Dakshin Gujarat

પોતાની જ બસની નીચે કચડાઈને ડ્રાઈવરનું મોત થયું, ચીખલીમાં વિચિત્ર અકસ્માત

ઘેજ, બીલીમોરા : ચીખલીમાં એક વિચિત્ર અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવરનું મોત થયું છે. બન્યું એવું કે સવારે ગાઢ ધુમ્મસના લીધે ડ્રાઈવરને બસની આગળ રસ્તા પર કશું દેખાઈ રહ્યું નહોતું એટલે તે કાચ સાફ કરવા માટે બસની આગળ કાચ પાસે ચઢ્યો હતો. આ ઘટના ચીખલી (Chikhli) તાલુકાના સતાડીયા ગામ પાસે બની છે. વહેલી સવારે ગાઢ ધૂમમ્સને (Fog) કારણે બસની (Bus) આગળનો કાચ સાફ (Glass cleaning) કરવા ગયેલો ડ્રાઇવર (Driver) બસ ઢાળમાંથી સરકી જતા નીચે પટકાયો હતો. જેને પગલે બસના આગળના વ્હીલમાં આવી જતા ડ્રાઇવરનું મોત (Death) નિપજ્યું હતું.

  • સતાડીયા ગામમાં બસનો કાચ સાફ કરતી વેળા બસ સરકી જતા પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી ગઇ

પ્રાપ્ત માહિતી અનુસાર એસટી (ST) બસના કંડકટર બીપીન પટેલ (રહે.સિયાદા પ્રધાનપાડા તા.ચીખલી)એ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર તેઓ સોમવારે સાંજે ડ્રાઇવર શશીકાંત પટેલ સાથે એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૩૭૨૯ લઈ બીલીમોરાથી (Bilimora) સતાડીયા જવા નીકળ્યા હતા અને રાત્રે બસને પાર્ક કરી સુઈ ગયા હતા. મંગળવારની વહેલી સવારે ૪:૪૦ વાગ્યે ડ્રાઇવર શશીકાંત કિકાભાઈ પટેલ (રહે.નાંદરખા વાંઝરી ફળીયા તા.ગણદેવી) બસ લઈ બીલીમોરા જવા માટે નીકળવાના હતા અને બસ ચાલુ કરી હતી. દરમ્યાન વહેલી સવારના સમયે ગાઢ ધૂમમ્સને કારણે બસને ન્યુટ્રલ કરીને કાચ સાફ કરવા માટે ડ્રાઇવર શશીકાંત પટેલ ગયા હતા. તે વખતે બસ ઢાળ ઉપરથી ઉતરી આગળ ચાલવા જતા કાચ સાફ કરવા ચઢેલા ડ્રાઇવર નીચે પટકાતા તેમના બંને પગ અને માથા પરથી બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ બીલીમોરા ડેપોને કરાતા વિભાગીય નિયામક ચૌધરી, ડેપો મેનેજર એમ.કે.રાઠોડ, ડીએમઈ ગીરીશભાઈ, એટીઆઈ હુસેનભાઇ અને રાકેશ નાયક ઘટનાસ્થળે ધસી ગયા હતા. અને મરનાર બસ ડ્રાઈવરના મૃત્યુદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મોકલી આપવામાં આવ્યો હતો. મરનાર શશીકાંતભાઈ પટેલ બસ ડ્રાઈવર તરીકે છેલ્લા 26 દિવસથી જ નોકરીએ જોડાયા હતા અને તેમનું પહેલું પોસ્ટિંગ બીલીમોરા ડેપો ખાતે હતું. પણ કમનસીબે શશીકાંતભાઈનું તેમની જ બસ નીચે કચડાઈને કરૂણ મોત નિપજતા ડેપો સહિત તેના પરિવાર અને નાંદરખા ગામે શોક વ્યાપી ગયો હતો. બનાવની વધુ તપાસ હે.કો.નેહલભાઈ મંગુભાઇ કરી રહ્યા છે.

Most Popular

To Top