જાંબુઘોડા: જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા ખાખરીયા ગામના સીમાડે આગળ ચાલતા ટ્રેકટર ચાલકને પાછળથી પૂરપાટ હંકારી આવતા ઈકો ગાડીના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા ટ્રેક્ટરની પાછળ બેઠેલા આઠ જેટલા લોકોને ઇજા થવા પામી હતી. અકસ્માત થતા આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જાંબુઘોડા ખાતે ખસેડયા હતા. બોડેલી તાલુકાના માકણી ગામ પાસે આવેલા બુટીયા વસાહતમાં રહેતા તડવી સમાજના લોકો પોતાના પરિવાર સાથે ફાગવેલા, મીનાવાડા, મંદિરે દર્શન માટે ગયા હતા ત્યાંથી દર્શન કરી ભરત પોતાના વતન માંકણી બુટીયા વસાહત ખાતે પરત ફરી રહ્યા હતા.
તે સમયે કેટલાક લોકો ટ્રેક્ટરના ટોલામાં પાછળના ભાગે બેઠેલા હતા. જેઓને જાંબુઘોડાના ખાખરીયા ગામ પાસે પાછળથી ગફલત ભરી રીતે ઇકો કારના ચાલક દિપક ગુલાબ બારીયા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતા ટ્રેક્ટરને પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં ટ્રેક્ટરમાં પાછળ બેઠેલા છ જેટલા લોકોને પગે તેમજ શરીરે ઇજાઓ થતાં જાંબુઘોડા 108 અને બોડેલી 108 તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી ડોક્ટર અને વિનાબેન રાવલ તેમજ મનુભાઇ સહિત સ્ટાફના માણસો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાં વિજયભાઈ બચુભાઈ તડવી અને ફોગટભાઈ નાનાભાઈ તડવી આ બંને પગે ફ્રેકચર થતા તેઓને તાત્કાલિક 108 મારફતે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ભીડા ગામ ના ઈકો ચાલકને પણ ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર આપી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.