સુરત: સુરત રેલવે સ્ટેશન ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતથી રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ સ્ટેશનેથી યુવકની અટક કર્યા બાદ ઘટના કંઈ અલગ જ હોવાની વાત સામે આવી હતી. ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહીં આપતાં આ યુવકની પોલીસે અટક કરી હતી.
- સુરત સ્ટેશન પરથી મુસાફરો જનરલ કોચમાં ચડી ન શકે તે માટે દરવાજો અંદરથી બંધ કરી દેવાયો
- મુસાફરોએ દરવાજો ખોલવા હોબાળો મચાવ્યો તો ડબ્બામાંથી યુવાને ગુપ્તાંગ બતાવ્યું
- ગુપ્તાંગ બતાવનાર મુંબઇના પરવેઝ કુરેશીની વલસાડમાં અટકાયત
મળેલી માહિતી મુજબ, ગુરુવારે સવારે 8:47 વાગ્યે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર આવી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. તેમજ કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડ આવ્યું હતું અને પોલીસ તાત્કાલિક પ્લેટફોર્મ-4 પર દોડી આવી હતી. પરંતુ ટ્રેન આગળ ચાલી ગઈ હતી. જેથી સુરત રેલવે પોલીસે વલસાડ પોલીસને અજાણ્યા યુવક અંગે જાણ કરી હતી.
વલસાડ પોલીસે રેલવે સ્ટેશનેથી આ યુવકને અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા તેણે અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ નહીં મળતાં મામલો બિચક્યો હતો. તેમજ યુવકે અન્ય મુસાફરોને પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (ઉં.વ 28, રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.