નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર આવેલ પૌરાણીક એવા શ્રી ડંકનાથ મહાદેવજીના મંદિરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન શ્રી ડંકેશ્ર્વર મહાદેવજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અને મોડી સાંજ સુધી મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.
મોડી સાંજે મંદિરમાંથી ભગવાન શિવજીને પાલખીમાં બિરાજમાન કરાવી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શિવભજનના સુર સાથે વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં હતાં. આ શોભાયાત્રા નગરના કાપડબજાર, નાની ભાગોળ, સુંદર બજાર, ગોપાલપુરા, થઈ સ્ટેશન રોડ પર આવેલ યમુનેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી હતી.
જે બાદ આ શોભાયાત્રા બ્રહ્મપોળ, વડાબજાર વિસ્તારમાં થઈ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં પરત નિજમંદિર પહોંચી હતી. રસ્તામાં ઠેર-ઠેર ભક્તો દ્વારા ફુલ-ચોખાથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ આ શોભાયાત્રાના રૂટ પર આવતાં ૧૦ કરતાં વધુ શિવમંદિરોમાં ભગવાનની પધરામણી કરાવવામાં આવી હતી. ત્યાં પણ મંદિરના પુજારી તેમજ સંતો-મહંતો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડાકોરના પૌરાણીક એવા ડંકનાથ મંદિરમાંથી વર્ષમાં એક જ વખત નીકળતી શિવજીની આ શોભાયાત્રાના દર્શન કરી નગરજનોએ ધન્યતા અનુભવી હતી.