Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટેનો DPR હાલ અંતિમ તબક્કામાં

વડોદરા: શહેરના હૃદય સમાન વિશ્વામિત્રી નદી હાલ કેટલીક જગ્યા એ ગટરની માફક વહી રહી છે. વિશ્વામિત્રીના શુદ્ધિકરણ અને તેના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્ષો અગાઉ રાજકારણીઓ સક્રિય થયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણનો જ ભોગ આ પ્રોજેક્ટ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં પ્રોજેક્ટ અંગેનો ડીપીઆર એટલે કે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે. બેંગ્લોરની એક એજન્સી ડીપીઆર પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ એ ડ્રિમ પ્રોજેક્ટ સમાન બની ગયો છે. પાવાગઢના પહાડોમાંથી નીકળતી વિશ્વામિત્રી શહેરની મધ્યમાંથી પસાર થાય છે. અને આ નદીમાં કેટલાય મગરો પોતાનું ઘર બનાવીને બેઠા છે. વિશ્વામિત્રી નદી એ ખુબ મહત્વ ધરાવે છે કારણ કે તેમાં નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે. ચોમાસા દરમિયાન તંત્રના પાપે અનેકવાર શહેરે પુરનો સામનો કરવો પડ્યો છે.

જો વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ થાય અને તે હંમેશા વહેતે રહે તેમાં કોઈ અવરોધ ન આવે તો મહદ અંશે પૂરની પરિસ્થિતિમાંથી બચી શકાય. પાલિકાના સ્થાયી સમિતિના ચેટમેન ડો.હિતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર વિશ્વામિત્રી પ્રોજેક્ટના ડીપીઆર બનાવવા માટે બેંગ્લોરની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. બેંગ્લોરની સીકોન નામની કંપની આના પર કામ કરી રહી છે. અને હાલ આ ડીપીઆર બનવાનું કામ અંતિમ તબક્કામાં છે.

આ ડીપીઆર આવ્યા બાદ તેને રાજ્ય સરકારમાં પણ સોંપવામાં આવશે અને ત્યાર બાદ પ્રોજેક્ટ માટે પુનઃ નાણાંની ફાળવણી કરવામાં આવશે તેવી આશા છે. જો કે આ પ્રોજેક્ટ માટે ગુજરાત મિત્ર દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે કે આ પ્રોજેક્ટ ગમે તે રીતે બુલેટ ટ્રેન ગતિએ આગળ વધે. જેમાં શહેરીજનોને પણ જોડાવા માટે અમો અપીલ કરી રહ્યા છે.

વિશ્વામિત્રીના કિનારે હોલિસ્ટિક પ્લાન માટે રજૂઆત થઇ હતી
શહેરની એક સ્વૈચ્છિક સંસ્થા કે જે વિશ્વામિત્રી માટે કામ કરી રહી છે તેવી વહો વિશ્વામિત્રીના ડો. મનુભાઈ મહેતા કે જેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે તેઓએ આ અંગે રાજ્ય સરકાર સમક્ષ થોડા વર્ષો અગાઉ જ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જે મુજબ 134 કિમિ ની વિશ્વામિત્રી નદી તેમજ તેના કિનારે હોલિસ્ટિક પ્લાન તૈયાર કરવા રજૂઆત થઇ હતી. તેઓએ જણાવ્યું હતું કે ગંગાના શુદ્ધીકરણના પ્રોજ્કટમાં પણ તેઓને સામેલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. ત્યારે રાજ્ય સરકારે તેઓનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ સંસ્થા દ્વારા વિશ્વામિત્રી માટે કેટલાક મુદ્દાઓ પણ આપ્યા હતા જે મુજબ નદી સતત વહેતી રહે તે માટે પાણીની વ્યવસ્થા કરવી, પ્રવાહી અને ઘન કચરો કે જે નદીમાં વહે છે તે ન ભળે તેના માટે વ્યવસ્થા કરવી, બાયોશીલ્ડ થકી 2 કરોડ જેટલા વૃક્ષો આચ્છાદિત કરવા આ તમામ રજૂઆત કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે દુઃખ થાય છે કે આટલા વર્ષો વીતી ગયા છતાં વિશ્વામિત્રી માટે કઈ થઇ શક્યું નથી.

Most Popular

To Top