ભરૂચ,અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં વધારે લાઈટ બીલ આવવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં અંદાડા ગામે રોજબરોજ મજુરી કરીને પેટીયું રળતા એક ગરીબ પરિવારને DGVCL તરફથી 6000નું લાઈટ બીલ પધરાવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. સામાન્ય પણે ઘરમાં જો ભરઉનાળામાં એકાદ એસી ચલાવતા હોય તેને પણ આટલું બિલ આવતું નથી ત્યારે નાનકડા ઘરમાં મજુરી કરીને જીંદગી વ્યતિત કરનારા પરિવારને મસમોટું બીલ આવતા તેઓના હાંજા ગગડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે રહેતા અશ્વિનભાઈ વસાવા પોતાનું પરિવાર મજુરીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓ પોતે DGVCL નિયમિત ગ્રાહક હોવાથી દર વખતે માંડ એકાદ હજારથી થોડું વધારે નિયમિત બિલ આવતું હતું. સામાન્ય ઘરમાં રહેતા અશ્વિનભાઈ વસાવાને હાલમાં બે મહિનાનું બિલ 6000 આવતા આંકડો જોઇને ચોંકી ગયા હતા.
તેઓના પરિવારની માસિક આવક પણ 6000 ન હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા. અશ્વિનભાઈ વસાવાએ DGVCL વિભાગની કચેરીને જઈને અધિકારીઓને બિલ વધારે આવ્યું હોવાની રજુઆત કરી હતી. ઘરમાં સામાન્ય ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તો આટલું વધારે બિલ કેવી રીતે આવ્યું તે સવાલ કર્યો.
અશ્વિનભાઈ વસાવાનું 6000નું બિલ જોઈ વીજ કર્મીઓ પણ માથં ખંજવાળતા થઈ ગયા હતા. ગડખોલ DGVCLના અધિકારી અનીલ બોળદએ કહ્યું કે આ ગ્રાહકને છેલ્લા પાંચ બિલ ફોલ્ટી મીટર તરીકે ટેકનીકલ ખામીને કારણે આપતા હતા. હાલમાં પાછલા 10 મહિનાનું બિલ આવ્યું હતું. તેથી વધારે હતું. જો કે હાલમાં બિલની રકમ 6000 થી ઘટાડીને 680 કરી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે DGVCL અંકલેશ્વરમાં બે વખત મસમોટું બિલ આવતા આખરે ગ્રાહકોમાં ધ્રાસ્કો પડતો હોય છે. મીટર મોનીટરીંગમાં રહેલી ખામીઓ માટે ગ્રાહકો હેરાન પરેશાન થઇ જતા હોય છે.