પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન અત્યંત સંવેદનશીલ મુદ્દા છે. તેની વિપરીત અસરોએ પરચો દેખાડવાનો શરૂ કરી દીધો છે. આ કારણે કેવળ આપણા દેશમાં જ નહીં, વિશ્વભરમાં પર્યાવરણની, ઘટતા જતા વનવિસ્તારની ફિકર થઈ રહી છે. જળવાયુ પરિવર્તનની અસરોને ઘટાડવા માટે વિવિધ તરીકા વિચારાઈ રહ્યા છે, જેની અસર લાંબે ગાળે કદાચ થાય તો થાય. અત્યારે તો કોઈને સહેજ થોભીને પાછું જોવાનો કે વિચારવાનો સમય નથી.
આવા માહોલમાં વર્ષ 2023નો ‘ઈન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ’ (આઈ.એસ.એફ.આર.) બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પ્રકાશિત આંકડા અનેક રીતે આનંદદાયક અને આશ્વાસનજનક છે. પહેલાં એ આંકડાની વાત. અહેવાલ મુજબ દેશનો કુલ 25 ટકા ભૌગોલિક વિસ્તાર વનથી આવરિત છે. વૃક્ષોના આચ્છાદનમાં બે વર્ષમાં 1,445 ચો.કિ.મી.નો વધારો થયો છે. આ આંકડા ખાસા પ્રોત્સાહક કહી શકાય. એક તરફ આપણે વિકાસની આંધળી દોટ અને તેને લઈને નીકળતાં જતાં વૃક્ષો કે વનોના નિકંદનના સમાચાર સાંભળતાં રહેતાં હોઈએ ત્યારે આ જાણીને અવશ્ય આનંદ થાય. પણ બહુ હરખાતાં પહેલાં કેટલીક વિગતો જાણવા જેવી છે.
‘ફોરેસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા’ (એફ.એસ.આઈ.) અનુસાર કોઈ પણ જમીનને વન ત્યારે ગણાવાય જ્યારે તે ઓછામાં ઓછું 1 હેક્ટર એટલે કે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું હોય અને તેના 10 ટકા વિસ્તારમાં વૃક્ષોનું આચ્છાદન હોય. આ વ્યાખ્યા અનેક અર્થઘટનને પાત્ર છે. કેમ કે, એ મુજબ જોઈએ તો અનેક સ્થાને કરાયેલાં વાવેતર વન તરીકે ગણાવાઈ શકે. 1 હેક્ટર કરતાં ઓછા વિસ્તારમાં હોય એવાં વૃક્ષોને પણ ‘એફ.એસ.આઈ.’ વૃક્ષાચ્છાદન તરીકે ગણનામાં લે છે. એ મુજબ વાંસનાં આચ્છાદનો પણ વૃક્ષના આચ્છાદન તરીકે ગણનામાં લેવાય છે.
વૃક્ષોના વાવેતરને વનમાં ગણવાં કે કેમ એ મોટો સવાલ છે. કેમ કે, વાસ્તવિક વનમાં હોય એવું વૈવિધ્ય તેમાં હોતું નથી, એમ તેમાં સૂકાં, મૃત લાકડાં કે બાયોમાસ હોતાં નથી. એનો અર્થ એ થયો કે આ અહેવાલમાં વન તરીકે જે વિસ્તાર ગણાવાયો છે એ બધો વિસ્તાર વનનો ન હોઈ શકે. પર્યાવરણવાદીઓના જણાવ્યા મુજબ પેરિસ હવામાન કરાર અનુસાર ભારત કાર્બનના ઉત્સર્જનને નાથીને પોતાની પ્રતિબદ્ધતા દાખવી રહ્યું હોવાનો દેખાડો કરવાનો આ પ્રયાસ છે. કાગળ પરના આ આંકડા ખરેખર જળવાયુ પરિવર્તન કે પર્યાવરણની વિપરીત અસર સામેની લડતમાં કારગર બનશે ખરા?
અહેવાલમાં બીજું પણ ઘણું છે. અનેક વિસ્તારોના વન વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જણાયો છે, આગ લાગવાના બનાવો વધ્યા છે અને વન્ય વિસ્તારનો ઉપયોગ બિનવન્ય પ્રવૃત્તિઓ માટે કરવાથી કાર્બનને દૂર કરવાની તક ઘટે છે. પશ્ચિમ ઘાટ અને ઈશાન ભારતમાં વન્ય વિસ્તાર દેખીતી રીતે ઘટ્યો છે. છેલ્લાં બે વર્ષમાં કર્ણાટક રાજ્યમાં જ 459 ચો.કિ.મી. વન વિસ્તાર ઘટ્યો છે. ઘાટ પ્રદેશના જિલ્લા પૈકીના શિવમોગા જિલ્લાના વન વિસ્તારમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ઘાટ પ્રદેશમાંની જૈવવિવિધતાનો નાશ અન્ય વિસ્તારમાં કરાયેલા વાવેતરથી ભરપાઈ કરી શકાય એમ નથી. ગાઢ વન વિસ્તાર અને જૈવવિવિધતા માટે જાણીતાં ઈશાન ભારતનાં રાજ્યોમાં ઘણું નુકસાન અને ઘટાડો થયો છે. આનું કારણ છે વન સંવર્ધન અધિનિયમ, 1980માં કરાયેલો ફેરફાર. દબાણ, રબર અને પામ તેલનાં વૃક્ષોનું વાવેતર તેમજ કાનૂની ટેકો ધરાવતા માળખાકીય વિકાસના પ્રકલ્પો આના માટે જવાબદાર છે. તટીય વિસ્તારમાંના મેન્ગ્રોવ પર પણ ખતરો છે. અનેક શહેરોમાં હરિત આવરણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. આ બધાની સાથોસાથ વનની ગીચતામાં થયેલો ઘટાડો પણ ગણવો રહ્યો. અનેક સ્થળે ગાઢ જંગલો ઝાડીઓમાં ફેરવાઈ ગયાં છે. આગ જેવાં કુદરતી અને બીજાં અનેક માનવસર્જીત પરિબળોને લઈને વન વિસ્તાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
આમ, દેખીતી રીતે વન વિસ્તાર અનેક ખતરાઓથી ગ્રસ્ત છે. એ પણ હકીકત છે કે ગાઢ વન ધરાવતા વિસ્તાર ઘટી રહ્યા છે. છતાં સરકારી અહેવાલમાં વન વિસ્તારમાં વૃદ્ધિ દર્શાવાઈ છે. આ આંકડા ખોટા નથી, પણ મૂળ સમસ્યા વન વિસ્તાર શેને ગણવો એની છે. એટલે કે અહેવાલમાં દર્શાવાયેલા પચીસ ટકા વન વિસ્તારમાં પશ્ચિમ ઘાટ, નીલગીરી અને ઈશાન ભારતના ઘટતા વનવિસ્તારને ગણવામાં નથી આવ્યો. કચ્છ અને આંદામાનમાં ઘટતા જતા મેન્ગ્રોવને પણ ગણનામાં લેવાયા નથી. આથી દેખીતી રીતે, કાગળ પર વન વિસ્તારમાં વૃદ્ધિ થયેલી દેખાય ખરી, પણ વાસ્તવિકતા સાવ અલગ હોય. આ અહેવાલની વિગતો પ્રસાર માધ્યમોમાં વિવિધ રીતે ચર્ચાઈ રહી છે અને મોટા ભાગનાએ આ આંકડાને, અહેવાલને ખોટો ભલે નથી ઠેરવ્યો, પણ તેને વિશ્વાસપાત્ર ગણ્યો નથી.
એટલે કે દાવો સાચો, પણ એમાં જે નુકસાન થયું છે એનો ઉલ્લેખ નથી એટલે એને અર્ધસત્ય ગણાવી શકાય. સવાલ એ છે કે પર્યાવરણ કે જળવાયુ પરિવર્તન આવા અહેવાલથી પ્રેરિત થાય છે ખરું? તેને જે નુકસાન થયું છે, થતું રહે છે અને હજી થતું રહેવાનું છે એની અસર સરવાળે આપણે સૌએ જ ભોગવવાની છે. એ આપણે ભોગવી પણ રહ્યાં છીએ. છતાં એમાંથી કશો ધડો લેવાતો નથી. રાજ્ય વધુ ને વધુ વિકાસની યોજનાઓ ઘડતું રહે છે, એનો અમલ કરતું રહે છે અને પર્યાવરણનો ખો નીકળતો રહે છે. રાજ્યોની આવકમાં કદાચ વૃદ્ધિ થતી રહેશે, પણ એ આવક પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ કરી શકશે નહીં. આંકડા ગમે એ કહે, પર્યાવરણ તેને ગાંઠવાનું નથી એ હકીકત છે. વ્યક્તિગત સ્તરે ભાગ્યે જ કશું કરી શકતા આપણા જેવાં નાગરિકોએ કાં આ વિપરીત અસરનો ભોગ બનવાનું છે કે બીજાઓને ભોગ બનતાં જોતાં રહેવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.