જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે બધાં જ વ્યક્તિઓ સ્મશાનયાત્રામાં હાજર રહી શકતાં નથી. આથી મૃતકના માનાર્થે તથા આત્માની શાંતિ માટે તથા મૃતકનાં પરિવારજનોને દિલસોજી પાઠવી શકાય એ હેતુથી અન્ય સગાં સંબંધીઓ માટે બેસણું રાખવામાં આવે છે. અગાઉ બેસણાંને સાદડી, પઘડિયું કે ઉઠમણું તરીકે પણ ઓળખવામાં આવતું હતું,પરંતુ જમાનામાં તથા લોકોમાં પરિવર્તન આવવાને કારણે બેસણામાં પણ પરિવર્તન થવા લાગ્યું છે. હવે બેસણાંને પ્રાર્થના સભા, શોક સભા કે શ્રદ્ધાંજલિ સભા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘરમાં બેસણું રાખવાને બદલે મોટો શાંતિ હોલ ભાડે રાખવામાં આવે છે. મૃતકનો મોટી સાઈઝનો ફોટો રાખવામાં આવે છે અને આજુબાજુ ગુલાબની પાંખડીઓનો ઢગલો કરેલો હોય છે તથા અતિ સુગંધિત ધૂપ તથા અગરબત્તી પેટાવવામાં આવે છે.
ફોટાની એક તરફ મૃતકનાં પરિવારનો પુરુષ વર્ગ તથા બીજી તરફ પરિવારની મહિલાઓ શ્વેત વસ્ત્રો પહેરીને બેઠેલાં હોય છે. આ ઉપરાંત સામે આગંતુકો માટે ખુરશીઓ મૂકેલી હોય છે. ઘણી જગાએ તો સ્ટેજ ઉપર ચાર પાંચ સાજીંદાઓ તથા એક બે ગાયકો ભજનો વિગેરે ગાય છે તો અમુક જગ્યાએ ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શોક સભામાં આવનારાં લોકો પણ મૃતકના પરિવારને સાંત્વના આપવાને બદલે ખુરશીમાં ગોઠવાઈને અન્ય વ્યક્તિઓ સાથે વાતચીતમાં જોડાઈ જાય છે અને શોકનો પ્રસંગ જાણે સુખનો અવસર બની જાય છે. આમ હવે બદલાયેલા જમાનામાં બેસણાંનુ કોઈ મહત્ત્વ રહ્યું નથી અને બેસણાંની કોઈ ગરિમા જળવાતી નથી.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.