સુરતઃ શહેરમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખૂબ જાણીતું છે. આ સ્ટેડિયમ માટે કરોડોની જમીન દાનમાં આપનાર અને દાયકાઓથી શહેરની પ્રજા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઉપલ્બ્ધ કરાવનાર કોન્ટ્રાક્ટર પરિવારમાં શરૂ થયેલી આંતરિક છેતરપિંડી અને કાવાદાવાએ આ પરિવારની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.
વાત એટલી વણસી છે કે વિધવા ભાભીએ પોલીસ સ્ટેશનના દાદરા ચઢવા પડ્યા છે. સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટરની વિધવા પત્નીએ જેઠ કનૈયાલાલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ આપી છે. જેના લીધે શહેરના ભદ્ર વર્ગમાં ચકચાર મચી ગઈ છે.
સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાક્ટર પરિવારમાં વિવાદ છાપે ચઢ્યો છે. હેંમત કોન્ટ્રાકટરનું 17 જૂન 2024ના રોજ અવસાન થયા બાદ તેમના પત્ની નયના કોન્ટ્રાક્ટરે જેઠ કનૈયા કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. નયનાબેનનો આક્ષેપ છે કે, જેઠ કનૈયાલાલે તેમના સ્વર્ગસ્થ પતિ હેમંત કોન્ટ્રાકટર અને મારા નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વર્ષ 2009માં 2.92 કરોડની લોન લીધી હતી.
2013માં ઓફિસના સરનામે બજાજ ફાઇનાન્સની નોટિસ આવી હતી, જેમાં ભાગીદારી પેઢીની RDS હાઉસની મિલકત મોર્ગેજ કરી 2.92 કરોડની લોન લેવાઈ હતી, જેમાં 67 લાખ ભરપાઈ ન કરાતાં બજાજ ફાઇનાન્સ કંપનીએ 3 કરોડની મિલકત ટાંચમાં લેવા નોટિસ મોકલતાં મામલો ખુલ્યો હતો.
હેંમતભાઈના પત્ની નયના કોન્ટ્રાકટરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં પોલીસે કનૈયા લાલભાઈ કોન્ટ્રાકટર સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકો સેલ કરશે. ઈકો સેલે કનૈયાભાઈ બીમારીને કારણે પથારીવશ હોવાની વાત છે.
જે મિલકતનો વિવાદ તે ભાગીદારી પેઢીની માલિકીની છે
હેંમત કોન્ટ્રાકટર, કનૈયા કોન્ટ્રાકટર, હંસા કોન્ટ્રાકટર, જ્યોતિ કોન્ટ્રાકટર, કુસુમ કોન્ટ્રાકટર અને ડાહીબેન કોન્ટ્રાકટર સાથે ભાગીદારીમાં કનૈયા કન્સટ્રકશન નામની કંપની શરૂ કરી હતી અને તેનું રજીસ્ટ્રેશન આરઓસી મુંબઈ ખાતે કરાવ્યું હતું. ભાગીદારી પેઢીમાં 1984માં હંસાબેન, જ્યોતિબેન અને કુસુમબેન સ્વેચ્છીક રીતે છુટા થયા હતા. બાદમાં કનૈયાભાઈ 40 ટકા, હેંમતભાઈ 20 ટકા અને તેની પત્ની નયનાબેન 20 ટકા તેમજ ડાહીબેન કોન્ટ્રાકટર 20 ટકાની ભાગીદારી હતી અને ભાગીદારી પેઢીની મુખ્ય ઓફિસ ઈન્દોર સ્ટેડીયમની પાસે આરડીએસ હાઉસ બનાવી હતી. વર્ષ 2012માં ડાહીબેનનું અવસાન થતા ભાગીદારી પેઢીમાં કનૈયા, તેમનો ભાઈ હેંમત અને હેમંતભાઈની પત્ની વહીવટ કરતા હતા. ભાગીદારોને અંધારામાં રાખી આરડીએસ હાઉસને મોર્ગેજમાં મુકી કનૈયાલાલે 2009માં લોન લીધી હોવાનો આક્ષેપ છે.