ગંગા, બ્રહ્મપુત્રા, કાવેરી, યમુના જેવી બારમાસી નદીઓની જળશક્તિના મહત્તમ ઉપયોગ દ્વારા ૧૦,૦૦૦ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે તેવી ક્ષમતા છે, પરંતુ પાણી અંગેની રાષ્ટ્રીય નીતિના અભાવે આજે માત્ર ૪૫૦૦ મેગાવૉટ વીજળી ઉપન્ન થઈ રહી છે. દેશમાં પ્રવર્તમાન વીજતંગીના સંદર્ભમાં પાણી, પવન અને સૂર્યપ્રકાશ જેવા પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતના વિકાસ અંગે નીતિ આયોગે લક્ષ આપ્યું છે, તેમ છતાં હજુ સુધી પારંપરિક ઉર્જા સ્ત્રોત અંગે રાષ્ટ્રીય નીતિ ઘડાઈ નથી. આથી રાષ્ટ્રની ૬૨% ટકા જળશક્તિ વણવપરાયેલી પડી રહી છે.
રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ, આંતરરાજ્ય ઝઘડાઓ અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓના વાકે અથડાતા વીજળીનાં ભવિષ્યની આગાહી હાલમાં શક્ય નથી. આમ છતાં ગુજરાત રાજ્યમાં બીજા ત્રણ હજાર મેગાવૉટ વીજળીનાં ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૩૦ દરમિયાન વીજક્ષેત્રે જંગી રોકાણ કરવા યુરોપની કંપનીઓ ઉત્સુક છે, આ સંબંધની દરખાસ્ત વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન રાજય સરકારના વિચાર વિમર્શમાં મુકાઇ છે.
વીજક્ષેત્રે વધતી માગ અને ઘટતા પુરવઠાના નિવારણ માટે તથા વીજક્ષેત્રનાં સંચાલનને સુધારવા માટે ટી.એલ. શંકર સમિતિએ ટેરિફ વધારવા ભલામણ કરી છે. આમ છતાં કૃષિક્ષેત્રનાં વપરાશમાં નિશ્ચતતાનો અભાવ સિંચાઈ પ્રોજેકટમાં નક્કી કરાયેલ લક્ષ્યાંકોની તુલનાએ ઓછું રોકાણ, તેમજ માળખાગત ક્ષેત્રોમાં નિયત લક્ષ્યાંકો હાંસલ ન થવાના લીધે વાસ્તવિક રીતે રાષ્ટ્રીય ક્ષમતા પ્રાપ્તિ ગંભીર ચિંતાની બાબત બની છે.
નીતિ આયોગે કૃષિ તેમજ ગ્રામ આવકમાં વધારો કરવા અને ચિંતાજનક પરિસ્થિતિને નિવારવાનો ખાસ અનુરોધ કર્યો છે. છેલ્લા એક દસકમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈ ક્ષમતાની ટકાવારીમાં નોંધાયેલ ઘટાડો, અનાજ પ્રાપ્ત ભાવાંકમાં ૧૭થી ૨૨ ટકાનો વધારો, જીવનનિર્વાહ ખર્ચમાં વાર્ષિક ૧૦૩થી ૧૧૬ ટકા જેટલો વધારો, વધતી વસ્તીનું સતત દબાણ, માથાદીઠ આવકની નબળી સ્થિતિ તથા પુરુષ અને સવિશેષ મહિલા રોજગારીના કલાકોમાં ઘટાડો થયો હોઈ ભારતીય અર્થતંત્રનું આંતરિક માળખું નાજુક સ્થિતિને આરે આવી ગયાનું જણાય છે.
આબિદ હુસેન કમિટીએ તો લઘુઉદ્યોગોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સલામતી, સબસિડી અને રક્ષણ આપવાની પ્રોત્સાહક યોજના રદ કરવા રાજકીય ભલામણ કરવામાં આવતા અર્થતંત્રનું હિત નાના ઉદ્યોગો દ્વારા મહત્તમ રીતે રક્ષાતું હોવાં છતાં મધ્યમ અને મોટા કદના ઉદ્યોગોને અપાતા સરેરાશ વાર્ષિક ૯૮,૬૨૭ કરોડના ધિરાણ સામે લઘુ ઉદ્યોગો માટે ફાળવેલ ૨૮,૦૨૭ કરોડના ધિરાણ ઉપર પણ કાતર ફરી છે. દેશમાં સ્થાયી ૬૭ લાખ જેટલા લઘુ ઉદ્યોગોનું નેટવર્ક મહાકાય ઉદ્યોગો પાસે પાંગળું બની રહ્યું છે. નાના ઉદ્યોગો વીજળી સહિત કુદરતી સંસાધનોનો વ્યાપક રીતે વપરાશ કરે છે છતાં લઘુ ઉદ્યોગો માટેની પ્રોત્સાહક યોજનાઓને રદ કરવા માટે આગ્રહ રાખનાર મૂડીવાદી અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે લઘુ ઉદ્યોગો ઉત્પાદક નથી, નાના ઉદ્યોગોની સ્થળ લક્ષી મર્યાદાના લીધે વીજ-ટ્રાન્સમિશન લોસ વધે છે.
ચોમાસા-શિયાળા સિવાયના દિવસોમાં જ્યારે બળદને બાંધી રાખીને નીરણ ખાણ દેવું પડે છે ત્યારે ખેડૂતનો ખર્ચ વધી જાય છે. આવા વચગાળાના રાહત સમયમાં પણ ખેડૂતો પોતાનાં બળદ પાસેથી વીજ ઉત્પાદનનું કામ લઈ શકે છે. બળદ દ્વારા વીજશક્તિ ઉત્પાદન અને વિકેન્દ્રિત રીતે ગ્રામકક્ષાએ રોજગારી સાથે નૈસર્ગિક શક્તિના મહત્તમ ઉપયોગનાં પ્રયોગો થયાં છે જેનું સંકલન કરી મેનેજમેન્ટની શાળા-કોલેજો નવું પ્રમાણ પ્રતિપાદિત કરી શકે છે. વિજ્ઞાન અને મધ્યમ કદની તકનીકના આધારે યોજાતા આવા વિકેન્દ્રિત પ્રયોગો માટે હવે વિશ્વ ઊર્જા પરિષદમાં પણ ભલામણ થઈ છે. આજે દેશમાં અંદાજિત ૧૦ કરોડની પશુવસ્તી છે, જેના ઉપયોગ માત્રથી ૪૦ હજાર મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે છે.
ગ્રામક્ષેત્રે બળદ જેવાં પારંપરિક સાધનોના ઉપયોગથી જરૂરિયાત હોય તે સ્થળે અને સમયે વીજશક્તિનું આયોજન સરળ થશે, ગ્રામ સમુદાયને સ્થાનિક કક્ષાએ કામ મળતાં શહેરો ઉપરનું ભારણ ઘટશે. ઊંચા ધિરાણે મળતા ફૉસિલ્સ ફ્યુલ આધારે સ્થપાતાં ઊર્જામથકોનાં સ્થાને પ્રદૂષણમુક્ત પૂરક વ્યવસ્થા સ્થપાશે. ખેડૂતો માટે બળદ, પાડા, વસૂકી ગયેલી પણ સશક્ત ભેંશો અને ગાયો પોતાના ખોરાકના ખર્ચ જોગ વીજ પેદાશ કરી શકે તો ખેડૂતોનો આર્થિક બોજ ઘટશે અને પશુઓ કતલખાતે જતાં અટકશે.
ગ્રામક્ષેત્રે સ્થાનિક સાધનોથી મળેલ વીજળીમાંથી લોટ દળવાની ઘંટી, કપાસ અને શીંગ ફોલવા અને ઘઉં છૂટા પાડવા થ્રેશર, અંબર ચરખા અને હાથસાળ તથા લાઇટ એન્જિનિયરિંગનાં સાધનો વપરાતાં થશે, આથી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો વધશે. પશુઓની ફાજલ શક્તિને અસરકારી બનાવી શકાતાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાનું સરળ બનશે.
સૌરાષ્ટ્રની ગિર ગાયોના સંરક્ષણને વિસ્તરણ માટે નાગરિકો જાગ્રત થયા છે. પંચગવ્ય આધારે પ્રાકૃતિક ઉપચારની પદ્ધતિ વિકસી રહી છે. જીવદયા પ્રેમીઓ પાંજરાપોળોના રક્ષણ માટે સહાય આપે છે. માંદાં ઢોરની સારવાર કરે છે. જે આવકારદાયી છે, પરંતુ જ્યાં સુધી ખેડૂત માટે તેનું પશુધન આર્થિક રીતે બોજારૂપ નહીં હોય ત્યાં સુધી જ ગાયો અને ભેંશો સચવાશે. નહીં તો ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ જેવી દશા થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.