હિન્દી ચલચિત્રોમાં ખલનાયકનો પ્રભાવ જાનદાર હતો તેમ ખલનાયિકાઓ પણ ચલચિત્રમાં દર્શકોનો ક્રોધ પામતી જ હશે! લલિતા પવાર, શશિકલા, નાદિરા, બિંદુ, અનુ અગ્રવાલ, રીટા ભાદુરી ઉપરાંત ઘણી અભિનેત્રીઓએ નકારાત્મક ભૂમિકા ભજવી દર્શકોના દિલમાં નફરત પ્રાપ્ત કરી હશે! લલિતા પવારજી દુ:ખ આપતી સાસુઓમાં અગ્રગણ્ય ગણાતાં! નાદિરાજી એમના વ્યંગાત્મક ચહેરાના હાવભાવથી દર્શકોમાં નફરત દ્વારા છવાતાં હતાં! બિંદુ પર અન્યાય કરી પુત્રવધૂને ત્રાસ આપવામાં અવ્વલ ક્રમ પ્રાપ્ત કરતાં હતાં! પરિવારમાં અશાંતિનો માહોલ ઊભો કરવામાં તમામ ખલનાયિકાઓ માહિર હતી.
પણ એ પણ એક અભિનયકળા જ છે ને? મનોરમા, શુભા ખોટે, પારો પણ એક જમાનામાં નકારાત્મક ભૂમિકા ભજવતાં હતાં. આ તમામ ખલનાયિકાઓ પાત્રમાં ઓતપ્રોત થઇ સમજુ દર્શકોની દાદ મેળવી જતી. એમનો પડદા પર પ્રવેશ થાય એટલે દર્શકોમાં નફરતનો ગણગણાટ શરૂ થઇ જતો! આ જ એમની સફળતાનો માપદંડ હશે. ઝીણી આંખ અને વક્ર હોઠ દ્વારા અભિનયમાં મેદાન મારી જતી ખલનાયિકાઓ પણ ચલચિત્રમાં આગવું સ્થાન ધરાવતી હતી એમાં બેમત નથી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રાર્થના કરવી અનિવાર્ય
પ્રાર્થના રોજ જ કરવી હિતાવહ છે કેમ કે પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ ખૂબ જ મળે છે જેમ કે આહાર એ શરીરનો ખોરાક છે તેમ પ્રાર્થના મનનો ખોરાક છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી ફોગટ જતી નથી. ઘણી વાર આપણે બાળપણમાં ગાયેલી પ્રાર્થના જો ટી.વી. પર કે રેડિયો પર સાંભળીએ તો તે શાળામાં વિતાવેલ દિવસોની યાદ અપાવે છે. અમે ગોપીપુરામાં રહેતા હતા ત્યારે સવારે જો રત્નસાગર વિદ્યાલય સ્કૂલ પાસેથી પસાર થવાનું થાય ત્યારે શાળામાં ગવાતી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એ પ્રાર્થનાની ગુંજ સંભળાતી અને વાતાવરણમાં પણ પવિત્રતા છવાઇ જતી હોય એમ લાગતું.
વિદ્યાર્થીઓ સમૂહમાં પ્રાર્થના ગાતાં હોય અને એ સૂર તો કોઇ પણ મંદિરના ઘેરાવથી જરા પણ ઓછા ન પડે એમ કહીએ તો ખોટું નથી. શાળાના પટાંગણમાં ઊભા રહીને વિદ્યાર્થીઓ જો સમૂહમાં પ્રાર્થના ગાય તો એમનામાં એકતા અને સંપની અનુભૂતિ કેળવાય છે. હવે તો ઘણી શાળાઓમાં મેદાન પણ હોતાં નથી. પ્રાર્થના તો ગવાય છે પણ વર્ગખંડોમાં આમ પ્રાર્થના કરવી ખૂબ જ જરૂરી છે. એમ આપણે સૌ માનીએ છીએ.
સુરત – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.