સુરતઃ મા દુર્ગાના ભક્તિના નવરાત્રિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. એક તરફ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સુરતમાં શરમજનક ઘટના બની છે. અહીં એક 17 વર્ષની વિદ્યાર્થીની સ્કૂલમાં ગરબા રમવા જઈ રહી હતી ત્યારે સ્કૂલ વાનના ડ્રાઈવર અંકલે જ તેના અડપલાં કર્યા હતા. વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસે આરોપી વાન ચાલકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણમાં રહેતી સગીર વયની વિદ્યાર્થી ઓલપાડ રોડની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગઈ તા. 3 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીનીની સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હતો. તેથી વિદ્યાર્થીની ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં સ્કૂલ જવા નીકળી હતી. રોજ જે અંકલ તેને સ્કૂલ લઈ જતા હતા તે ડ્રાઈવર અંકલે વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યા હતા અને તેના ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીએ સ્કૂલમાં જઈ શિક્ષકને ફરિયાદ કરતા ડ્રાઈવરનો ભાંડો ફૂટ્યો હતો.
જોકે, સ્કૂલના સંચાલકે આવા વાનચાલક સામે કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી વિદ્યાર્થિનીને બીજી સ્કૂલ વાનમાં શિફ્ટ કરી દીધી હતી. પરંતુ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ છેડતીનો ગુનો દાખલ કરી આરોપી સ્કૂલવાનના ચાલકને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે ડ્રાઈવરનો મોબાઇલ અને વાન પણ કબજે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સ્કૂલવાનનો ચાલક બે સંતાનો પિતા છે. આરોપી છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થિનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.