અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે ખુરશી સંભાળતાની સાથે જ કરેલી જાહેરાતોએ આખા વિશ્વમાં ખળભળાટ સર્જી દીધો છે. ટ્રમ્પે જે દેશ અમેરિકા સામે ટેરિફ લાદે તે દેશની સામે ટેરિફ લાદી દીધો હોવાથી આખા વિશ્વમાં આગામી દિવસોમાં આર્થિક યુદ્ધ શરૂ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. અમેરિકાએ કેનેડા, મેક્સિકો અને ચીન પણ મંગળવારથી ડ્યુટી ટેરિફ લાદી દેતા વળતામાં ચીને પણ અમેરિકાથી આવતા ચિકન, ડુક્કરનું માંસ, સોયા અને બીફ સહિતના અનેક ઉત્પાદનો પર વધારાની 15 ટકા ડ્યુટી લાદી દીધી છે. ઉપરાંત અમેરિકાથી આવતા સોયાબીન, સી ફુડ, ફળો, શાકભાજી તેમજ ડેરી ઉત્પાદનો પર વધારાની 10 ટકા ડ્યુટી લાદી દીધી છે. ચીને અમેરિકાની 10 કંપનીઓને નોન ટ્રસ્ટ લિસ્ટમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા આયાત ડ્યુટી લગાડી છે.
જ્યારે ચીની ઉત્પાદનો પર તે 20 ટકા છે. યુએસ ટેરિફના જવાબમાં કેનેડા દ્વારા પણ 30 અબજ કેનેડિયન ડોલરના અમેરિકન માલ પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે મેક્સિકોની પણ અમેરિકા પર ડ્યુટી ટેરિફ લાદવાની તૈયારી છે. આ તમામ ચાર દેશો એવા છે કે જે વૈશ્વિક વેપારમાં 48.1 ટકાનો હિસ્સો ધરાવે છે. આ ચાર દેશ પૈકી એકલા અમેરિકાનો જ હિસ્સો 26 ટકા છે. જ્યારે ચીનનો હિસ્સો 19 ટકા છે. જ્યારે મેક્સિકોનો હિસ્સો 1.9 અને કેનેડાનો હિસ્સો 1.2 ટકાનો છે. તેમાં પણ દુનિયામાં અમેરિકા અને ચીન વચ્ચે થતો વેપાર એ કુલ વેપારનો 15 ટકા હિસ્સો છે. 2023માં આ બંને દેશો વચ્ચે 575 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આ વેપાર યુદ્ધને કારણે વિશ્વમાં ફુગાવાનો દર વધવાનો અને તેને કારણે વિકાસદર ધીમો પડવાના સંકેતો પહેલેથી જ દેખાવા માંડ્યા છે.
ચીને તો વિશ્વ વેપાર સંગઠનમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ડ્યુટી ટેરિફ સામે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી છે. અમેરિકાના એકપક્ષીય ટેરિફથી બહુપક્ષીય વેપારને મોટી અસર થવાની સંભાવના છે. આ ટેરિફ વોરને કારણે વિશ્વમાં ફુગાવો વધવાની સંભાવના છે. પરંતુ આ ખેલમાં ભારતે સાવચેતી રાખવાની જરૂરીયાત છે. કારણ કે અમેરિકા દ્વારા ભારત પર હજુ સુધી ટેરિફ લાદવામાં આવ્યું નથી અને જો ભારત અમેરિકાને સાચવી લે તો મોટા ફાયદામાં રહે તેમ છે. અમેરિકા દ્વારા અન્ય દેશો પર વધુ ટેરિફ લાદવાને કારણે તે દેશના ઉત્પાદનો મોંઘા થશે. જ્યારે ભારતના ઉત્પાદનો સસ્તા રહેશે. જેનો સીધો ફાયદો ભારતને થાય તેમ છે. ભારતના ઉત્પાદનોની અમેરિકા સહિતના દેશોમાં નિકાસ વધશે. ટેરિફ યુદ્ધથી અમેરિકાના બજારોમાં ભારતીય ઉત્પાદનની માંગ વધશે. ભારતના કૃષિ, ઈજનેરી, મશિન ટુલ્સ, કપડા, રસાયણો અને ચામડા જેવા ક્ષેત્રોમાં નિકાસ વધારી શકાશે.
ભારત પણ આ કારણે ઉત્પાદનનોની કિંમતના મોરચે ચીન, મેક્સિકો અને કેનેડા સાથે સ્પર્ધા કરી શકશે. ભારત આ માટે આ એક સુવર્ણતક છે. જો ભારત આ આર્થિક યુદ્ધમાં સંતુલન જાળવી શકે તો અન્ય દેશોની જગ્યાએ અમેરિકામાં ભારતનો માલ અને અન્ય દેશોમાં અમેરિકાની જગ્યાએ ભારતનો માલ ઘુસાડી શકે છે. ચીન અને અમેરિકા વચ્ચે 15 ટકાનો વેપાર છે. જો આ 15 ટકાના વેપારમાં મોટો હિસ્સો ભારત લઈ શકે તો ભારતને આર્થિક મોરચે મોટી સફળતા મળી શકે તેમ છે. ભારતે પોતાના કેન્દ્રીય મંત્રીને અમેરિકા મોકલ્યા જ છે ત્યારે આ સંજોગોમાં અમેરિકાનો સાથ ભારતને મોટો ફાયદો કરાવે તેમ છે તે નક્કી છે.