Columns

પ્રસાદમાં ગાયની ચરબી સામે વિરોધ કરવાનું સત્ત્વ હિન્દુ પ્રજામાં રહ્યું નથી

આખા ભારતમાં જેટલા દૂધનું અને ઘીનું ઉત્પાદન થાય છે તેના કરતાં વધુ તેનું વેચાણ થાય છે. બહુ સ્વાભાવિક છે કે બજારમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દૂધ અને નકલી ઘી વેચાઈ રહ્યું છે. ડુપ્લિકેટ દૂધ બનાવવા માટે યુરિયા અને વોશિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે તો નકલી ઘી બનાવવા માટે વનસ્પતિ તેલોનો અને મટન ટેલોનો ઉપયોગ કરવામાં આવે છે તે બહુ જાણીતી વાત છે. બજારમાં મળતું સસ્તું ઘી મટન ટેલોનો ઉપયોગ કરીને બનાવાયું હોય તેવી તમામ સંભાવના રહે છે, તેમ છતાં ભ્રષ્ટ સરકારી તંત્ર આ ભેળસેળને ડામી શકતું નથી. જ્યારે ભક્તો મટન ટેલોમાંથી બનાવાતું ઘી રોટલી પર ચોપડીને ખાતા હોય ત્યારે ભગવાનના પ્રસાદમાં પણ ગાયની ચરબી કે મટન ટેલો ભળી જાય તે સરકાર માટે અને સમાજ માટે શરમની બાબત ગણાવી જોઈએ.

વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવામાં બીફ, માછલીનું તેલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ દાવો સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કર્યો હતો. ગુજરાતસ્થિત પ્રયોગશાળામાં આ ભેળસેળની પુષ્ટિ થઈ છે. ચંદ્રાબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSRCP સરકારે તિરુપતિ લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળાં ઘટકો અને પશુ ચરબીનો ઉપયોગ કર્યો હતો. ટીડીપીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે YSR કોંગ્રેસ પાર્ટી આંધ્ર પ્રદેશમાં સત્તામાં હતી ત્યારે તે સમયે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી હતા.

ત્યાર બાદ આ સમિતિએ મંદિરના પ્રસાદના લાડુમાં બગડેલું અને ભેળસેળવાળું ઘી વાપર્યું હતું. જો કે, YSRCPએ આ વાતને નકારી કાઢી છે. નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે આ મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની હિમાયત કરી છે. જે લેબમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે સેન્ટર ફોર લાઈવસ્ટોક એન્ડ ફુડ એનાલિસિસ એન્ડ સ્ટડીઝની લેબ છે, જે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરી છે. લેબ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તિરુપતિના લાડુમાં ફિશ ઓઈલ અને એનિમલ ફેટનો પણ ઉપયોગ થાય છે.

પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતી આંધ્ર પ્રદેશ સરકાર અથવા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) તરફથી પ્રયોગશાળાના અહેવાલ પર કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. TTD સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટર પાસેથી ૩૨૦ રૂપિયા પ્રતિ કિલોના દરે ગાયનું ઘી ખરીદવામાં આવ્યું હતું. બજારમાં શુદ્ધ ઘી જ્યારે ૫૦૦થી ૧૫૦૦ રૂપિયાના ભાવે મળી રહ્યું હોય ત્યારે ૩૨૦ રૂપિયાના ભાવે કેવું ઘી આવે, તેનો વિચાર સરકારી તંત્ર કરતું નહોતું.

હવે તિરુપતિ ટ્રસ્ટ કર્ણાટક ફેડરેશન પાસેથી ૪૭૫ રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે. દરેકના મનપસંદ તિરુપતિ લાડુ ૩૧૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. તિરુપતિ લાડુને જીઆઈ ટેગ પણ મળ્યો છે. આ લાડુ વિશ્વના સૌથી ધનિક ભગવાન વેંકટેશ્વરનો પ્રસાદ છે. તેને શ્રી વારીના લાડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. TTD ના દાવા મુજબ તિરુપતિના લાડુ બનાવવા માટે લોટ, તેલ, ખાંડ, ઘી, ડ્રાય ફ્રૂટ્સ અને એલચી જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

TTD તિરુમાલા ખાતે દરરોજ લગભગ ૩ લાખ લાડુ તૈયાર કરે છે અને ભક્તોને વહેંચે છે. માત્ર લાડુના વેચાણથી જ ટ્રસ્ટને દર વર્ષે લગભગ ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી થાય છે. હાલમાં પોટ્ટુમાં દરરોજ ૮ લાખ લાડુ બનાવવાની ક્ષમતા છે. લગભગ ૬૨૦ રસોઈયા લાડુ પોટ્ટુમાં લાડુ બનાવવાનું કામ કરે છે. તેને પોટ્ટુ કર્મીકુલુ કહેવામાં આવે છે. લગભગ ૧૫૦ પોટુ કામદારો નિયમિત કર્મચારીઓ છે, જ્યારે ૩૫૦ થી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેમાંથી ૨૪૭ મુખ્ય રસોઈયા છે. પોટ્ટુ, પ્રોક્તમ, અસ્થાનમ અને કલ્યાણોત્સવમાં ત્રણ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે.

પ્રોક્તમ લાડુ નિયમિતપણે મંદિરની મુલાકાત લેતાં તમામ સામાન્ય યાત્રાળુઓને વહેંચવામાં આવે છે. તે કદમાં નાનું છે અને તેનું વજન ૬૦-૭૫ ગ્રામ હોય છે. આ લાડુઓ મોટી સંખ્યામાં તૈયાર કરવામાં આવે છે. અસ્થાનામ લાડુ ફક્ત ખાસ તહેવારો પર જ બનાવવામાં આવે છે. તે કદમાં મોટું છે અને તેનું વજન ૭૫૦ ગ્રામ હોય છે. તે મોટા ભાગે કાજુ, બદામ અને કેસર સાથે તૈયાર કરવામાં આવે છે. કલ્યાણોત્સવમના લાડુ માત્ર કેટલાક વિશેષ તહેવારોમાં ભાગ લેનારાં ભક્તોને જ વહેંચવામાં આવે છે. સામાન્ય રીતે આ લાડુની શેલ્ફ લાઇફ લગભગ ૧૫ દિવસની હોય છે. તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતાં ઘટકો અને તેમના પ્રમાણની સૂચિને દિત્તમ કહેવામાં આવે છે. હાલમાં ઉપયોગમાં લેવાતાં ઘટકોમાં ચણાનો લોટ, કાજુ, એલચી, ઘી, ખાંડ, ખાંડ કેન્ડી અને કિસમિસનો સમાવેશ થાય છે.

દરરોજ, આ લાડુ લગભગ ૧૦ ટન ચણાનો લોટ, ૧૦ ટન ખાંડ, ૭૦૦ કિલો કાજુ, ૧૫૦ કિલો એલચી, ૫૦૦ લિટર ઘી, ૫૦૦ કિલો ખાંડ અને ૫૪૦ કિલો કિસમિસમાંથી બનાવવામાં આવે છે. TTD વાર્ષિક ટેન્ડર બહાર પાડીને તેની ખરીદી કરે છે. તિરુપતિ દેવસ્થાનમના રેકોર્ડ મુજબ, ભગવાન બાલાજીના નામ પર ૧૧,૨૨૫ કિલો સોનું અનેક બેંકોમાં રાખવામાં આવ્યું છે, જે તેમને ભક્તો પાસેથી પ્રસાદ તરીકે મળ્યું છે. આ સિવાય મંદિરમાં તમામ દેવી-દેવતાઓને સોનાનાં આભૂષણો ચઢાવવામાં આવ્યાં છે, જેનું વજન ૧૦૮૮ કિલોગ્રામ છે. તે જ સમયે, ચાંદીના દાગીનાનું કુલ વજન ૯,૦૭૧ કિલો છે.

ભગવાન બાલાજી પાસે ૬,૦૦૦ એકર જંગલ જમીન છે. ૭૫ સ્થળોએ ૭,૬૩૬ એકર રિયલ એસ્ટેટ છે. એટલું જ નહીં તેમની પાસે ૧,૨૨૬ એકર ખેતીની જમીન અને ૬૪૦૯ એકર બિનખેતીની જમીન છે. તિરુપતિ સાથે દેશભરમાં ૫૩૫ મિલકતો અને ૭૧ મંદિરો સંકળાયેલાં છે, જેમાંથી ૧૫૯ લીઝ પર આપવામાં આવ્યાં છે. તેનાથી ચાર કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. તે મંડપ ભાડે આપવાથી સમાન રકમ કમાય છે. દર વર્ષે ભક્તો તરફથી ૧,૦૨૧ કરોડ રૂપિયા દાન તરીકે મળે છે. જે ભક્તો ભગવાનને આટલું દાન આપે છે તેમને ગાયની ચરબીવાળા લાડુ ખવડાવવામાં આવે છે.

ભારતનાં મંદિરોની તિજોરીમાં એટલું સોનું છે કે તે અમેરિકન સરકારની તિજોરી કરતાં ત્રણ ગણું વધારે છે. ભગવાનને મંદિરોમાં સોનું એટલું પસંદ છે કે પદ્મનાભ સ્વામી મંદિર, તિરુપતિ બાલાજી મંદિર, જગન્નાથ મંદિર, વૈષ્ણો દેવી મંદિર જેવાં મંદિરોમાં ૪,૦૦૦ ટન સોનું રાખવામાં આવ્યું છે. આ ડેટા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો છે. ભારતીય રિઝર્વ બેન્કનો સોનાનો ભંડાર ૮૦૦ ટનથી વધુ હોઈ શકે છે, પરંતુ ભારતીયો સોનાને એટલો પ્રેમ કરીએ છીએ કે તેમણે ૨૫ હજાર ટનથી વધુ સોનાની બચત કરી છે.

આ સોનું અમેરિકાના ફેડરલ રિઝર્વના ૮,૯૬૫ ટન સોના કરતાં લગભગ ત્રણ ગણું છે, જે વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવે છે. ભારતમાં મંદિરોમાં ભગવાનની મુલાકાત લેવાની પ્રથા પરંપરા અને આધ્યાત્મિકતા સાથે એટલી જોડાયેલી છે કે દર વર્ષે લોકો ફક્ત તીર્થયાત્રા અથવા ધાર્મિક યાત્રાઓ પર ૪.૭૪ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ડેટા અનુસાર, ભારતની મંદિર અર્થવ્યવસ્થા લગભગ ૩.૦૨ લાખ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે, જે દેશના કુલ વિકાસ દર એટલે કે જીડીપીના ૨.૩૨ ટકા છે.

બ્રિટિશ આર્મીમાં જાન્યુઆરી ૧૮૫૭થી નવી એનફિલ્ડ રાઈફલનો ઉપયોગ થવા લાગ્યો હતો, જેમાં ગાય અને ભૂંડની ચરબીથી ભરેલા કારતુસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારતુસનો ઉપયોગ કરતાં પહેલાં ભારતીય સૈનિકોએ તેમને મોં વડે કાપવા પડ્યાં હતાં. તત્કાલીન કલકત્તાની ૩૪મી નેટિવ ઇન્ફન્ટ્રી બેરકપુરના સૈનિક મંગલ પાંડેના નેતૃત્વમાં કેટલાક સૈનિકોએ તેની સામે બળવો કર્યો હતો અને આ કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ૧૮૫૭માં ગાયની ચરબીના મુદ્દે બળવો કરનારી ભારતીય પ્રજાનું સત્ત્વ હવે મરી પરવાર્યું લાગે છે.

Most Popular

To Top