Columns

વયોવૃદ્ધ કિસાન નેતા દિલ્હી સરહદ પર જીવસટોસટનો જંગ ખેલી રહ્યા છે

ભારતના કરોડો યુવાનો જ્યારે ખ્રિસ્તી નવા વર્ષની પાર્ટી મનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હરિયાણાના ખનૌરી ગામમાં ૭૦ વર્ષના વયોવૃદ્ધ કિસાન નેતા જગજીત સિંહ દલ્લેવાલ ગરીબ અને મધ્યમ વર્ગીય કિસાનોના અધિકારો માટે આમરણ ઉપવાસ પર બેઠા હતા. આપણી સરકાર કિસાનોની માગણીઓ બાબતમાં એટલી બધી અસંવેદનશીલ થઈ ગઈ છે કે તે કિસાન નેતાઓ સાથે મંત્રણાઓ કરવા અને પોતે ભૂતકાળમાં આપેલાં વચનો પાળવા પણ તૈયાર નથી.

પંજાબ સરકારના અધિકારીઓની એક ટીમે ખેડૂત નેતાને સારવાર લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી, કારણ કે તેમને ડર હતો કે તેમને વિરોધ સ્થળ પરથી હટાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવશે. ચાલો જાણીએ, કોણ છે કિસાન નેતા જગજીત સિંહ દલ્લેવાલ, જેમણે પોતાના આંદોલનથી કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ કરી દીધી છે.

પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ ૨૬ નવેમ્બરથી અનિશ્ચિત સમયના ઉપવાસ ઉપર છે. તેમની માંગણી છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની કાયદાકીય ગેરંટી અને અન્ય માંગણીઓ સ્વીકારવી જોઈએ. ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતો ૧૩ ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાના શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર કેમ્પ કરી રહ્યા છે, જ્યારે તેમની દિલ્હી તરફ કૂચ સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવી હતી.

પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) ના વડા છે. તેઓ લાંબા સમયથી ખેડૂતોના હકો માટે લડી રહ્યા છે. ખનૌરીમાં આમરણ ઉપવાસ શરૂ કરતાં પહેલાં જગજીત સિંહ દલ્લેવાલે તેમની ૧૭ એકર જમીન તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રને નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ પગલાંએ તેમને ભારતના કરોડો કિસાનોના હીરો બનાવ્યા છે. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના અનુયાયી દલ્લેવાલે ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ દિલ્હી માર્ચની ચોથી વર્ષગાંઠના રોજ આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર) ના વડા દલ્લેવાલ પંજાબના માલવા ક્ષેત્રમાં સક્રિય છે. તેઓ જમીન સંપાદન સામેના વિરોધમાં અને આત્મહત્યા કરનારા ખેડૂતો માટે વળતરની માંગણીમાં સૌથી આગળ રહ્યા છે. BKU (એકતા સિદ્ધુપુર) એ પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોમાંથી એક છે, જેણે સંયુક્ત કિસાન મોરચાની રચના કરી હતી. તેમણે દિલ્હી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જો કે, પંજાબમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે અલગ સંગઠન બનાવવાના ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલના નિર્ણય સાથે દલ્લેવાલ અસંમત હતા.

ખેડૂતોની માંગના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને તબીબી સહાય પૂરી પાડવાના તેના આદેશોનું પાલન કરવા માટે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને વધુ સમય આપ્યો છે. અગાઉ, પંજાબ સરકાર દ્વારા કોર્ટના ૨૦ ડિસેમ્બરના આદેશનું પાલન કરવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી માટે ૨ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

સુનાવણી દરમિયાન પંજાબ સરકારના એડવોકેટ જનરલ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલે મધ્યસ્થીની ટીમ વિરોધ સ્થળ પર ખેડૂતો સાથે વાત કરી રહી છે અને ખેડૂત નેતા દલ્લેવાલને પંજાબ સરકાર દ્વારા ખનૌરી બોર્ડર પર બનાવેલી હંગામી હોસ્પિટલમાં ખસેડવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશનું પાલન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત પંજાબ બંધને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે વિરોધીઓએ પ્રસ્તાવ મૂક્યો હતો કે જો કેન્દ્ર સરકાર મંત્રણા માટે તૈયાર હોય તો દલ્લેવાલ તબીબી સહાય મેળવવા માટે સંમત થશે.

જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે અમે ચાલી રહેલી વાતચીત પર કોઈ ટિપ્પણી કરીશું નહીં. જો એવું કંઈક થાય, જે તમામ પક્ષોને સ્વીકાર્ય હોય, તો અમને આનંદ થશે. હાલમાં અમે ફક્ત અમારા આદેશોના પાલનની ચિંતા કરીએ છીએ. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને પંજાબના એડવોકેટ જનરલ દ્વારા કરાયેલી રજૂઆતો અંગે કોઈ સૂચના મળી નથી. કોર્ટે સુનાવણી પછીના આદેશમાં જણાવ્યું હતું કે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે વધારાના ત્રણ દિવસનો સમય માંગતી પંજાબના સત્તાવાળાઓની અરજી દાખલ કરવામાં આવી છે. સંજોગોની સંપૂર્ણતા અને ન્યાયના હિતને ધ્યાનમાં રાખીને અમે આદેશોનું પાલન કરવા માટે થોડો વધુ સમય આપવા તૈયાર છીએ. સુનાવણી દરમિયાન, પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપી વર્ચ્યુઅલ રીતે હાજર થયા હતા અને કોર્ટે આગામી સુનાવણીમાં પણ તેમની હાજરીની જરૂર માની હતી.

ખેડૂતોને પાક પરના એમએસપી ગેરંટી કાયદા માટે ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ ગુરુવારે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા. ૧૦ મિનિટ પછી તેઓ હોશમાં આવ્યા હતા. જગજીત સિંહ દલ્લેવાલનું બ્લડપ્રેશર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ખેડૂતોના આંદોલન પર સુનાવણી કરતા પંજાબ સરકારને સવાલ કર્યો હતો કે ૭૦ વર્ષનો એક વૃદ્ધ ૨૪ દિવસથી ભૂખ હડતાળ પર છે. જગજીત સિંહ દલ્લેવાલને કોઈ પણ ટેસ્ટ કર્યા વિના જ સ્વસ્થ હોવાનું કહેનાર ડૉક્ટર કોણ છે? સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પણ ફટકાર લગાવતાં કહ્યું કે દલ્લેવાલના ટેસ્ટ તેમ જ સીટી સ્કેનની તમામ જવાબદારી તમારી છે.

જગજીત સિંહ દલ્લેવાલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પહેલી વખત હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેઓ કૃષિ લોન માફી અને ખેડૂતોની ઉપજના ફાયદાકારક ભાવો સુનિશ્ચિત કરવા માટે સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણની માંગણી કરતા ટ્રેક્ટરોના કાફલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યાર પછી પંજાબની તત્કાલીન કોંગ્રેસ સરકારે આ કાફલાને સંગરુરના ચીમા મંડીમાં રોકી દીધો હતો. આ કાફલો ૨૮ દિવસ સુધી ચીમા મંડીમાં રહ્યો હતો. ત્યાર પછી સરકારે તેમને તેમની કૂચ ફરી શરૂ કરવાની મંજૂરી આપી.

જગજીત સિંહ દલ્લેવાલ બાદમાં ૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ દિલ્હીમાં અણ્ણા હજારેની ભૂખ હડતાળમાં જોડાયા હતા. ૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ દલ્લેવાલ ફરીથી અણ્ણા હજારેના પગલે ચાલ્યા અને કૃષિ સંકટ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચંદીગઢમાં ભૂખ હડતાળ પર ઊતર્યા હતા. જાન્યુઆરી ૨૦૨૧ માં તેઓ કૃષિ કાયદાને રદ કરવા માટે દિલ્હીની સરહદ પર ભૂખ હડતાળ પર બેઠા હતા. દલ્લેવાલે નવેમ્બર ૨૦૨૨માં પણ ભૂખ હડતાળ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને વારંવાર વિરોધ કરવા બદલ ખેડૂત સંગઠનોને નિશાન બનાવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શંભુ બોર્ડર પર ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪થી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખનૌરી બોર્ડર પર પણ ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે. અહીં હરિયાણા પોલીસે તેમને બેરિકેડ કરીને દિલ્હી જતા અટકાવ્યા છે. ૧૦ જુલાઈ ૨૦૨૪ના રોજ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે શંભુ બોર્ડર એક સપ્તાહની અંદર ખોલવામાં આવે. તેની સામે હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જગજીત સિંહ દલ્લેવાલ બાથરૂમ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. હોશમાં આવ્યા પછી દલ્લેવાલે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરશે. દલ્લેવાલે કહ્યું છે કે તેઓ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલાં કહ્યું હતું કે તેના દરવાજા ખેડૂતો માટે હંમેશા ખુલ્લા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top