પેટલાદ : પેટલાદ નગરપાલિકાનો વહિવટ દિન પ્રતિદીન કથળી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન વર્તમાન સત્તાધીશો દ્વારા કોઈ જ વિકાસલક્ષી કામો જોવા મળ્યા નથી. આ ઉપરાંત નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પણ સમયસર મેળવવા વલખા મારવા પડે છે. પાલિકામાં ગત ચૂંટણી દરમિયાન ચૂંટાયેલા સભ્યોની નિરસતાને કારણે વિકાસ થંભી ગયો છે. તેમાંય છેલ્લા બે – ત્રણ વર્ષથી મુખ્ય વિભાગોના કાયમી કર્મચારીઓ નિવૃત થતા જે તે વિભાગના કામો કરવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આગામી બે વર્ષ દરમિયાન વધુ કાયમી કર્મચારીઓ નિવૃત થવાના છે. સાથો સાથ પાલિકા ઉપર આર્થિક સંકટોના વાદળો પણ ઘેરાયેલા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.
પેટલાદ નગરપાલિકા બ વર્ગમાં આવે છે. પાલિકા દ્વારા નગરજનોને તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની હોય છે. પેટલાદ પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રાથમિક સુવિધાઓ પૈકી મુખ્યત્વે સફાઈના નામે મીંડુ હોવાની વાત ચર્ચાસ્પદ બની છે. શહેરના અનેક વિસ્તારોમાં સમયસર સફાઈ નહી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. બીજી તરફ શહેરના ઘણા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પીવાના પાણીમાં માટી અને રેતી આવતી હોવાનું જાણવા મળે છે. છતાં પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં અખાડા થતા હોવાથી નગરજનોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
પેટલાદ પાલિકામાં સેનેટરી, ડ્રેનેજ, વોટર વર્કસ, બાંધકામ, ટેક્સ વગેરે વિભાગોની જવાબદારી વિશેષ હોય છે. આવા વિભાગોમાં છેલ્લા બે – ત્રણ વર્ષ દરમિયાન અનેક કાયમી કર્મચારીઓ નિવૃત થયા છે. જેમા હિતેશ પટેલ (ટેક્સ), મકસુદઅલી સૈયદ (સેનેટરી), મફતભાઈ પટેલ (ડ્રેનેજ), વિલિયમભાઈ પરમાર (સેનેટરી), અરવિંદભાઈ પટેલ (બાંધકામ) સહિત પટાવાળા, સફાઈ કામદારો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ વોટર વર્કસના એન્જીનિયર મહેશભાઈ પટેલ વિદેશ જવાના કારણે આ વિભાગનો ચાર્જ હાર્દિક પટેલને આપવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં હાર્દિક પટેલ પણ વિદેશ જતા આ વિભાગ હાલ રામ ભરોસે ચાલે છે. તેવી જ રીતે સેનેટરી, ડ્રેનેજ, બાંધકામ જેવા વિભાગોમાં પણ સિનિયરો નિવૃત થતા વહિવટ કથળી રહ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે આગામી બે વર્ષમાં સુનિલભાઈ કાછિઆ (ટેક્સ), વિકેશભાઈ પટેલ (ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ), જીતેશભાઈ પટેલ (બાંધકામ), ફૈયાઝભાઈ કાજી (ટેક્સ) જેવા મહત્વના વિભાગોમાંથી કર્મચારીઓ નિવૃત થવાના છે. એટલે કે આવનાર સમયમાં મહત્વના તમામ વિભાગોની જવાનબદારી જૂનિયર કર્મચારીઓના માથે રહેશે. હાલ પેટલાદ શહેરનો વહિવટ જે રીતે કથળી રહ્યો છે તે મુજબ આવનાર સમયમાં પ્રાથમિક સુવિધાઓ સહિત વિકાસલક્ષી કામોમાં મોટી રૂકાવટ આવે તો નવાઈ નહી. જાે કે હાલ પણ વર્તમાન સત્તાધિશોના કાર્યકાળ દરમિયાન વિકાસ થંભી ગયો હોવાની વાત ટોક હોફ ટાઉન છે.