મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા, મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનનો ભવ્ય વિજય થયો. ઝારખંડમાં શાસક ઇન્ડિગા ગઠબંધનનો વિજય થયો. મહારાષ્ટ્રના વિજયી શાસક ગઠબંધનના ત્રણેય ઘટકપક્ષો ભાજપ, શિવસેના(શિંદે) અને એનસીપી(અજીત)નો દેખાવ આ ચૂંટણીમાં સારો રહ્યો. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય તો મેળવી લીધો પણ મુખ્યમંત્રીપદ માટે ગઠબંધનના ભાગીદાર પક્ષો – ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત) વચ્ચે પાવર ટસલ સર્જાઇ છે. આને કારણે સરકાર રચનામાં વિલંબ થઇ રહ્યો છે. આ પહેલા ભાજપ અને અખંડ શિવસેના જ્યારે સાથે રહીને ચૂંટણી લડ્યા હતા અને પછી સરકાર રચના વખતે ઉદ્દવ ઠાકરે સાથે ભાજપને જેવા મતભેદો ઉભા થયા અને ત્યારે જેવા સંજોગો હતા કંઇક તે પ્રકારના સંજોગો ફરી ઉભા થયા છે.
એમ જાણવા મળે છે કે ભાજપ તેના મજબૂત દેખાવને કારણે મુખ્યમંત્રીપદ માટે દાવો કરે છે જ્યારે એકનાથ શિંદે નેતાગીરી ચાલુ રહે તે માટે આ હોદ્દો જાળવી રાખવા માગે છે અને અજીત પવારની એનસીપીએ ભાજપના દાવાને ટેકો આપ્યો છે. શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસનું નામ તો ચૂંટણીમાં મહાયુતિના વિજય પછી જ મુખ્યમંત્રીપદ માટે ચર્ચાતું થઇ ગયું હતું. ગઠબંધનના સૌથી મોટા પક્ષ તરીકે અને પોતાના નોંધપાત્ર ચૂંટણી દેખાવના આધારે ભાજપ મુખ્યમંત્રીપદ માટે દાવો કરે છે અને એમ પણ કહે છે કે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પક્ષના નબળા દેખાવને કારણે પક્ષના કાર્યકરોનું મનોબળ તૂટી ગયું હતું, જો ભાજપને મુખ્યમંત્રીપદ મળે તો તેમનું મનોબળ ફરીથી મજબૂત કરી શકાય છે!
બીજી બાજુ એકનાથ શિ઼દે હાલના વિજયને પોતાની નેતાગીરીને લોકોની મંજૂરી તરીકે જુએ છે અને કહે છે કે શિવસેના પર પોતાની પકડ મજબૂત બનવવા માટે અને નીતિઓ, ખાસ કરીને ફ્લેગશીપ લાડકી બહીન યોજના ચાલુ રાખવા માટે મુખ્યમંત્રીપદ પોતાને મળે તે જરૂરી છે! શિવસેનાના પ્રવકતા નરેશ મહાસ્કેએ કહ્યું હતું કે બિહાર મોડેલને અનુસરીને મુખ્યમંત્રપદ એકનાથ શિંદે પાસે રહેવું જોઇએ. તેમનું કહેવું એમ છે કે ભાજપે જેમ બિહારમાં નીતિશ કુમારને જ મુખ્યમંત્રીપદે ચાલુ રહેવા દીધા તેમ મહારાષ્ટ્રમાં પણ તેણે એકનાથ શિંદેને મુખ્યમંત્રીપદે ચાલુ રાખવા જોઇએ. જો કે બિહાર અને મહારાષ્ટ્રના સંજોગો જુદા છે.
બીજી બાજુ ભાજપના વિધાનપાર્ષદ પ્રવીણ ડેરેકરે કહ્યું હતું મે મુખ્યમંત્રી બનવા માટે દેવેન્દ્ર ફડણવીસ સૌથી સક્ષમ વ્યક્તિ છે. સોમવારે સરકારની શપથવિધિ થાય તેવી વકી હતી પણ આ મડાગાંઠને કારણે સરકાર રચના વિલંબમાં મૂકાઇ છે એવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ફડણવીસ, શિંદે અને અજીત પવાર સોમવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રીના લગ્નમાં દિલ્હી હતા અને એવી અટકળો હતી કે તેઓ ત્યાં મડાગાંઠ ઉકેલવા માટે ભાજપના નેતાઓને મળી શકે છે. જો કે તેમાં કોઇ ઘટના વિકાસના અહેવાલ આ લખાય છે ત્યાં સુધી જાણવા મળ્યા ન હતા.
આ કોયડો ઉકેલવા માટે આગામી દિવસોમાં બેઠકો યોજાઇ શકે છે. દરમ્યાન, એવું પણ જાણવા મળે છે કે શરૂઆતના અઢી વર્ષ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને અને બીજા અઢી વર્ષ શિવસેનાના એકનાથ શિંદે મુખ્યમંત્રીપદ સંભાળે તેવી યોજના પણ વિચારાઇ છે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓ રાખવાની અને પક્ષોના ધારાસભ્યોના સંખ્યાબળના આધારે મંત્રીઓ બનાવવાની પણ યોજના વિચારાઇ છે જે મુજબ ભાજપને ૨૨થી ૨૪, શિવસેનાને ૧૦થી ૧૨ અને એનસીપીને ૮થી ૧૦ મંત્રીપદો આપી શકાય છે.
એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે ૨૬ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત પુરી થાય છે અને તે પહેલા જો સરકાર રચાઇ નહીં શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. જો કે વિધાનસભા અધિકારીએ આ વાત નકારી કાઢી છે અને કહ્યું છે કે ગવર્નરને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી અપાઇ તે સાથે જ નવી વિધાનસભા અસ્તિત્વમાં આવી ગઇ છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર નહીં પડે. દરમ્યાન, ૨૬ નવેમ્બર મંગળવારના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત પુરી થતા એક બંધારણીય જવાબદારી તરીકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી એકનાથ શિંદેએ રાજીનામુ આપી દીધું હતું અને ગવર્નરની વિનંતીના આધારે તેઓ રખેવાળ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા હતા પણ મંગળવારે રાત સુધીમાં પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદનું કોકડું ઉકેલાયાના કોઇ સંકેતો મળ્યા ન હતા.
તેઓ ગવર્નરને મળવા ગયા ત્યારે તેમની સાથે મહાયુતિના તેમના ભાગીદાર ઘટક પક્ષોના નેતાઓ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજીત પવાર પણ સાથે હતા. દેખીતી રીતે પ્રથમ દષ્ટિએ એવો આભાસ ઉભો થાય કે મહાયુતિમાં કોઇ મતભેદો નથી પણ કઠોર વાસ્તવિકતા એ છે કે ચૂંટણી પરિણામના ત્રણ દિવસ પછી પણ મુખ્યમંત્રીપદ માટે સર્જાયેલી મડાગાંઠ ઉકેલી શકાઇ નથી. શિવસેનાના નેતા સંજય સિરસાટે એવો સંકેત આપ્યો હતો કે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે શિંદે, ફડનવીસ અને અજીત પવારની ચર્ચાઓ પછી મંગળવારે રાત્રે કે બુધવારે સવારે મુખ્યમંત્રીપદ અંગે સ્પષ્ટતા થઇ જશે. જો કે મંગળવાર રાત્રે અત્યાર સુધી તો કોઇ સ્પષ્ટતા જાણવા મળી નથી. અને સમજૂતી થાય તે પછી પણ જે સરકાર રચાય તે યોગ્ય રીતે ચાલી શકશે અને ટર્મ પુરી કરી શકશે કે કેમ? તે બાબતે હવે આ ઘટનાક્રમ પછી શંકાઓ ઉભી થઇ રહી છે.