Editorial

હવાઇ ટાપુના દાવાનળથી સર્જાયેલો વિનાશ હચમચાવનારો છે

અનેક પશ્ચિમી દેશોમાં આ વખતે ઉનાળો ખૂબ આકરો રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ યુરોપના દેશોમાં સખત ગરમી પડી છે અને ત્યાંના અનેક દેશોમાં જંગલોમાં દાવાનળો ફાટ્યા હતા. આ દાવાનળો તો બહુ ભયંકર નહીં નિવડ્યા પરંતુ છેક હાલમાં અમેરિકાના હવાઇ ટાપુ સમૂહના એક ટાપુ પર ભયંકર દાવાનળ ફાટી નિકળ્યો અને તેણે અમેરિકા જ નહીં વિશ્વમાં ચર્ચા જગાડી છે. અમેરિકાના હવાઇ ટાપુ સમૂહના માઉઇ ટાપુ પરના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળતા ૯૦થી વધુ લોકોનાં મોત થયા છે, માલ મિલકતને વ્યાપક નુકસાન થયું છે અને સેંકડો લોકો ઘરવિહોણા બની ગયા છે. આમ તો આનાથી પણ વધુ લોકોના મોત ભૂતકાળના કેટલાક દાવાનળમાં નિપજ્યા છે પરંતુ આમાં જે ઝડપથી દાવાનળ ફેલાયો અને જે ઝડપથી મૃત્યુઓ થયા અને વિનાશ થયો તે ધ્યાન ખેંચે તેવી બાબત છે.

માઉઇ ટાપુ પરનું લહાઇના નામનું એક આખું નગર આગમાં સ્વાહા થઇ ગયું હોવાના અહેવાલ છે જ્યાં ૨૭૧ જેટલી ઇમારતો નાશ પામી છે. એમ જાણવા મળે છે કે ભોગ બનેલા મોટા ભાગના લોકો આ ટાઉનના જ હતા અને મૃત્યુઆંક હજી વધવાનો ભય છે. બીજી બાજુ ટાપુ પરથી હજારો લોકો ભાગી પણ ગયા હોવાનું જાણવા મળે છે. આગમાં ડઝનબંધ લોકો ઇજા પણ પામ્યા હોવાનું જાણવા મળે છે. જો કે હજી સુધી બહુ સ્પષ્ટ વિગતો મળી શકી નથી. અમેરિકી પ્રમુખ જો બાઇડને આ દાવાનળની સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે લશ્કર મોકલ્યું છે અને નૌકાદળ તથા કોસ્ટગાર્ડ ત્યાં બચાવકાર્યમાં મદદ કરી રહ્યા હતા.

ચિનૂક હેલિકોપ્ટરોને પણ કામે લગાડવામાં આવ્યા હતા. આ ભયાનક દાવાનળમાં માઉઇ ટાપુનું લહાઇના નામનું એક આખું નગર નાશ પામ્યું છે. આ લહાઇના ટાઉન એક ઐતિહાસિક નગર હતું અને તે અગાઉના હવાઇયન રાજાશાહીની રાજધાની પણ રહ્યું છે અને એક સાંસ્કૃતિક કેન્દ્ર રહી ચુક્યું છે. લહાઇનાના મેયરે જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ હોનારત હતી અને મળતી વિગતો પ્રમાણે આખું નગર જ નકશા પરથી ભૂંસાઇ ગયું છે. અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યો આ આગમાં નષ્ટ થઇ ગયા છે. ત્યાં ઐતિહાસિક વાઇઓલા ચર્ચનો હોલ અને નજીકનું હોંગવાંગજી મિશન આગની જ્વાળાઓમાં નાશ પામ્યા છે. ત્યાં કુલ ૨૭૧ જેટલી ઇમારતો નાશ પામી છે, આખા માઉઇ ટાપુ પર બે હજાર જેટલા ઘરો બળી ગયા હોવાનો અંદાજ છે.

તસવીરોમાં ઘરો અને વાહનો બળીને ખાખ થઇ ગયેલી હાલતમાં જોઇ શકાય છે અને તેના પરથી સ્થિતિની ભયંકરતાનો ખયાલ આવે છે. બચી ગયેલા સેંકડો લોકો બેઘર બની ગયા છે. જ્યારે આગનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી ત્યારે એમ કહેવાય છે કે લાંબા સમયથી ચાલતા દુકાળને કારણે વૃક્ષો સૂકા થઇ ગયા હતા અને હવામાં ભેજ ખૂબ ઓછો હતો તેથી દાવાનળ સખત રીતે ભડકી ઉઠ્યો અને તેમાં વળી તે વિસ્તારમાં કેટલાક અંતરેથી પસાર થતા ડોરા નામના વાવાઝોડાને કારણે ફૂંકાયેલા સખત પવનોને કારણે આ દાવાનળ ખૂબ ઝડપથી મોટા વિસ્તારમાં ફેલાઇ ગયો. આ દાવાનળને ભારત સાથે પણ એક સંબંધ છે.

આમ તો માઉઇ ટાપુમાં કોઇ ભારતીયો ફસાયા હોવાનું હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ ટાપુ પર આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા લઇ જઇને રોપવામાં આવેલું વડનું એક ઐતિહાસિક ઝાડ પણ નાશ પામે તેવો ભય સેવાઇ રહ્યો છે. આ વડનું ઝાડ તે સમયે છોડ સ્વરૂપે લઇ જઇને રોપવામાં આવ્યું હતું જે આજે ૪૬ જેટલી વડવાઇઓ સાથે એક વિશાળ વટવૃક્ષ બની ગયું હતું. જો કે આ આગમાં તે પણ નષ્ટ થઇ ગયું હોવાનો ભય છે. આગ સંપૂર્ણ ઠર્યા બાદ અને સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ તે વૃક્ષની હાલત વિશે સ્પષ્ટ માહિતી મળી શકશે.

 જો કે હવાઇ ટાપુ પરનો આ દાવાનળ અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી ભયંકર દાવાનળ નથી. આ પહેલા ૨૦૧૮માં પશ્ચિમના સૂકા હવામાન ધરાવતા રાજ્ય કેલિફોર્નિયામાં લાગેલ જંગલની આગમાં ૮પ લોકો માર્યા ગયા હતા તથા ૧૯૦૦૦ જેટલા ઘરો, ધંધાકીય કેન્દ્રો તથા અન્ય ઇમારતો નાશ પામ્યા હતા. પરંતુ હવાઇ દ્વીપ સમૂહના માઉઇ ટાપુનો આ દાવાનળ એ રીતે ભયંકર છે કે તેણે ખૂબ ઝડપથી ફેલાઇને ઝડપભેર ભારે વિનાશ વેરી દીધો અને ટૂંકા સમયમાં ઘણા લોકો તેમાં માર્યા ગયા. એક નિષ્ણાત અભિપ્રાય પ્રમાણે હવાઇ ટાપુના આ દાવાનળ માટે હવામાન પરિવર્તન પણ જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયમાં આ ટાપુ સમૂહમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે અને જંગલોમાં ભેજ ઘટી ગયો છે તેથી દાવાનળ ભડકવા માટે અનુકૂળતા સર્જાઇ છે. એવું પણ હશે જ, પરંતુ હવાઇ ટાપુ સમૂહના માઉઇના આ દાવાનળથી ત્યાં ઘણી કરૂણ સ્થિતિ સર્જાઇ છે તે ચોક્કસ છે.

Most Popular

To Top