ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લીના સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપની અંદરના જ વિરોધી નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, ભાજપના જ ઉમેદવારોને હરાવવાના સપના જોતા હોય તો તે ભૂલી જજો.
પાટીલે અરવલ્લી ભાજપના જ સંમેલનમાં કહ્યું હતું કે, ભાજપના ઉમેદવારને હરાવવાની વાત ભૂલી જજો. તમે એમ માનતા હોય કે ભાજપના ઉમેદવારને હરાવીશું તો તે ભૂલી જજો. હવે ભાજપના કાર્યકરે જ પાર્ટીએ પસંગ કરેલા ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ કર્યો હશે તો તમે તેને હરાવી નહીં શકો.
પાટીલે વધુમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોની વાત સાભળજો, જો તેમની ફરિયાદ આવશે તો, હિસાબ થઈ જશે. પેજ સમિતિના કારણે ઉમેદવારને હરાવવાનું શકય જ નથી.કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો.
કોઈ એમ માનતું હોય કે મારા કારણે પાર્ટી જીતી છે, અથવા તો મારામાં ઉમેવારને હરાવવાની તાકાત છે તે પણ ભૂલી જજો. તેમ પાટીલે ચેતવણી આપી હતી. રાજયમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીલની આવી ચેતવણી એકદમ સૂચક મનાય છે.