Editorial

ક્લાઈમેટ ચેન્જની અસરને નાથવા માટે સરકાર પગલા નહીં લે તો અનેક શહેર દરિયામાં ગરકાવ થઈ જશે

વિકાસ અને ઔદ્યોગિકરણના નામે એટલી હદે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કે તેને કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો જોવા મળી રહી છે. ક્લાઈમેટ ચેન્જ આખી દુનિયાનો નકશો બદલી નાખે તેમ છે. ખુદ વૈશ્વિક સંસ્થાઓ દ્વારા આ મામલે ચેતવણી આપવામાં આવી રહી છે કે ક્લાઈમેટ ચેન્જની અસરોને નાથવામાં નહીં આવે અને પ્રદૂષણને રોકવામાં નહીં આવે તો તેના માઠા પરિણામો દુનિયાએ ભોગવવા પડશે. આ પરિણામો એવા હશે કે કેટલાક જાણીતા શહેરો દરિયામાં ગરક થઈ જશે અને કેટલાક શહેરો ગરમીમાં શેકાઈ જશે. સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરગવર્નમેન્ટલ પેન ઓન ક્લાઈમેન્ટ ચેન્જ  દ્વારા પ્રકાશિત છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલમાં ક્લાઈમેટ ચેન્જને કારણે ઊભી થનારી અતિ ગંભીર અસરોની માહિતી રજૂ કરવામાં આવી છે. આ અહેવાલમાં 67 દેશમાંથી આશરે 270 લેખકો દ્વારા વિગતો રજૂ કરવામાં આવી છે. અગાઉ ઓગસ્ટ, 2021માં પણ સંસ્થા દ્વારા ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતા દર્શાવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આગામી 20 વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 સેલ્સિયસનો વધારો થવાની ચેતવણી આપવામાં આવી જ હતી.

હાલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ક્લાઈમેટ ચેન્જને કારણે દુનિયામાં તો ગરમી વધશે જ પરંતુ ભારતમાં સરેરાશ ગરમીમાં 1થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થઈ શકે તેમ છે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો નહીં થાય તો 2035 સુધીમાં અમદાવાદ શહેરમાં ગરમી માઝા મુકશે. આ સમયે અમદાવાદની અંદાજીત વસતી 1.10 કરોડની ગણવામાં આવી છે અને આ 1.10 કરોડ લોકો ભઠ્ઠીની જેમ ગરમીમાં શેકાશે. આજ રીતે 2035 એટલે કે આગામી 13 વર્ષમાં મુંબઈના 2.70 કરોડ લોકો માટે પણ પરિસ્થિતિ જીવનમરણની બનશે. મુંબઈમાં વિનાશકારી પૂર આવવાની સાથે સમુદ્રની સપાટીમાં વધારો થવાનું જોખમ છે. એટલે કે મુંબઈ ડૂબી જવાની સંભાવના છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ક્લાઈમેટ ચેન્જની મહત્તમ અસર દરિયા કિનારાના વિસ્તારો પર અને શહેરોમાં જોવા મળશે. ભારતમાં 2050 સુધીમાં 87.70 કરોડ લોકો શહેરોમાં વસતા થવાનો અંદાજ છે. આ જોતા ક્લાઈમેટ ચેન્જની અસર ભારતમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરશે. અમદાવાદ તેમજ મુંબઈની સાથે ચેન્નાઈ, લખનૌ, પટના તેમજ ભુવનેશ્વરમાં પણ તાપમાનમાં વધારો થયેલો જોવા મળશે. જેને કારણે ‘લૂ’ની સ્થિતિ ગંભીર રહેશે. મુંબઈની સાથે ગોવા, ઓરિસ્સામાં પણ દરિયામાં પૂર તેમજ ચક્રવાતી તોફાનો સર્જાશે. ભારતની સાથે દુનિયાની 40 ટકા વસતી ક્લાઈમેટ ચેન્જની અસરનો ભોગ બનશે અને તેને કારણે માનવે જીવવું ઘણું જ અઘરૂં બની જશે. તાજેતરમાં કેનેડામાં ક્લાઈમેટ ચેન્જનો પ્રથમ દર્દી જોવા મળ્યો હતો. આજ રીતે ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે ભારત સહિત વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જને કારણે બીમાર થનારા અનેક દર્દીઓ જોવા મળશે.

ક્લાઈમેટ ચેન્જની અસરને દૂર કરવા અને તેને વધુ ગંભીર બનતી અટકાવવા માટે સરકારે પણ ગંભીરતાથી કદમો ઉઠાવવાની જરૂરીયાત છે. સરકારે ગામડાઓને જીવંત રાખવાની સાથે શહેરોમાં પણ એવા નિયંત્રણો લાદવાની જરૂરીયાત છે કે જેનાથી પ્રદૂષણ અટકે. કાર્બનનું ઉત્સર્જન અટકે. ઔદ્યોગિકરણ કરવું જોઈએ પરંતુ તેનાથી ક્લાઈમેટ ચેન્જ થાય તેવી પરિસ્થિતિને સરકારે નકારવી જોઈએ. આધુનિકરણ એવું થવું જોઈએ કે જેનાથી ક્લાઈમેટ ચેન્જની અસરોને નાથી શકાય. જો ભારત સરકાર આવું નહીં કરી શકે તો આગામી દિવસોમાં દરિયા કિનારાના શહેરો ગાયબ થઈ જશે અને સાથે સાથે અન્ય શહેરોના નાગરિકો ગરમીમાં શેકાઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top