ખંભાત : ખંભાતના રેલ્વે સ્ટેશન તરફથી કોલેજ તરફ જવાના માર્ગ પર ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના વળાંક પાસે છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે. એટલું જ નહીં સદર ગટર ઉભરાવાથી ગંદા પાણીના માર્ગ ઉપર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે.જેને કારણે અતિ આવશ્યક માર્ગ બંધ થઇ જતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો તેમજ સરકારી કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખંભાતમાં અતિ ઉપયોગી અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓને જોડતો રેલવે સ્ટેશન તરફથી કોલેજ તરફનો માર્ગ ઉભરાતી ગટરના ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
જેને કારણે રસ્તો બંધ થઇ જતા કોલેજના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો, સરકારી કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખંભાત નગરપાલીકાના સત્તાધિશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત તંત્ર સદર ગંભીર સમસ્યાના નિરાકરણ બાબતે સંદતર નિષ્ક્રીય સાબિત થયું છે. પાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો છતાંય કોઇ અસરકારક કામગીરી ના કરાતાં છેલ્લા એક વર્ષથી કુંભકર્ણ નિંદ્રામાં રાચતા વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે.