Columns

બ્રાઝિલ સાથેના વેક્સિન કૌભાંડમાં દુબઈની કંપનીની ભેદી ભૂમિકા

બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦ ના નવેમ્બર મહિનામાં ભારત બાયોટેકે વેક્સિનના ૨ કરોડ ડોઝ ૨૦ કરોડ ડોલરમાં વેચવાની ઓફર કરી હતી. આ ઓફર મુજબ વેક્સિનનો એક ડોઝ ૧૦ ડોલરમાં પડવાનો હતો. ૨ કરોડ ડોઝ ૨૦ કરોડ ડોલરમાં ખરીદવાના હતા. તેને બદલે બ્રાઝિલ સરકારે ૧૫ ડોલરમાં વેક્સિનનો સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઊઠી હતી. ૧૫ ડોલરના ભાવે ૨ કરોડ ડોઝની કિંમત ૩૦ કરોડ ડોલર પર પહોંચતી હતી. બ્રાઝિલના વિપક્ષના કહેવા મુજબ આ સોદામાં ૧૦ કરોડ ડોલરનો ભ્રષ્ટાચાર થયો હતો, જેના માટે પ્રમુખ બોલ્સોનારો જવાબદાર હોવાનું કહેવાય છે. આ સોદો પાર પાડવામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રસ લીધો હોવાથી ભારતમાં પણ તેની ચર્ચા છે.

ભારત બાયોટેકના સોદામાં અત્યાર સુધી બે જ કંપનીઓ સામેલ હોવાની વાત સામે આવી હતી. તેમાંની એક કંપની ભારત બાયોટેક પોતે અને બીજી કંપની બ્રાઝિલમાં ભારત બાયોટેક વતી કામ કરતી પ્રેસિસા મેડિકેમ હતી. હવે તેમાં દુબઈમાં ઓફિસ ધરાવતી એન્વિક્સિયા ફાર્માસ્યુટિકલ્સ નામની ભારતીય માલિકીની કંપની પણ સામેલ હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે. આ ત્રણેય કંપનીઓ વચ્ચે તા. ૨૪-૧૧-૨૦૨૦ ના રોજ થયેલા કરારની વિગતો બહાર આવતાં બ્રાઝિલમાં ખળભળાટ મચી ગયો છે. આ કરારમાં દુબઇની કંપની વતી તેના જનરલ મેનેજર અનુદેશ ગોયલે સહી કરી હતી. આ કંપની અત્યંત ભેદી છે. ગુગલમાં સર્ચ કરતાં તેના બાબતની કોઈ વિગતો મળતી નથી. કરારમાં જે સહી કરવામાં આવી છે તેમાં આ કંપનીનો રબ્બર સ્ટેમ્પ પણ જોવા મળતો નથી. આ કંપનીને બ્રાઝિલના સોદામાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કદાચ સોદામાં થયેલા ૧૦ કરોડ ડોલરના કથિત ભ્રષ્ટાચાર સાથે આ કંપનીને કોઈ સંબંધ છે.

ધ વાયર નામના ન્યૂઝ પોર્ટલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે દુબઈની કંપનીના છેડા મુંબઈની ઇન્વેક્સ હેલ્થકેર કંપની સાથે જોડાયેલા છે, જેની તપાસ કુંભમેળા દરમિયાન કરવામાં આવેલી બોગસ આર.ટી. પી.સી.આર. ટેસ્ટ માટે કરવામાં આવી રહી છે.  જે કરાર પર સહી કરવામાં આવી તેમાં દુબઈની કંપનીની ઓફિસ ઇન્ટરનેશનલ ફ્રી ઝોનમાં આવેલી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દુબઈ ડિજિટલ પાર્કમાં આવેલા ઇન્ટરનેશનલ ફ્રી ઝોનના દસ્તાવેજમાં ક્યાંય એન્વિક્સિયાનું નામ વાંચવા મળતું નથી.

ભારતમાં દવા કંપનીઓ સાથે કામ કરતા કોઈએ દુબઈની એન્વિક્સિયા ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ સાંભળ્યું નથી; પણ તેઓ તેના જનરલ મેનેજર તરીકે સહી કરનારા અનુદેશ ગોયલને સારી રીતે ઓળખે છે. તેમણે ૨૦૨૦ ના જાન્યુઆરી મહિનામાં દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યોજાયેલા આરબ હેલ્થ મેળામાં ભાગ લીધો હતો. અનુદેશ ગોયલ ભારતની ઇન્વેક્સ હેલ્થ નામની કંપનીના પ્રમુખ છે. આ કંપનીની ઓફિસ મુંબઈના અંધેરી ઉપનગરમાં આવેલી છે. આ કંપનીની સ્થાપના ૨૦૧૮ ના ડિસેમ્બરમાં થઈ હતી. અનુદેશ ગોયલ શરૂઆતથી તેના ડિરેક્ટર છે.

બ્રાઝિલના વેક્સિન કૌભાંડમાં અનુદેશ ગોયલની સંડોવણી બહાર આવતાં નવો જ ધડાકો થયો છે. હરિદ્વારમાં કુંભ મેળા દરમિયાન જે બોગસ આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું કૌભાંડ થયું હતું તેમાં પણ અનુદેશ ગોયલ નામના ઇસમની સંડોવણી છે. ઉત્તરાખંડમાં આ કૌભાંડની તપાસ કરી રહેલા પોલીસ ઓફિસરે કહ્યું હતું કે અનુદેશ ગોયલને દુબઈની કંપની એન્વિક્સિયા સાથે શું સંબંધ છે? તેની અમને જાણ નથી; પણ તેમનો દુબઈમાં વેપાર છે, તેની જાણ જરૂર છે. બ્રાઝિલના વેક્સિન કૌભાંડમાં અને કુંભ મેળાના ટેસ્ટિંગ કૌભાંડમાં પણ અનુદેશ ગોયલની સંડોવણી છે.

ભારત બાયોટેક કંપનીએ બ્રાઝિલની સરકાર સાથે ૩૦ કરોડ ડોલરનો સોદો કર્યો તે પછી સિંગાપોરમાં ઓફિસ ધરાવતી મેડિસન બાયોટેક નામની કંપનીએ બ્રાઝિલ સરકારને વેક્સિન પેટે ૪.૫ કરોડ ડોલરના એડવાન્સ પેમેન્ટનું ઇનવોઇસ પણ મોકલી આપ્યું હતું. મતલબ કે ભારત બાયોટેકને વેક્સિનના વેચાણમાંથી જે ૩૦ કરોડ ડોલર મળવાના હતા તે સિંગાપોરની કંપનીના ખાતામાં જમા થવાના હતા. સિંગાપોરની મેડિસન બાયોટેક કંપનીને ભારત બાયોટેક સાથે શું સંબંધ હતો? તે હજુ સ્પષ્ટ થયું નથી. ત્યાં તેનો દુબઈની કંપની સાથેનો સંબંધ બહાર આવ્યો છે. આ સોદામાં કેટલા વચેટિયાઓ હતા? તેમને કેટલું કમિશન મળવાનું હતું? તે હજુ સ્પષ્ટ થતું નથી.

બ્રાઝિલની સંસદીય સમિતિ સમક્ષ આવેલા એક દસ્તાવેજ મુજબ ૨૦૨૦ ની તા. ૨૦ નવેમ્બરે બ્રાઝિલમાં ભારત બાયોટેકની બ્રાઝિલ શાખાના પ્રતિનિધિઓ, ભારત બાયોટેકના પ્રતિનિધિઓ અને બ્રાઝિલ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મીટિંગ થઈ હતી. તેમાં ભારત બાયોટેક દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ કોવેક્સિનનો એક ડોઝ ૧૦ ડોલરમાં વેચવા તૈયાર છે અને તેમાં પણ ભવિષ્યમાં ઘટાડો થઈ શકે છે. બ્રાઝિલ સરકારે ભારત બાયોટેકના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કેમ કરી? તેવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. આ મીટિંગના ચાર દિવસ પછી ભારત બાયોટેક, તેની બ્રાઝિલની કંપની પ્રેસિસા મેડિકેમ અને દુબઈની કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો.

ભારત બાયોટેકે ૨૦૨૧ ના જાન્યુઆરી મહિના સુધીમાં કોવેક્સિનના ભાવો ૧૦ ડોલરથી વધારીને ૧૫ ડોલર કરી નાખ્યા હતા. તેણે તા. ૧૨ જાન્યુઆરીના પોતાની બ્રાઝિલની કંપની સાથે મીટિંગ કરી હતી અને ૧૫ ડોલરનું ક્વોટેશન આપ્યું હતું. તેણે બ્રાઝિલ સરકારને આ ઓફર સ્વીકારવા માટે માત્ર ત્રણ જ દિવસનો સમય આપ્યો હતો. બ્રાઝિલ સરકારે પણ ત્રણ દિવસમાં ૩૦ કરોડ ડોલરના કરાર પર સહી કરી હતી. બ્રાઝિલ સરકાર દ્વારા ભારત બાયોટેકને એક પણ ડોલર એડવાન્સના રૂપમાં ચૂકવવામાં આવ્યો નહોતો. ભારત બાયોટેક દ્વારા બ્રાઝિલને વેક્સિનનો એક પણ ડોઝ પહોંચાડવામાં આવ્યો નહોતો. તેમ છતાં આ સોદામાં ગેરરીતિ બહાર આવતાં તે સોદો રદ કરવામાં આવ્યો હતો અને તેમાં સંસદીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

હરિદ્વારના કુંભ મેળામાં ભાગ લેનારા ભાવિકોની આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ સરકાર પાસે આટલી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવાની ક્ષમતા ન હોવાથી તેનો કોન્ટ્રેક્ટ મેક્સ કોર્પોરેટ સર્વિસિસ નામની ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો હતો. અગાઉ આ કંપનીએ હરિદ્વારના કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, પણ તેને નકારી કાઢવામાં આવી હતી. તેમ છતાં કુંભ મેળાના વહીવટી તંત્રે મેક્સ કંપનીને કોન્ટ્રેક્ટ આપી દીધો હતો. તેણે ૯૮,૦૦૦ ટેસ્ટ કર્યા વિના જ પ્રમાણપત્રો આપી દીધાં હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીના તાર ભાજપના કેટલાક નેતાઓ સાથે અડતા હોવાનું બહાર આવ્યું હતું. ઉત્તરાખંડની સરકાર આ કૌભાંડની તપાસ કરી રહી છે. હવે બ્રાઝિલના વેક્સિન કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અનુદેશ ગોયલના તાર પણ મેક્સ કંપની સાથે મળતા હોવાનું બહાર આવ્યું છે. હકીકતમાં કોરોનાની મહામારી કેટલાક લોકો માટે બેઈમાનીથી રૂપિયા રળવા માટેનું સાધન બની ગયું છે.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top