ગોધરા: શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરાતા ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩૧૨૭ બોરીઓ અને ચોખાની ૧૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત અન્ય ઈસમો સામે ગુન્હો દાખલ થતાં જ અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં.
જે તે સમયના પુરવઠા ના ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ ધરપકડથી બચવા માટે પાછલા સાત મહિનાથી પોલીસથી ભાગતો ફરતો હતો. પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી ચેતન ખંટાણા ને મેઘરજ વિસ્તારમા આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર છુપાયો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.આથી પોલીસની ટીમ મળેલી માહિતીના આધારે અરવલ્લી જિલ્લા ખાતે પહોંચી જઈને ઇન્ચાર્જ ગોડાઉન મેનજરને પકડી પાડયો હતો. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આરોપી પુરવઠા વિભાગના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સાથે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો.