂર છે. પરંતુ બ્રિટીશરોએ દુનિયામાં જયાં રાજય કર્યું છે ત્યાં ગુલામીની મનોદશા વિસ્તારતાં રાજય તરફથી જ જાતિ, પ્રદેશ અને પછાતપણાને આગળ કરી સસ્તામાં લાભ વહેંચવાનો શિરસ્તો વિકસાવવામાં આવ્યો, જે આજે પણ શાહી દેશોમાં નભે જાય છે.

જમીનના પેટાળમાંથી મળતા ફોસિલ્સ અને ડી.એન.એ. આધારે ઇતિહાસકાર યુવલ નોઆહરારી નોંધ છે કે સીધી કરોડરજજુ ધરાવતા અને વોકલ કોર્ડથી ભાષાના બહુઆયામી ઉપયોગથી છેલ્લાં ૨૮૦૦૦ વર્ષથી બૌદ્ધિક માનવનો આવિર્ભાવ થયો છે. પરંતુ વૈશ્વિક સ્તરે બદલાએલ સમાજવ્યવસ્થાના લીધે મનુષ્યનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. ૬ લાખ વર્ષથી પૃથ્વી ઉપર વિસ્તરતા વાનર અને માનવનાં ડી.એન.એ.નાં રંગસૂત્રોમાં તો ૯૬% સામ્ય છે. તો પણ ૧૦ વાનર ભેગા મળી સર્જનશીલ ઉત્પાદકીય કામ યોજી શકતા નથી.જયારે માનવ દ્વારા નિર્મિત પરિવર્તનો બ્રહ્માંડનાં બીજા ગૃહો સુધી વિસ્તર્યાં છે. પરંતુ હવે માનવસર્જિત પરિવર્તનોથી માનવજાત વિનાશના પંથે ચડી છે.

ત્યારે પ્રજા કલ્યાણની ભાવનાથી રાજ્ય સંચાલન કરતાં પક્ષોએ માનવમૂલ્યની જાળવણી માટે મેનીફેસ્ટો લખવાં પડશે. માનવજાત તાર્કિક રીતે પણ વધુ જવાબદાર બને, મહેનતુ બને તે માટે દિશાનિર્દેશ તૈયાર કરવા અનિવાર્ય બન્યું છે. લોકશાહી છતાં પણ કોઇ પણ રાષ્ટ્રના રાજકીય પક્ષોએ માનવમૂલ્યોના ભોગે ચૂંટણી ન લડવી જોઇએ. રાષ્ટ્રના ભૂ-ભાગોનાં વિસ્તારનું અતિક્રમણ ન કરવું જોઇએ. થોડા આર્થિક લાભ માટે યુદ્ધ માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી જોઇએ નહીં. મતદારો મહેનતુ બને, શિક્ષિત રહેવા પ્રોત્સાહિત રહે, પોતાના આરોગ્ય માટે સજાગ રહી અને કાયદો અને ન્યાયની પ્રક્રિયા પ્રત્યે શ્રદ્ધાવાન રહે તેવું વાતાવરણ સર્જવું એ રાજકીય પક્ષોની ફરજ છે અને આમ નહીં થાય તો વર્ષ ૨૦૪૦-૫૦ ના દાયકામાં નવી પેઢી ચરમસીમાએ નિરાશાવાદનો ભોગ બનવા તરફ ઢસડાઈ જશે તે લગભગ નિર્વિવાદ છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top