સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. યુરોપીયન દેશોમાં બેન્કીંગ કટોકટી, પોલિશ્ડ ડિમાન્ડની ઓછી માંગ જેવી સમસ્યાના લીધે બજારની સ્થિતિ નબળી છે ત્યારે હવે રશિયાની અલરોઝા ખાણ કંપનીએ બે મહિના સુધી રફ ડાયમંડ નહીં વેચવાનો નિર્ણય લેતા સુરતના રત્નકલાકારો ચિંતામાં મુકાયા છે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કહ્યું કે, હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી રશિયા અને યુક્રેન યુદ્ધ તથા વૈશ્વિક મંદીના કારણે સુરતના હીરાઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે, જેની સીધી અસર લાખો રત્નકલાકારોના જીવન ઉપર પડી રહી છે. ડી.ટી.સી.ના સાઈટ હોલ્ડર પણ કંપનીને બે મહિના સુધી રફ હીરા ઓછા આપવાની રજુઆત કરી રહ્યા હોવાના પગલે હવે રશિયાની અલરોઝા કંપનીએ બે મહીના સુધી રફ હીરાનું વેચાણ નહી કરવાનો નિર્ણય લીધો છે જેની માઠી અસર ઉદ્યોગ પર પડશે. રફ ઓછી આવે તેનો મતલબ પ્રોડ્કશન ઘટે અને તેની સીધી અસર લાખો રત્નકલાકારો ઉપર પડવાની સંભાવના છે.
છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગકારો ઉત્પાદન કાપની નીતિ અમલમાં મૂકી રહ્યા હતા તેના કારણે રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો થયો હતો અને ઓછા પગારમાં કામ કરાવી કારીગરોનું શોષણ, અત્યાચાર, અન્યાય કરવામાં આવે છે. હાલ મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર છે ત્યારે જો રફ ડાયમંડ જ નહી આવે તો કારીગરોને કામ નહી મળે અને બેરોજગારી વધી જશે એવો ભય ભાવેશ ટાંકે વ્યક્ત કર્યો છે.
ઉદ્યોગકારો રત્નકલાકારોનો વિચાર કરે
હીરાઉદ્યોગના ઉદ્યોગકારો જે પણ નિર્ણય લે તે પહેલા રત્નકલાકારોનો વિચાર કરીને નિર્ણય કરે એવી ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશને અપીલ કરી છે. જયા સુધી ઈમ્પોર્ટ બંધ રહે ત્યાં સુધીનો પગાર રત્ન કલાકારોને આપવાની જવાબદારી ઉદ્યોગકારો અને સરકારની રહેશે જેની નોંધ લેવા પણ એસોસિએશને તાકીદ કરી છે.
ચાર મહિનામાં સુરતમાં 28 રત્નલકલાકારોએ જીવન ટૂંકાવ્યું
હીરાઉદ્યોગમાં મંદીની કેટલી ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે તેનો બોલતો પુરાવો છે કે છેલ્લાં ચાર મહિનામાં ફક્ત સુરત શહેરમાં જ 28 રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લીધા છે. જો રત્નકલાકારોનો વિચાર કર્યા વગર ઉપરોક્ત નિર્ણય લેવામાં આવશે તો તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડશે અને મોટી જાનહાનિ થશે. 2008 ની માફક રત્નકલાકારો આંદોલન કરવા રોડ ઉપર આવે એવી આશંકા ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશને વ્યક્ત કરી હતી.
રવિવારે ડાયમંડ વર્કર યુનિયનની મિટીંગ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ માનનીય મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોના રત્નકલાકારોની વેદના અને વ્યથાથી વાકેફ કર્યા છે અને રત્નકલાકારોને આર્થિક પેકેજ તથા રત્નદિપ યોજના જાહેર કરવાની માંગણી કરી છે ત્યારે તે માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં આવે તે ખૂબ જરૂરી છે નહીંતર હાલત બહુ ખરાબ થવાની શકયતા છે. હીરાઉદ્યોગના રત્નકલાકારોની સમસ્યાઓ, રજુઆત અને રત્નકલાકારોની એકતા બાબતે ડાયમંડ વર્કર યુનિયનએ આવતી કાલે રવિવારે રત્નકલાકારો ની એક મિટિંગ બોલાવી બોલાવી છે તેમાં આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.