Editorial

રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો જે જુવાળ જોવા મળી રહ્યો છે તેને સલામ, પણ રઝળે નહીં તે જોજો

75મા સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાનું આહવાન કરતા લોકો ઘર અને પોતાની સંસ્થાઓ પર તિરંગો ફરકાવવા માટે તલપાપડ જોવા મળી રહ્યાં છે. દેશના વડા પ્રધાને તો 13 તારીખથી 15 તારીખ સુધી લોકોને તેમના મકાનો, દુકાનો, મિલો, શાળાઓ અને સંસ્થાઓ ઉપર તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું છે. પરંતુ લોકો તો 11 તારીખથી જ આ તિરંગાને ફરકાવવા લાગ્યાં છે. તિરંગો ખરીદવા માટે લોકોની હોડ એટલી હદે વધી ગઇ છે કે, પોસ્ટઓફિસ અને ખાદી ગ્રામ ઉદ્યોગમાં તિરંગા ખૂટી પડ્યા છે.

દેશને સ્વતંત્ર થવાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે દેશ આખામાં લોકોમાં અદ્વિતિય ઉત્સાહ છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે લોકોમાં જે ઉત્સાહ હતો તેવો જ ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે. આ ઉજવણી માટે આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. લોકો પણ આ ઉજવણીમાં સીધા સહભાગી બની શકે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાનું આહવાન કર્યું છે. જેથી લોકો પણ પોતાના ઘરે, દુકાન કે સંસ્થાનો પર તિરંગો ફરકાવી શકે છે. આ આહવાન બાદ લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. આખા દેશમાં અદ્વિતીય ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો સરળતાથી તિરંગો ખરીદી કે મેળવી શકે તેવી પણ વ્યવસ્થા તંત્ર અને એનજીઓ સહિતે કર્યો છે.

તેમાં પોસ્ટ અને ખાદી ગ્રામ ઉદ્યોગ પણ તિરંગો સસ્તામાં વેચતા હતા. હવે 15 ઓગસ્ટને માત્ર એક દિવસ બાકી છે, ત્યારે લોકો છેલ્લી ઘડીએ તિરંગો ખરીદવા ઊમટી રહ્યાં છે. શુક્રવારે પોસ્ટ અને ખાદી ગ્રામ ઉદ્યોગમાં તિરંગા ખૂટી પડ્યા હતાં. જો કે, બંને સંસ્થાન તિરંગાની વ્યવસ્થા કરનાર હોવાની માહિતી મળી છે. લોકોમાં જે રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદભૂત છે. અન્ય શહેરોની તો એટલી જાણકારી નથી પરંતુ સુરતના કોઇપણ માર્ગ કે ગલીઓમાંથી પસાર થાવ તો ચોક્કસ જ જોવા મળશે કે ગલીઓમાં અને માર્ગો ઉપર બંને તરફ મકાનો ઉપર તિરંગા લાગેલા છે. એટલું જ નહીં પરંતુ ઠેર ઠેર તિરંગા યાત્રા પણ નીકળી રહી છે.

વિદ્યાર્થીઓ તેમની રીતે તિરંગા યાત્રા કાઢી રહ્યાં છે તો વેપારીઓ પણ મોટી સંખ્યા તેમના વેપારી સંસ્થાનની આસપાસ યાત્રાનું આયોજન કરી રહ્યાં છે. મુસ્લિમ સમાજ પણ તેમની રીતે યાત્રા કાઢીને રાષ્ટ્રપ્રેમમાં તેઓ પણ પાછળ નથી તે દર્શાવી રહ્યાં છે. એટલું જ નહીં જુદા જુદા ઉત્સવોમાં પણ તિરંગાની ઝલક જોવા મળી છે. સુરતમાં નીકળેલા તાજિયા ઝુલુસમાં પણ તિરંગાની જ ઝલક જોવા મળી હતી. તો છડી ઉપર પણ તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી કચેરીઓ, બ્રિજ ઉપર તો તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું જ છે પરંતુ જળાશયો અને ડેમો ઉપર પણ એ પ્રકારની લાઇટિંગ કરવામાં આવ્યું છે કે, જાણે તિરંગો વહી રહ્યો હોય.

રાષ્ટ્રધ્વજનું જે રીતે દરેક લોકોને સન્માન હોય છે અને એવું જ હોવું પણ જોઇએ તેવી જ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કોઇ સંજોગોમાં સાંખી લેવું જોઇએ નહીં. રાષ્ટ્રધ્વજ જેટલા માનભેર સાથે ફરકાવવામાં આવે છે તેટલા જ માનથી તેને ઉતારી લેવો જોઇએ અને તેને જ્યારે ઉતારીને મૂકવામાં આવે ત્યારે તેની ગળી વાળવાની પણ ચોક્કસ રીત હોય છે. પરંતુ એવું પણ જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો રાષ્ટ્રધ્વજને રઝળતો મૂકી દે છે. આવી સ્થિતિનું સર્જન કોઇ સંજોગોમાં થવું નહીં જોઇએ. ભલે તમે રાષ્ટ્રધ્વજનું સન્માન નહીં કરી શકો તો કોઇ વાંધો નહીં પરંતુ તેનું અપમાન કોઇ કાળે નહીં કરતાં આઝાદી પર્વ પૂર્ણ થયા પછી રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ઉતારી લેજો અને આવતા વર્ષે ફરી ફરકાવી શકાય તેવી જગ્યા ઉપર ઘરમાં મૂકજો પરંતુ રઝળે નહીં તે જોવાનું કામ દરેક દેશવાસીનું છે.

Most Popular

To Top