Vadodara

રાજસ્થાની ગેંગના બે સાગરીતોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા

વડોદરા: મુંબઇથી ફલીપકાર્ટ કંપનીનો ૧.૭૧ કરોડનો સરસામાન ભરીને હરીયાણા જવા નિકળેલા ટ્રકના ચાલક તથા કલીનરે બારોબાર સગેવગે કરીને કરજણ નજીક ટ્રક બિનવારસી છોડી દીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચ અને કરજણ પોલીસે સઘન તપાસ હાથ ધરતા ચોરીનો માલ ખરીદનાર ગેંગના બે ઇસમોને ઝડપીને ૧.પર કરોડનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. કરજણ પોલીસ મથકે તા.૬-૮-ર૧ ના રોજ છેતરપિંડીનો ગુનો નોંધાવનાર વિકાસ ધરમવીર જાટ મુંબઇના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમજ ટ્રાન્સપોર્ટ દ્વારા ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રા.લિ. કંપનીનો ૧.૭૧કરોડનો માલ સામાન ભરીને હરીયાણા રવાના કરાયો હતો. ટ્રકમાં ડ્રાયવર રમેશ પટેલ (ઉત્તર પ્રદેશ) અને સલમાન નામનો કલીનર નિકળ્યા હતા.

કરજણ હાઇવે પર ગુડલક હોટલના માલીકે તા.ર ના રોજ ટ્રાન્સપોર્ટ માલીકને જણાવેલ કે તમારી ટ્રક બિનવારસી હાલતમાં ત્રણ દિવસથી પડી છે. માલીક રાતોરાત કાર દ્વારા કરજણ આવી તપાસ કરતા હોટલ પરના સીસીટીવીના ફૂટેજ ડ્રાયવર કલીનરે ૧.૭૧ કરોડની કિંમતનો માલ સામાન સગેવગે કરીને ટ્રક બિનવારસી છોડીને ફરાર થઇ ગયા હતા. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચ અને કરજણ પોલીસે રાતોરાત સંયુકત ઓપરેશન હાથ ધરતા એક જ પખવાડિયામાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ટ્રકમાં લગાવેલ જીપીસીબીની અદ્યતન સિસ્ટમ આધારે લોકેશન શોધીને પગેરુ શોધી કાઢયુ હતુ. સુરત ગેલેક્સી સર્કલ પાસે રહેતા શીવલાલ હસમુખલાલ શાહ (જૈન) દ્વારા તેના સાગરીત પંકજ છગનલાલ ખટીકને તમામ માલ સામનનો સોદો કરાવ્યો હતો. કરોડોનો સામાન અમદાવાદ સરસપુર ખાતેના ગોડાઉનમાં છુપાવ્યો હતો. જે પોલીસે કબજે કર્યો હતો. અને સુત્રધાર શિવલાલ શાહના પુત્ર કુશલ અને પંકજ ખટીકની ધરપકડ કરી હતી.

Most Popular

To Top