દેશની આર્થિક સ્થિતિ કોઈપણ દેશના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દેશની આર્થિક વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભો છે. માહિતી પ્રૌદ્યોગિકી (IT), સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલી વૃદ્ધિએ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન અપાવ્યું છે. ખાસ કરીને રિઝર્વ બેન્કની નાણાકીય નીતિઓ અને સરકારના આર્થિક સુધારાઓથી મોંઘવારી પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ થયો છે. પરંતુ બીજી બાજુ, દેશ સામે અનેક પડકારો પણ છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને આવકની અસમાનતા હજુ પણ ચિંતાજનક મુદ્દાઓ છે. ગ્રામિણ વિસ્તારોમાં વિકાસની ગતિ શહેરોની સરખામણીએ ધીમી છે.
નાના અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય સહાય અને બજારની અછતનો સામનો કરવો પડે છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, તેલના ભાવમાં વધારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ પણ દેશની આર્થિક સ્થિતિ પર અસર કરે છે.સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમ કે મૅક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જેના દ્વારા રોજગાર સર્જન અને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પ્રયાસ થયો છે. ડિજિટલ પેમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને વિદેશી રોકાણમાં વૃદ્ધિ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. ટૂંકમાં કહી શકાય કે દેશની આર્થિક સ્થિતિ વિકાસશીલ અને સંભાવનાઓથી ભરપૂર છે, પરંતુ સાથે સાથે પડકારજનક પણ છે. યોગ્ય નીતિઓ, પારદર્શિતા અને સમાન વિકાસ દ્વારા દેશ વધુ મજબૂત આર્થિક શક્તિ બની શકે છે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.