Charchapatra

દેશની આર્થિક સ્થિતિ અથવા ભારતીય અર્થતંત્ર

યુનાઈટેડ નેશન (યુ.એન.) ના એક અહેવાલ પ્રમાણે આપણો દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેલ છે. યુએનના આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘‘ભારત જ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તે વર્ષ 2023માં 5.8 ટકા અને વર્ષ 2024માં 6.7 ટકાના દરે આર્થિક વૃધ્ધિ નોંધાવશે. ભારતીય અર્થતંત્રને મજબૂત સ્થાનીય માંગથી ટેકો મળશે. અહેવાલમાં જણાવેલ છે કે ભારત એક મજબૂત સ્થળ છે.

આપણા દેશના આર્થિક વિકાસ સંદર્ભે આશાવાદ વ્યક્ત કરતા વર્લ્ડ ઈકોનોમીક ફોરમના (WEF) પ્રમુખ શ્રી બોર્ડો બ્રેન્ડનાએ તાજેતરમાં જણાવેલ છે કે ‘‘ભારત આ વર્ષે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ ઝડપી વૃધ્ધિનું સાક્ષી બનશે અને દેશની અર્થવ્યવસ્થા હાલ પ્રખ્યાત ‘સનોબોલ ઈફેકટ’ માંથી પસાર થઈ રહી છે. આ પ્રક્રિયાને કારણે દેશમાં વધુ રોકાણ અને વધુ નોકરીઓ તરફ દોરી જશે. સ્નોબોલ જ્યારે ફરવા લાગે છે અને ફરી ફૂલવા લાગે છે ત્યારે વધુ ને વધુ મોટો થતો જાય છે.  વિશ્વવિખ્યાત અમેરિકન બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેન્લીના રીપોર્ટમાં જણાવેલ છે કે ‘‘છેલ્લા એક દાયકામાં ભારતમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે અને ભારત એશિયા અને વૈશ્વિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સજ્જ બનેલ છે.’’

વર્ષ 2014 થી જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દસ મોટા ફેરફારોની યાદી આપના બ્રોકરેજ કંપનીએ જણાવેલ હતું કે ભારતમાં કોર્પોરેટ ટેક્ષ રેટ અન્ય દેશોની સમકક્ષ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ફાસ્ટ્રકચરમાં રોકાણ વધી રહેલ છે.’’  એક તરફ આપણા દેશમાં મોંઘવારી ઘટવા તરફ જઈ રહી છે તો બીજી તરફ સમૃધ્ધ ગણાતા યુરોપિયન દેશોમાં મોંઘવારી આસમાને છે. બ્રિટન, જર્મની, ઈટાલી અને ફ્રાન્સ જેવા દેશોમાં ગત વર્ષની સરખામણીએ  ખાદ્યપદાર્થો એટલે કે રોજિંદા ખોરાકમાં વપરાતી વસ્તુઓમાં 50 ટકાનો વધારો થયેલ છે. પૂરા વિશ્વે જેની નોંધ લીધેલ છે તે દેશની આવી નોંધપાત્ર આર્થિક પ્રગતિ સામે દેશમાં સ્વાર્થી મતબેંકોને કારણે જે મોટા વિરોધ થઈ રહ્યા છે, એક ઘટનાને લઈને આખા દેશનું વાતાવરણ બગાડાય છે અને દેશના અને વિશ્વનાં નાગરિકોને વૈચારિક ચગડોળે ચડાવાય છે તે શું હવે બંધ કરવાની દેશ અને સમાજહિતમાં જરૂરી નથી?
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top