આજે આપણે વૈશ્વિકરણના યુગમાં જીવી રહ્યા છીએ, 21મી સદી શરૂ થઈ તે પહેલા ભારત અને ચીન વિશ્વવ્યાપાર તેમજ સંપત્તિમાં લગભગ સરખો હિસ્સો ધરાવતા હતા. બ્રિટિશ સલ્તનતનું શાસન કાળ પૂરું થયા બાદ પણ 1979 સુધી વૈશ્વિક સંપત્તિમાં ભારત અને ચીનનો ફાળો લગભગ સરખો હતો. 1979 પછી ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટવા માંડ્યો અને છેક 1990ના દાયકાના મધ્ય સુધી એ ત્રણથી ચાર ટકા હતો અને વિશ્વભરમાં એ ‘હિન્દુ રેટ ઑફ ગ્રોથ’ તરીકે હાંસીપાત્ર બન્યો.
દરમિયાનમાં ચીન સતત પ્રગતિ કરી રહ્યું. આજે ચીન દુનિયાનું ‘મેન્યુફેક્ચરીંગ હબ’ એટલે કે, ઉત્પાદક કેન્દ્ર બની ચૂક્યું છે. દુનિયામાં ઉત્પન્ન થતો 30 ટકા માલ અને સેવાઓ ચીન પેદા કરે છે. તે સામે ભારતની કુલ ઉત્પાદન શક્તિ 3 ટકાથી નીચે છે. આ કારણથી નિકાસ બજારમાં એટલે કે વિશ્વવ્યાપારના ક્ષેત્રે ચીન આજે એક મહત્ત્વનો અને મોટો ખેલાડી બનીને ઊભું રહ્યું છે. વિશ્વવ્યાપારમાં ભારતનો ફાળો 1.75 ટકાથી નીચો છે, જ્યારે ચીનનો ફાળો 18 ટકાથી ઉપર છે. પરિણામ સ્વરૂપ ભારતીય અર્થવ્યવસ્થા ‘ઈનવર્ડ લુકીંગ ઇકોનોમી’ એટલે કે, મોટા ભાગનું ઉત્પાદન આંતરિક બજાર માટેની અર્થવ્યવસ્થા છે.
વસતીની દૃષ્ટિએ વિશ્વમાં સૌથી મોટામાં મોટો દેશ ભારત આ કારણથી દુનિયાની સૌથી મોટામાં મોટી મુક્ત બજાર તરીકે માન્યતા પામ્યું છે. ભારતમાં અપૂરતી ખરીદશક્તિ અને ‘પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ’ એટલે કે મૂળભૂત જરૂરિયાતો સંતોષ્યા બાદ પોતાના હાથમાં રહેતી પસંદગીની ચીજો માટેની ખરીદશક્તિ મર્યાદિત છે. આ કારણથી રોટી, કપડાં અને મકાન, જે ત્રણ પાયાની જરૂરિયાતો જણાય તેમાં સૌથી અગત્યની ખાદ્યાન્નની જરૂરિયાત માટે 80 કરોડ કરતાં વધુ વસતીને પેટનો ખાડો પુરવા સરકારે વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં અથવા બરછટ અનાજ મફત આપવું પડે છે.
આ સામે ક્રૂડ અને પેટ્રોલિયમ પેદાશો, ખાદ્યતેલ તેમજ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડીયન્સ, ઓટોપાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક માલસામાન જેવી ચીજવસ્તુઓ આપણે મોટા પાયે આયાત કરવી પડે છે. ભારત શસ્ત્રસરંજામનું વિશ્વનું સૌથી મોટું આયાતકાર છે. ભારતનો એટલો જ ગંભીર પ્રશ્ન સંપત્તિ અને આવકની અસમાન વહેંચણી છે, જે અલગ ચર્ચા માંગી લેતો મુદ્દો છે પણ હાલ પૂરતું એટલું કહી શકાય કે ભારતમાં 10 ટકા લોકો પાસે 80 ટકા કરતા વધુ આવક અને સંપત્તિ છે. ભારતના વિદેશ વ્યાપાર બાબત લખતા પહેલા આટલી પૂર્વભૂમિકા જરૂરી છે, જેથી આ સમગ્ર વિષયને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય.
ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા 17 ફેબ્રુઆરી, 2025ના રોજ ‘ફોરેન ટ્રેડ ઑફ ઇન્ડિયા-2024: એક્સપોર્ટ્સ, ઇમ્પોર્ટ્સ એન્ડ ટ્રેડ પાર્ટનર્સ’ વિષયને લઈને જે વિગતો પ્રકાશિત કરવામાં આવી છે તે ખૂબ ઉપયોગી પ્રકાશ ફેંકે છે. લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ એક લાંબો અને અર્થપૂર્ણ ભૂતકાળ વિવિધ વ્યાપાર માર્ગો, સંસ્થાનવાદની અસરો અને આર્થિક સુધારાવધારા થકી, સદીઓના કાળખંડ દરમિયાન ઘડાયેલો છે. આ પુરાણકાળથી માંડીને સાંપ્રત સમયમાં સિલ્ક રોડ સુધી વિવિધ પરિવર્તનો અને વિકાસના પરિબળો ઉપજતાં તેમજ અગ્રેસર થતા આ લાંબા કાળખંડમાં જોઈ શકાય છે.
ભારતની અર્થવ્યવસ્થામાં વખતોવખત આવેલા પલટાઓ ભારતીય અર્થવ્યવસ્થા અને આંતરિક તેમજ નિકાસ વ્યાપારને આજે આપણી સમક્ષ મૂકે છે. 2018નો દાખલો લઈએ તો ભારતમાં જીડીપીનો અડધોઅડધ ભાગ (48.8 ટકા) વિદેશવ્યાપારમાંથી આવ્યો. જેમ સમય આગળ વધતો ગયો તેમ ભારતના વ્યાપાર સંબંધો વિકસતા ગયા. આજે ભારત લગભગ 7500 ચીજવસ્તુઓ 190 દેશોમાં નિકાસ કરે છે અને તે સામે 6000 વસ્તુઓ 140 દેશોમાંથી આયાત થાય છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ કુલ માલસામાન અને સેવાઓની નિકાસ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 6.3 ટકાનો અંદાજિત વધારો થઈ એપ્રિલથી ડિસેમ્બર 2024-25ના ગાળામાં 602.64 અબજ ડૉલ૨ થઈ જે અગાઉના વર્ષે આ જ સમયગાળામાં 568.36 અબજ ડૉલર હતી.
ભારત સરકારે નિકાસ વૃદ્ધિ થાય તે બાબતે તેમજ નિકાસ વ્યાપારને પ્રોત્સાહન મળે તે બાબતે 2023-28 સમયગાળા માટે નવી વ્યાપારનીતિ જાહેર કરી. સાથોસાથ સર્ટિફિકેટ ઑફ કોમન ડિજિટલ પ્લેટફોર્મ અને ડિસ્ટ્રીક્સ એઝ એક્સપોર્ટ હબ પ્રોગ્રામ જે દરેક જિલ્લામાંની નિકાસ માટે લાયક પ્રોડક્ટ શોધી કાઢે અને આમ સમગ્રતયા ભારતમાંથી થતી નિકાસમાં વૃદ્ધિનું પ્રેરકબળ બને, ભારતના વૈશ્વિક વ્યાપારની વૃદ્ધિમાં ટેકો આપી મદદરૂપ થાય તે પ્રકારની કાર્યવાહી ભારત સરકારે હાથ ધરી. ભારતના વિદેશ વ્યાપાર અંગેની પૂર્વભૂમિકા આ લેખમાં જોઈ. એને લગતી બીજી બાબતો ફરી કોઈ વાર વિસ્તારપૂર્વક જોઈશું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.