આમ તો જિંદગીમાં ઘણી બધી પરીક્ષાઓમાથી પસાર થવાનું હોય છે પણ વિધ્યાર્થી જીવનમાં આવેલી પરીક્ષાઓની તૈયારીની વાત જ અલગ હોય છે. આ સમયે કાચી ઉંમરના કારણે ઘણાં લોકો સિરિયસલી તૈયારી કરતાં નથી તો વળી કેટલાક તો રાતોના ઉજાગરા કરીને પણ જોરશોરથી પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે. જો કે જેઓને ઊંઘ ઘણી વહાલી છે તેઓ માટે જાગીને વાંચવું ઘણું જ કપરું થઈ પડતું હોય છે પણ તેમ છતાં તેઓ અવનવા ગતકડાઓ કરીને વાંચવાનો પ્રયત્ન કરતાં જ હોય છે. હાલમાં જ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ એટ્લે બોર્ડ એક્ઝામનો માહોલ. આ સમયે આપણાં પરિચિત કે પરિવારમાં પણ કોઈક ધોરણ 10 કે 12 માટેની તૈયારી કરી જ રહ્યું હશે તો આવા મહત્વના સમયે તેઓ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં હોય એમ ઊંઘની માયા છોડીને પણ અભ્યાસમાં તલ્લીન થવાનો પ્રયાસ કરી રહ્યાા હશે, તો ચાલો આજે આપણે પણ જાણીએ કે તેઓ મોડે સુધી જાગીને વાંચી શકાય એ માટે કેવા કેવા ઉપાયો અજમાવી રહ્યાા છે.
ખાવાની ભાવતી વસ્તુઓ સાથે રાખું છુ: કનુશ્રી ચૌધરી
કહેવાય છે ને કે ભૂખ્યા પેટે તો ભજન પણ નહીં થાય, તો વળી વાંચવા માટે જાગતા રહેવું હોય તો સાથે કઈક ભાવતું ખાવા તો જોઈએ જ.હાલમાં જ ધોરણ 12ની બોર્ડ એક્ઝામ આપી રહેલી કનુશ્રી ચૌધરી કહે છે કે, દિવસે મારા ટ્યુશન હોવાથી મને રાત્રે જ વાંચવા માટે સમય કાઢવો પડે છે. જો કે મારી કમજોરી એ છે કે, મને ઊંઘ ન આવી જાય એ માટે મારે કઈ પણ ખાતા રહેવું પડે છે. જો કે આ માટે મારા મમ્મી મારી હેલ્થનું ધ્યાન રાખીને ફ્રૂટ્સ, મમરા અને મને ભાવતી કિશમિશ મારા સ્ટડી ટેબલ પર મૂકી રાખે છે. આમ છતાં આખા દિવસના થાકથી ઊંઘ તો આવે જ, એ સમયે હું સ્લીપિંગ મ્યુઝિક ઓન કરીને 10 થી 15 મિનિટ માટે એનર્જી સ્લીપ લઈ લઉં છુ. આ ઉપરાંત કનુશ્રી હસતાં હસતાં કહે છે કે, અમારી બિલ્ડીંગના નાઈટ વોચમેન દ્વારા 1 કલાકના અંતરે વ્હિસલ વગાડવામાં આવે છે જેથી તેને એ વ્હિસલ અમારા ફ્લેટની બારી પાસે જ વગાડવા માટે મારી મમ્મીએ સૂચના આપી રાખી છે.’’
દીકરીને જગાડવા કોફીનો સહારો લઉં છુ: શ્વેતા પાઠક
જેમના દીકરાં કે દીકરી બોર્ડની એક્ઝામ આપી રહ્યાં હોય એ પેરેન્ટ્સ પણ સતત ટેન્શનમાં રહેતાં હોય છે. કારણ કે તેમને બાળકોના સારા ભવિષ્યની ફિકર તો હોય જ છે પણ સાથે જ નબળા પરિણામને કારણે પરિચિતોમાં નીચાજોણું ન થાય એવી પણ ઈચ્છા તો હોય જ છે. એટલે ઘણાં પેરેન્ટ્સ તો પોતાના બાળકની સૂઈ જવાની પ્રકૃતિથી વાકેફ હોય એટલે તેઓ પણ સાથે જાગતા હોય છે. થોડી થોડી વારે બાળક જાગે છે કે નહીં એ ચેક કરવાની સાથે જ તેમને ઊંઘ ન આવી જાય એ માટે ચા-કોફી જેવા પીણાં પણ અવાર નવાર આપતા હોય છે. આ અંગે શ્વેતા પાઠક કહે છે કે, ‘’મારી દીકરી હાલમાં ધોરણ 10ની તૈયારી કરી રહી છે. દિવસે તેના ટ્યૂશન્સ હોય એટલે બાકીનો અભ્યાસ તેણે રાત્રે જ કરવો પડે છે પણ એને ઊંઘ બહુ જલ્દી આવી જાય છે. આખું વર્ષ તો હું વધુ ફોર્સ નથી કરતી પણ વર્ષ બગડે નહીં એ બીકે હું પણ સાથે જાગું છુ અને તેને જગાડવા માટે કોફી આપતી રહું છુ. જો કે દિવસે આજુબાજુના ઘોંઘાટમાં આમ પણ સરખી રીતે વાંચી ન શકે એટલે પણ હું રાત્રે જગાડવાનો પ્રયાસ કરું છુ.’’
મોડી રાત્રે કઈક ખાવાના બહાને લટાર મારવી
સૂરતમાં તમે ગમે તે સમયે નીકળો તો તમને કઈક ખાવાની વસ્તુઓ તો મળી જ જાય, ને આનો ફાયદો એક્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ પણ ઉઠાવતા હોય છે. જ્યારે બધા મિત્રો ભેગા વાંચતાં હોય અને ફ્રેશ થવાના ઇરાદે અને કઈક હળવું ખાવાના ઇરાદે પણ મોડી રાત્રે બહાર નીકળતા હોય છે. ને આ બહાને તેમણે એ પણ ખબર પડી જાય છે કે, સૂરતમાં મોડી રાત્રે કયા ખમણ મળે છે અને ક્યાં સારી ચા મળે છે. જો કે આ બહાને તેઓ ફરીથી વાંચવા માટેની એનર્જી મેળવી લેતા હોય છે.
મિત્રોના ઘરે વાંચવા જવું
આમ તો મિત્રો ભેગા થાય ત્યારે ગપ્પાં જ મારતાં હોય છે પણ આ જ મિત્રો એક્ઝામ સમયે સિરિયસ થઈને અભ્યાસ પણ કરતાં હોય છે. ઘણાં લોકોના ઘરે વાંચવાનું પૂરતું એકાંત ન મળતું હોય કે રાત્રે જાગવાથી અન્ય પરિવારજનોએ ડિસ્ટર્બ થતાં હોય ત્યારે જેના ઘરે અભ્યાસની પૂરતી સગવડ હોય ત્યાં રાત્રે ભેગા મળીને પણ એક્ઝામની તૈયારી કરતાં હોય છે. દરેકનો કોઈ ફેવરેટ સબજેક્ટ તો હોય જ છે જેથી આનો ફાયદો એ થાય છે કે, એકબીજાને ન આવડતાં સબજેક્ટમાં અન્ય મિત્રની મદદ પણ મળી રહે છે અને વચ્ચે વચ્ચે વાતો કરતાં રહેવાથી જલ્દી ઊંઘ નથી આવતી.