Editorial

કંપનીઓના ઉચ્ચ પદાધિકારીઓ અને કામદારોના વેતન વચ્ચેનો તફાવત આંખ પહોળી કરી દે તેવો છે

પહેલી મેએ વિશ્વ કામદાર દિન નિમિત્તે કામદારોના પગાર અને તેમની કંપનીઓના માલિકો, વડાઓના પગાર આવક વિશેના રસપ્રદ આંકડાઓ બહાર પડ્યા છે. જે આંકડાઓ સૂચવે છે કે પગાર કે આવકની બાબતમાં કેટલી મોટી અસમાનતા કોર્પોરેટ કંપનીઓમાં પ્રવર્તે છે અને અન્યત્ર પણ એવી જ સ્થિતિ છે. રિસર્ચ અને એડવોકસી ગ્રુપ ઓક્સફામ દ્વારા કરવામાં આવેલ એક નવા અભ્યાસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરના સીઇઓઝનો પગાર ૨૦૧૯થી વાસ્તવિક સ્વરૂપમાં પ૦ ટકા જેટલો વધ્યો છે જેની સામે સરેરાશ કામદારના પગારમાં માત્ર ૦.૯ ટકાનો વધારો થયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં સીઇઓઝનો સરેરાશ પગાર વર્ષે બે મિલિયન ડોલર પર પહોંચ્યો છે એમ આ અહેવાલ જણાવે છે. વિશ્વભરની કંપનીઓમાં પગારની ચુકવણીની બાબતમાં પ્રવર્તતી અસમાનતા તરફ નિર્દેષ કરતા ઓક્સફામ સંસ્થાએ તેના વિશ્લેષણમાં જણાવ્યું છે કે એક સરેરાશ કામદાર આખા વર્ષ દરમ્યાન જેટલી કમાણી કરે તેના કરતા વધુ રકમ કંપનીઓના અબજપતિ માલિકો અને વડાઓ દર કલાકે ગજવે ઘાલે છે! કેટલી જબરજસ્ત અસમાનતા આવકની બાબતમાં પ્રવર્તી રહી છે તે આના પરથી સમજી શકાય છે.કામદારો અને સીઇઓઝના પગાર વધારામાં કેટલો જંગી તફાવત છે તેના તરફ નિર્દેશ કરતા ઓક્સફામનો અહેવાલ જણાવે છે કે આ 2019થી 2.9 મિલિયન (ફુગાવા માટે એડજસ્ટેડ), 50 ટકાનો રિઅલ ટાઇમ વધારો છે – આ વધારો સરેરાશ કામદારના વાસ્તવિક વેતન વૃદ્ધિ કરતાં ઘણો વધારો છે, જેમણે પગાર ડેટા ઉપલબ્ધ હોય તેવા દેશોમાં આ જ પાંચ વર્ષના સમયગાળામાં 0.9 ટકાનો વધારો જોયો હતો એમ આ વિશ્લેષણમાં જણાવાયું છે. આયર્લેન્ડ અને જર્મનીમાં કેટલાક સૌથી વધુ વેતન મેળવતા CEO છે, જેમણે 2024 માં અનુક્રમે 6.7 મિલિયન ડોલર અને 4.7 મિલિયન ડોલર વાર્ષિક કમાણી કરી હતી. વિશ્લેષણમાં જણાવાયું છે કે સાઉથ આફ્રિકામાં 2024માં સીઇઓઝની વાર્ષિક આવક 1.6 મિલિયન અને ભારતમાં 2 મિલિયન ડોલર સુધી પહોંચી ગઇ હતી. વર્ષ-દર-વર્ષ, આપણે એ જ વિચિત્ર દૃશ્ય જોઈએ છીએ: સીઈઓના પગારમાં વિસ્ફોટ થાય છે જ્યારે કામદારોના વેતનમાં ભાગ્યે જ મોટો વધારો થાય છે. આ સિસ્ટમની કોઈ ખામી નથી – તે સિસ્ટમ બરાબર ડિઝાઇન મુજબ કાર્ય કરે છે, તે સંપત્તિને ઉપર તરફ દોરી જાય છે જ્યારે લાખો કામદારો ભાડું, ખોરાક અને આરોગ્યસંભાળ માટે સંઘર્ષ કરી રહ્યા છે એમ ઓક્સફામ જણાવે છે. આ ઓક્સફામ એ દુનિયાભરમાં ગરીબો, વંચિતો માટે કાર્ય કરતી સંસ્થા છે અને વિવિધ પ્રસંગે તે આર્થિક અસમાનતા જેવી બાબતો પર વિશ્વભરના નેતાઓનું ધ્યાન દોરતા અહેવાલો બહાર પાડે છે.
ઓક્સફામના આ વિશ્લેષણમાં જણાવાયું છે કે વૈશ્વિક CEO ના પગારમાં વધારો એ ચેતવણીઓ વચ્ચે થયો છે કે કામદારોનો વેતન વધારો જીવન નિર્વાહના વધતા ખર્ચ સાથે તાલમેળ જાળવવામાં નિષ્ફળ ગયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) એ અહેવાલ આપ્યો છે કે 2024 માં વાસ્તવિક વેતનમાં 2.7 ટકાનો વધારો થયો છે, તેમ છતાં ઘણા કામદારોના પગાર સ્થગિત રહ્યા છે.
ઉદાહરણ તરીકે, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા અને સ્પેનમાં, ગયા વર્ષે વાસ્તવિક વેતન વૃદ્ધિ માત્ર 0.6 ટકા હતી. જ્યારે વૈશ્વિક સ્તરે વેતન અસમાનતામાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં ઓછી વક ધરાવતા દેશોમાં, જ્યાં સૌથી ધનિક 10 ટકા લોકોની આવકનો હિસ્સો સૌથી ગરીબ 40 ટકા કરતા 3.4 ગણો વધારે છે.આ ઉપરાંત લૈંગિત ભેદભાવ પણ વ્યાપક પ્રવર્તે છે. વિશ્વ્ની ૧૧૩૩૬ કોર્પોરેટ કંપનીઓનો અભ્યાસ કરતા જણાયુ છે કે પુરુષ અને મહીલા કર્મચારીઓના પગારમાં ૨૦૨૨માં ૨૭ ટકા તફાવત હતો તે ૨૦૨૩માં માત્ર થોડોક ઘટીને ૨૨ ટકા થયો છે. આ બાબત માત્ર પછાત દેશોમાં જ નહીં પણ ધનવાન અને વિકસીત ગણાતા દેશોમાં પણ મહિલાઓ સાથે પગારની બાબતમાં થતા અન્યાય તરફ ધ્યાન દોરે છે. વિશ્લેષણમાં જણાવાયું છે કે અબજોપતિઓ – જેઓ ઘણીવાર સંપૂર્ણપણે અથવા આંશિક રીતે મોટા કોર્પોરેશનોના માલિક છે – ગયા વર્ષે સરેરાશ 206 બિલિયન ડોલરની નવી સંપત્તિમાં પ્રવેશ્યા છે, જે 23,500 ડોલર પ્રતિ કલાકની સમકક્ષ છે, જે 2023માં વૈશ્વિક સરેરાશ આવક ( 21,000 ડોલર) કરતા વધુ છે. વેતન તફાવત તો છે જ ત્યાં વૈશ્વિક કામદાર વર્ગ હવે એક નવા ખતરાનો સામનો કરી રહ્યો છે: વ્યાપક અમેરિકી ટેરિફો. અમેરિકાની આ નીતિઓ વિશ્વભરના કામદારો માટે નોંધપાત્ર જોખમો ઉભા કરે છે, જેમાં અર્થતંત્રો નબળા પડવાને કારણે નોકરી ગુમાવવી અને મૂળભૂત ચીજવસ્તુઓના વધતા ખર્ચનો સમાવેશ થાય છે જે દરેક જગ્યાએ ભારે અસમાનતાને વેગ આપશે.

Most Popular

To Top