નવા વર્ષમાં કંઈ કેટલા સંકલ્પો લેવાય છે, તેને વળગી રહેવા નાહક પ્રયત્નો(દેખાડા) કરાય છે. સફળતા ન મળતા સિફતપૂર્વક એને છોડી દેવાય છે, પણ પ્રસિદ્ધિની માયા નથી છોડાતી! કેટલાક માણસોને સિદ્ધાંત, સત્ય, બહુજન હિતાર્થ સાથે મતલબ નથી એને તો રસ છે પોતાની પ્રસિદ્ધિમાં, પ્રખ્યાત થવામાં. મશહૂર થવાની દોડમાં એ સારાનરસાનો ભેદ પારખવાની શકિત પણ ખોઈ બેસે છે. મશહૂર થવાની લ્હાયમાં માણસ અનેક પ્રકારના નુસ્ખા અજમાવતો રહે છે. આવા સ્વાર્થી લોકોને વાહવાહી કરનારા, ખોટી ભાટાઈ કરનારાની ફોજ પણ મળી રહેતી હોય છે. સ્વાર્થી અને બીજાની લીટી ટૂંકી કરી નામ કમાવવાની નિયત વાળાને પૂંછડી પટપટાવે તે વહાલા લાગે છે.
‘એક કદરૂપો માણસ હંમેશા પોતાની પાસે અરીસો રાખતો અને વારંવાર એ અરીસામાં પોતાને જોતો. સુંદર દેખાય છે કે કદરૂપો એ માટે નહીં, પણ એ જાણતો હતો કે ચહેરો કદરૂપો છે તો મારે મારા કર્મ દ્વારા સુંદર દેખાવાનું છે.’તે કર્મની સુંદરતા પ્રત્યે સભાન હતો.કાર્ય જ વ્યકિતને મશહૂર કરે છે. એ.આઈના યુગમાં માણસ પોતાને બદલતો જ રહેવાનો. અરે! આદિકાળથી વ્યકિત કાચંડાની માફક રંગ બદલતો રહ્યો છે.બદલાવ જરૂરી છે પણ, કૃતજ્ઞતા કેમ ભુલાય!ખ્યાતિના ભોગે ખોટું કરનાર વ્યક્તિ ને પંપાળવો ઠીક નથી.વ્યકિત પ્રખ્યાત થવા અજાણતાનું મહોરું પહેરી લે તો મોટા સમૂહને નુકસાન થાય છે એ ન ભુલાવું જોઈએ.
સુરત -અરુણ પંડ્યા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મેડિક્લેમ પોલીસી GST મુક્ત કરો
અસહ્વ મોંઘવારીનો બોજો સહન કરી રહેલી પ્રજા, નાની મોટી બીમારીના મોટા ખર્ચથી બચવા મેડીકલેમ પોલીસી લે છે. પણ એના પર લાગતો જી.એસ.ટી. દર 18 ટકા હોવાથી, પોલિસી ધારકને વાર્ષિક પ્રિમિયમ ખૂબ મોંઘુ પડે છે. એટલો તો એનો પગાર પણ નથી હોતો. મેડીકલેમ એ જીવન રક્ષક પોલિસી છે. મેડિકલેમ લીધા વગર તબીબી સારવાર કરવી લોઢા ના ચણા ચાવવા જેવું છે. કેટલાક વડીલો મોંઘી સારવારના કારણે કેટલીક બિમારીમાં સારવાર નથી લેતા. મોંઘવારી કેટલાક વર્ગને બાદ કરતા, બીજા બધા વર્ગને લાગે છે. જે લોકોને સારવાર ફ્રી મળે છે એમને કોઈ ફરક નથી પડતો. તબીબી સારવાર માટેની આ મેડીકલેમ પોલિસી પર કોઈપણ ટેક્ષ લગાવ્યા વગર G. S.T. નાબૂદ કરી. કરમુક્ત કરી પ્રજાના હિતમાં રાહત આપવી જોઈએ. એ નિર્ણય વહેલી કરવો જોઈએ.
વડોદરા- જયંતિભાઈ પટેલ..– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.