Charchapatra

સિંગલ સ્ક્રીન થિયેટરમાં બ્લેક ટીકીટનો જમાનો

સુરતમાં સિંગલ સ્ક્રીન એક જમાનો હતો. આજે મલ્ટીપ્લેક્સ સિનેમાની ઓનલાઇન ટીકીટ મળી જાય છે. જ્યારે સિંગલ સ્ક્રીન સિનેમામાં દર સોમવારે બૂકીંગ ખુલતું ત્યારે બૂકીંગ માટે લાંબી લાઈનો લાગતી. એક દિવસમાં આખા વીકની ટીકીટનું બુકીંગ થઈ જતું. શુક્રવારે નવી ફિલ્મ ચાલુ થાય એટલે ટીકીટના બ્લેક (કાળા બજાર) બોલાતા, સુરતની સિનેમા રોડની અને અન્ય થિયેટરોમાં અલગ અલગ બ્લેક કરવાવાળાનો ઇજારો હતો. તેઓનું ટીકીટ બુકીંગ કરનાર સાથે સેટિંગ હતું મોટા પ્રમાણમાં તેઓ ટીકીટ ખરીદી લેતા અને ડબલ ભાવે ફિલ્મની ટિકિટનું વેચાણ કરતા હતા. તેઓની બોલવાની છટા અલગ હતી પાંચ કા દશ.. પાંચ કા દશ…થિયેટરમાં હાઉસફુલના બોર્ડ લાગતા અને લોકો બ્લેકમાં ટીકીટ ખરીદી ફિલ્મ જોવા જતા હતા. ત્યારે મનોરંજનનું સાધન માત્ર સિનેમા ગૃહ હતા અને તમામ થિયેયરમાં ફિલ્મો ધૂમ ચાલતી હતી. નાસ્તામાં વૈશાલીના બટાકા વડા, શીતલના સમોસા ખાવાનું સિનેમા રસિકો ચુકતા નહિ. નાસ્તો બહારથી લઈ જવાની છૂટ હતી. સિનેમા રોડ પર દશ પૈસામાં ખાસ પ્રકારની લારીમાં ઠંડુ પાણી મળતું હતું સિંગલ સ્ક્રીન થિયેટરમાં ટિકિટના ભાવો ઓછા હોવાના કારણે સામાન્ય લોકોને પરવડતા હતા. પરિણામે ફિલ્મો સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી થતી હતી. એટલે પચ્ચીસ અને પચાસ વીક ચાલતી હતી.
સુરત     – કિરીટ મેઘાવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top