આસામ અને મિઝોરમની પોલિસ વચ્ચે હિંસક અથડામણ થઇ તેના ચાર દિવસ પછી પરિસ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે. આસામ અને મિઝોરમ ભારત નામના દેશનાં બે રાજ્યો તરીકે વર્તવાને બદલે બે સ્વતંત્ર દેશોની જેમ જમીન માટે ઝઘડી રહ્યા છે. મિઝોરમની પોલિસના સંભવિત આક્રમણનો મુકાબલો કરવા આસામે મોટું પોલિસદળ સરહદ પર ખડકી દીધું છે. મિઝોરમને બાકીના ભારત સાથે જોડતો એકમાત્ર નેશનલ હાઇવે-૩૦૬ આસામમાંથી પસાર થાય છે. આસામે તે હાઇવે જ બ્લોક કરી દીધો છે, જેને કારણે મિઝોરમને આવશ્યક ચીજોનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. આસામ સરકાર કહે છે કે હાઇવેને સરકાર દ્વારા બ્લોક નથી કરવામાં આવ્યો, પણ વેપારીઓ દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે. જો વેપારીઓએ હાઇવે બ્લોક કરી દીધો હોય તો સરકારની ફરજ તેને ખુલ્લો કરાવવાની છે. તેને બદલે સરકારનો લોકોને ટેકો છે. આસામમાં થઈને મિઝોરમમાં જતી રેલવે લાઇનના પાટા પણ તોફાનીઓએ ઉખેડી કાઢ્યા છે. કેન્દ્ર સરકારે બે રાજ્યોની સરહદ પર સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સની ટુકડીઓ તૈનાત કરી દીધી છે.
આસામ અને મિઝોરમ વચ્ચે જે સરહદી વિવાદ છે તેનું ઉદ્ગમસ્થાન બ્રિટીશ રાજ દ્વારા ૧૮૭૫માં અને ૧૯૩૩માં કરવામાં આવેલા બે પરસ્પર વિરોધાભાસી કાયદાઓ છે. ૧૮૭૫માં તત્કાલીન બ્રિટીશ સરકારે પૂર્વોત્તરનાં રાજ્યો માટે બેંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન નામનો કાયદો પસાર કર્યો હતો. આ કાયદા મુજબ આસામના મેદાની વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ પર્વતીય પ્રદેશની મુલાકાત લેવા માગતી હોય તો તેણે પરમિટ લેવી પડતી હતી, જેને ઇનર લાઇન પરમિટ કહેવામાં આવતી હતી. આ પરમિટનો હેતુ પહાડોમાં વસતી પ્રજાની સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો હતો. તેમાં આસામના મેદાની કચાર જિલ્લાને પહાડી લુશાઇ હિલ્સ જિલ્લાથી અલગ પાડવામાં આવ્યો હતો. આ લુશાઇ હિલ્સ જિલ્લો અત્યારે મિઝોરમ તરીકે ઓળખાય છે.
૧૮૭૫ના કાયદાને કારણે આસામના જે કેટલાક વેપારીઓ પર્વતીય પ્રદેશમાં જઈને ત્યાં વસતા લોકો સાથે વેપાર કરતા હતા તેમના પર કેટલાંક નિયંત્રણો આવી ગયાં એટલે તેમણે સરકારમાં લાગવગ વાપરી ૧૯૩૩માં નવો કાયદો પસાર કરાવ્યો. આ કાયદા મુજબ આસામના કાચર જિલ્લાને લુશાઇ હિલ્સ ઉપરાંત મણિપુરનાં રજવાડાંથી અલગ પાડવામાં આવ્યો. તેમાં લુશાઇ હિલ્સનો કેટલોક ભાગ મણિપુરમાં અને કેટલોક ભાગ આસામમાં જતો રહ્યો. અગાઉ જે ૧૩૦૦ ચોરસ કિલોમીટર જેટલું જંગલ લુશાઇ હિલ્સમાં હતું તેને આસામના કચાર જિલ્લામાં જતો રહ્યો. બીજા શબ્દોમાં આસામના કચાર જિલ્લા અને લુશાઇ હિલ્સ વચ્ચે જે ૧૬૫ કિલોમીટર લાંબી સરહદ હતી તેમાં આશરે ૧૦ કિલોમીટર પહોળાઈનો જંગલનો પટ્ટો કચાર જિલ્લામાં જતો રહ્યો. આ ફેરફાર કરવા માટે મિઝોના વનવાસી જાતિના નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા.
૧૯૭૨માં મિઝોરમને આસામથી અલગ પાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ નક્કી કરવા માટે ૧૮૭૫નો નહીં પણ ૧૯૩૩નો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં દસ કિલોમીટર જંગલનો પટ્ટો આસામના કબજામાં આવતો હતો. ૧૯૮૭માં મિઝોરમનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે પણ આ દસ કિલોમીટરનો પટ્ટો આસામના ફાળે આવ્યો હતો. મિઝોરમના નેતાઓ દ્વારા ત્યારે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ કેન્દ્રમાં આસામની વગ વધુ હોવાથી મિઝોરમની વાત કેન્દ્રે સાંભળી નહોતી. ૧૯૮૭થી આસામ અને મિઝોરમ વચ્ચે આ ઝઘડો ચાલ્યા કરે છે.
સરકારે ભલે વિવાદિત જમીન આસામને આપી; મિઝોરમના લોકો તેને પોતાની જ જમીન ગણે છે અને તેના પર ખેતીવાડી પણ કરે છે. મિઝોરમના જંગલ ખાતાં દ્વારા આ જમીન પર કુટિરો બનાવવામાં આવી છે. આસામ સરકાર તેને અતિક્રમણ ગણાવે છે. આસામમાં બાંગ્લા દેશના કેટલાક લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. તેમનો ડોળો આ જંગલની જમીન પર છે. ૨૦૧૯માં આસામ અને મિઝોરમની સરકારે આ જમીનને નો મેન્સ લેન્ડ તરીકે રાખવાનો નિર્ણય કર્યો હતો, પણ મિઝોરમના લોકો તેના પર પોતાનો કબજો છોડવા તૈયાર નથી. ૨૦૨૦ના ઓક્ટોબરમાં પણ આ મુદ્દે હિંસક અથડામણો થઈ હતી. તે પછી આસામના લોકો દ્વારા નેશનલ હાઇવે-૩૦૬ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તે બ્લોકેડ ૧૨ દિવસ ચાલ્યો હતો. આ હાઇવે મિઝોરમની જીવાદોરી છે. આસામના લોકો દ્વારા તેને બ્લોક કરીને મિઝોરમના લોકોને પાઠ ભણાવવામાં આવે છે.
આસામ અને મિઝોરમ વચ્ચે જેવો સરહદી ઝઘડો છે તેવો ઝઘડો આસામને ચાર રાજ્યો સાથે છે, જે રાજ્યો અગાઉ આસામનો ભાગ હતા. આ ઝઘડો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે બંને રાજ્યોને બાઉન્ડરી કમિશનની રચના કરવાની સલાહ આપી હતી. તેને પગલે મિઝોરમે બાઉન્ડરી કમિશનની રચના કરીને કાર્યવાહી શરૂ કરી હતી, પણ આસામ જંગલની જમીન દબાવીને બેઠું હોવાથી તેને બાઉન્ડરી કમિશનની રચના કરવામાં કોઈ રસ નથી. આ સંયોગોમાં કેન્દ્ર સરકારની ફરજ દરમિયાનગીરી કરવાની બને છે. કેન્દ્ર સરકાર આ ફરજ ચૂકી રહી છે. આસામ અને મિઝોરમની પોલિસો વચ્ચે લડાઇ થઇ તેના બે દિવસ પહેલાં જ કેન્દ્રના ગૃહ પ્રધાન મેઘાલય ગયા હતા અને તેમણે શિલોંગમાં સાત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી. તેમણે તેમને સરહદી વિવાદનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી. શેઠની શિખામણ ઝાંપા સુધી જ કામ આવી હતી.
જો કેન્દ્ર સરકાર આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી ઝઘડાનો ઉકેલ લાવવા માગતી હોય તો તેણે તાત્કાલિક સુપ્રિમ કોર્ટની સલાહ મુજબ બાઉન્ડરી કમિશનની રચના કરવી જોઈએ અને બ્રિટીશ સરકાર દ્વારા સરહદની આંકણીમાં જે ભૂલ થઈ હોય તેને સુધારી લેવી જોઈએ. મિઝોરમની માગણી ૧૮૭૫ની સરહદને સાચી સરહદ ગણવાની છે. જો તે માગણી ન્યાયી હોય તો તે સ્વીકારી લેવી જોઈએ. સદ્ભાગ્યે આસામમાં ભાજપની સરકાર છે અને મિઝોરમની સરકારમાં પણ ભાજપ સહભાગી છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વ શર્મા કહે છે કે જંગલનો પટ્ટો જ્યાં સુધી આસામનો ભાગ છે ત્યાં સુધી આસામની પોલિસ તેની રક્ષા કરશે, પણ જો કેન્દ્ર સરકાર કાયદો કરીને તે જમીન મિઝોરમને આપી દેશે તો રાજ્ય સરકાર તે કાયદાને માન્ય રાખશે. માટે દડો હવે કેન્દ્ર સરકારની કોર્ટમાં છે.
કેન્દ્ર સરકારે વગર વિલંબે કાયદો કરવો જોઈએ અને સરહદોની નવેસરથી આંકણી કરવી જોઈએ. તે માટે પહેલાં બાઉન્ડરી કમિશનની રચના કરવી પણ જરૂરી છે.૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી બ્રિટીશ ભારતના અનેક પ્રાંતોને અને હજારો રજવાડાંઓને જોડીને ભારતીય સંઘની રચના કરવામાં આવી હતી. આઝાદીનાં ૭૪ વર્ષ પછી પણ ભારતની પ્રજા એક દેશ તરીકે રહેતા શીખી નથી. આ કારણે ઘણાં રાજ્યો વચ્ચે સરહદી ઝઘડાઓ આજે પણ ચાલી રહ્યા છે. આ ઝઘડાઓ બે રાજ્યો વચ્ચેનાં યુદ્ધમાં ન પરિણમે તે જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. તે સાથે વિવિધ રાજ્યોની પ્રજાએ અને સરકારે પણ રાષ્ટ્રભાવના કેળવવી જરૂરી છે. જો તેવી ભાવના નહીં કેળવાય તો દેશના ફરી ભાગલા થવાની નોબત પણ આવશે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.