મહારાષ્ટ્રના બારામતી જિલ્લાની 68 વર્ષીય એક મહિલાને પોતાના બીમાર પતિની સારવાર માટે ફકત પાંચ હજાર રૂપિયાની જરૂર હતી. જીવલેણ બીમારીમાં સપડાયેલ પતિને બચાવવા તેણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેને સફળતા નહીં મળી. છેવટે એમઆરઆઇ માટે તેણે યોજાનાર એક દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
જેમાં વિજેતાને પાંચ હજાર મળવાની જાહેરાત હતી. 68 વર્ષીય પત્નીના આ સાહસ માટે લોકો તેની સફળતા અંગે શંકા કુશંકાઓ સેવી રહયા હતા. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે તેણે દોડમાં ભાગ લીધો. સાહિસક પત્ની લતા કરીની દોડતા દોડતા ચંપલ પણ તૂટી ગઇ પરંતુ તેણે દોડ ચાલુ જ રાખી. છેવટે રેસમાં સફળતા મેળવી. આ ઘટનાથી પ્રભાવિત થઇને એક નિર્માતાએ ફિલ્મનું પણ નિર્માણ કર્યું.
દોડમાં ભાગ લેનાર લતાએ જણાવ્યું કે મને ફિલ્મના પડદે ચમકવામાં કોઇ રસ નહતો. મને માત્ર પૈસાની જરૂર હતી. એટલે મેં એ ફિલ્મમાં અભિનય કર્યો. જેથી હું મારા પતિને બચાવી શકું. ફિલ્મના દિગ્દર્શક નવીનકુમારે જણાવ્યું હતું કે મેં એક સ્થાનિક વર્તમાનપત્રમાં આ ઘટના વાંચી હતી. મને ખૂબ આશ્ચર્ય થયું કે એક પત્ની પોતાના પતિનો જીવ બચાવવા કેટલી હદે પ્રયત્નો કરી શકે છે. અમે તો માત્ર એક ડોકયુમેંટરી ફિલ્મ પ્રેરણા માટે બનાવવા માગતા હતા.
પરંતુ એ મહિલાનો ઉત્સાહ જોઈ ફીચર ફિલ્મનું નિર્માણ થઇ ગયું. એ મહિલાના પતિએ જણાવ્યું હતું કે મારી ધારણા ન હતી કે એક પત્ની પોતાના પતિ માટે આટલા બધા પ્રયત્નો કરી શકે છે. જયારે મને એની જાણ થઇ ત્યારે મને ખૂબ દુ:ખ પણ થયું તે છતાં આવી પત્ની મેળવવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને તેના ઉપર ગૌરવ અનુભવું છું.
સુરત – લતીફ સુરતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.