SURAT

ડીટીસીએ આવા રફ હીરાના ભાવમાં 10 ટકાનો વધારો કરી સુરતના હીરાવાળાનું ટેન્શન વધાર્યું

સુરત: અમેરિકાની બેન્કોએ નોંધાવેલી નાદારીના લીધે વિશ્વમાં ઉભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે યુરોપીયન બજારોમાં હીરા અને ઝવેરાતના માર્કેટમાં મંદીનું વાતાવરણ છે ત્યારે વિશ્વની સૌથી મોટી રફ હીરાની માઈનીંગ કંપનીએ પડતાં પર પાટું માર્યું છે. પોલિશ્ડ ડાયમંડના ભાવો મળી રહ્યાં નથી અને બીજી તરફ ડીટીસીએ આજે રફ હીરાના ભાવમાં 5થી 10 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકીને સુરતના હીરા ઉત્પાદકોનું ટેન્શન વધારી દીધું છે.

રશિયા-યુક્રેન યુદ્ધની આડમાં રફ ડાયમંડની અછતનો મુદ્દો ઊભો કરી જાન્યુઆરી 2023 થી રફ ડાયમંડની કિંમતો વધી છે. બીજી તરફ પોલિશડનાં ભાવો ઊંચકાયા નથી. વૈશ્વિક મંદીને લીધે અમેરિકા સહિત યુરોપમાં નેચરલ ડાયમંડ અને જવેલરીનાં વેપારને અસર થઈ છે ત્યારે ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન (ડીટીસી)એ માર્ચ મહિનાની સાઈટમાં પણ ભાવો વધાર્યા છે. ડીટીસીએ એલસી અને બ્રાઉનના રફનાં ભાવમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો છે. જ્યારે જાડા હીરાની માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વ્હાઇટ અને સોલિટેર રફનાં ભાવો ઘટયાં છે.

  • એલસી અને બ્રાઉનના રફનાં ભાવમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો
  • જાડા હીરાની માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વ્હાઇટ અને સોલિટેર રફનાં ભાવો ઘટયાં છે

સોમવારે તા. 27 માર્ચથી 5 દિવસ માટે ડીટીસીની સાઇટ ખુલી છે. જેમાં જુદા જુદા આર્ટિકલમાં 5થી 10 ટકા ભાવો વધીને આવતાં નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. ડીટીસીનાં ભાવ વધારાને લીધે સુરત મુંબઈની સેકન્ડરી માર્કેટમાં પણ રફનાં ભાવ વધશે. ચાલુ માસે હોંગકોંગમાં ઈન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી શોને સારો પ્રતિસાદ મળતાં ડીટીસીએ ભાવ વધાર્યા છે ઉદ્યોગની નજર હવે જીજેઇપીસી આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જવેલરી શો પર મંડાઈ છે.

રફ હીરા માટે સોમવારથી શરુ થયેલી સાઈટમાં કેટલાક આર્ટિકલમાં 2 ટકા ભાવો પણ વધ્યાં છે. રફ ડાયમંડ સપ્લાયર્સ કંપનીએ જ્યાં નબળી ડિમાન્ડ છે એ જાડા હીરાની કિંમતોમાં ઘટાડી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન વિજય માંગુકિયાએ કહ્યું હતું કે,ઓવર ઓલ રફ હીરાની કિમત ઘટી છે. ખાસ કરીને જાડા હીરાની કિમત ઘટી અને બ્રાઉન હીરાની કિમત વધી છે.

Most Popular

To Top