‘ભણેલા ભીંત ભૂલે’ની કહેવત આધુનિક સમયમાં સાચી પડતી જાય છે. ડિજિટલ ટેકનોલોજીનું ઉધાર પાસું એ છે કે જો તેના વપરાશમાં એલર્ટ ન રહો તો સાયબર ક્રાઇમનો ભોગ બનાય છે.સરકાર દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ વધે અને લોકો એનો ભોગ ન બને તે માટે રેડિયો, વર્તમાન પત્ર, સોશ્યલ મીડિયા દ્વારા અવારનવાર જાહેરાતો થાય છે. ngo દ્વારા સેમિનાર થાય છે. બેંક દ્વારા પણ એસએમએસ દ્વારા ચેતવણી અપાય છે કે બેંકમાંથી ક્યારેય પણ ફોન કોલ્સ દ્વારા ઓટીપી માંગવામાં કે ઓનલાઇન લિંક આપવામાં આવતી નથી. છતાં પણ સવારે પેપર ખોલતાં જ વધુને વધુ શિક્ષિત વર્ગ ક્યુઆર કોડ સ્કેન કરવાથી, પાસવર્ડ આપી દેવાથી અથવા (પૂર્તતા કર્યા વગર) કોઈ લેભાગુ સંસ્થામાં પૈસા જમા કરાવવાથી સાઈબર ક્રાઈમનો ભોગ બન્યાનાં સમાચાર વાંચવા મળે છે.અને તે રકમ કંઈ નાનીસૂની હોતી નથી. આવાં સમાચાર વાંચ્યા પછી પણ આવા બનાવો અટકતા નથી.
સુરત -વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સંપર્ક અને સંબંધમાં શું ફેર ?
પાણીમાં પડેલા તેલના દીવાને સંપર્ક કહેવાય અને પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય. સંપર્ક એટલે મળે પણ એમાં ભળે નહીં અને સંબંધ એટલે મળે અને તેમાં ભળી જાય. જીવન વ્યવહારમાં ઘણીવાર કેટલા બધા માણસો આપણને મળતા હોય છે અને આપણે ઘણીવાર એમના સંપર્કમાં આવતા હોઇએ છીએ પણ તેથી એમની સાથે સંબંધ બાંધી દેતા નથી. જયારે સંબંધ એક એવુ સગપણ છે કે બાંધ્યા પછી કયારેય તૂટતો નથી. સંબંધમાં ગમ હોય કે ખુશી હોય તેમજ સારા માઠા પ્રસંગો પણ હળી મળીને સાથે રહીને નિભાવવા પડતા હોય છે.
કેટલીકવાર સંબંધને ટકાવી રાખવા માટે ઘણું બધુ ભૂલી જવુ પડતુ હોય છે અને ઘણુ બધુ જતુ કરવુ પડતુ હોય છે. આપણી સાથે સંપર્કમાં આવનાર માણસો સાથે આવુ વેઠવુ પડતુ નથી હોતુ ધીરે ધીરે બધુ છૂટતુ જાય છે, સંબંધો મતલબના થઇ ગયા છે મિત્રો તો આંગળીના વેઢે ગણાય એટલા થઇ ગયા છે. કારણ વિના હવે કોઇ કોઇના ભાવ પણ પૂછતા નથી. દુનિયા આખી રંગીન હોવા છતાં જિંદગી બે રંગ થઇ ગઇ છે. આવી પરિસ્થિતિમાં વિચાર આવે કે સંબંધો નિભાવવા તો નિભાવવા સી રીતે ?
સુરત -શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.