Madhya Gujarat

તાઉટેની તારાજી

આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી.

આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાઉતે વાવાઝોડાના કારણે રસ્તાઓ ઉપર વીજ થાંભલાઓ અને વક્ષો પડી જવાના બનાવો બનવા પામ્યા હતા. જેના કારણે માર્ગો પણ વાહન વ્યવહાર તેમજ રાહદારીઓ માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા. હજુ પણ શહેર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારો વીજ પુરવઠો ખોરવાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામ અને સીસ્વા તરફ જવાના માર્ગ ઉપર ગત રાત્રિના સુમારે વર્ષો જુનું લીમડાનું તોતીંગ વૃક્ષ ધરાશાયી થઇ જવાના કારણે આ માર્ગને પંચાયત દ્વારા તાત્કાલિક અસરથી વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

ભાદરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહિપતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગત રાત્રિના સુમારે ફૂંકાયેલા ભારે પવનથી ભાદરણ સીસ્વા  માર્ગ ઉપર વર્ષો જુનું લીમડાનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે આ માર્ગ ઉપર કોઇ પણ જાતની જાનહાની થઇ નથી. પરંતુ આ માર્ગની બંને બાજુ આવેલ વીજ થાંભલાઓ વૃક્ષ પડવાને કારણે  માર્ગ પર પડી ગયા હતા. જેની તાત્કાલિક જીઇબી કચેરીને જાણ કરાતાં તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી કોઇ જાનહાની ન થાય.

ત્યારબાદ આજે વહેલી સવારના સુમારે બે જેસીબી મશીન અને ઇલેક્ટ્રીક કટર વડે તાત્કાલિક અસરથી આ લીમડાના વૃક્ષને કાપીને દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ વીજ થાંભલાઓ પડી જવાના કારણે હાલમાં ભાદરણ ગામમાં વીજ પૂરવઠો બંધ છે. પરંતુ જીઇબીના કર્મચારીઓ દ્વારા સત્વરે ગામમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટેની કામગીરી કરી રહ્યા છે.

તાઉટેના પ્રકોપથી ખેડૂતોના પાકને પહોંચ્યું ભારે નુકશાન

રાજ્યમાં ગત તારીખ 15ના રોજ ત્રાટકેલ તાઉટે વાવાઝોડાના પ્રકોપના લીધે સૌરાષ્ટ્ર સહિત અન્ય જીલ્લાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. અસંખ્ય વીજ થાંભલાઓ તેમજ વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે.

આણંદ જિલ્લામાં શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ માર્ગો ઉપર વીજ થાંભલાઓ અને વૃક્ષો પડવાની ઘટનાઓ બનવા પામી હતી. જેના લીધે વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો દ્વારા તૈયાર થયેલ બાજરીના ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું હતું.  ત્યારે નવાખલના ખેડૂત રમેશભાઇ ઠાકોરે પોતાની આપવીતી જણાવી હતી કે મારા બે ખેતરમાં કે જે એક બે વીઘાં નવાખલ ઉમેટા રોડ ઉપર આવેલ છે. તેમાં બાજરીનો તૈયાર પાક વાવાઝોડાની અસરને લીધે જમીન પર પડી ગયો છે. જ્યારે બીજી એક ખેતર કે જેમાં સાડા ત્રણ વીઘાંમાં પણ બાજરીનો પાક તૈયાર થઇ ગયો હતો, પરંતુ તેમાં પણ ભારે પ્રમાણમાં નુકશાન થયું છે. સરકાર દ્વારા આ વિસ્તારના તમામ ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

ખાનપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતાં ચોમાસું માહોલ

ખાનપુર તાલુકામાં સોમવારે અને મંગળવારના રોજ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે પ્રજાજનોને ગરમીમાંથી રાહત મળી હતી.ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ ને તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.ત્યારે તેની અસર ખાનપુર તાલુકા સહિત જીલ્લાઓમાં પણ જોવા મળી છે.તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો.પ્રજાજનોને પણ ચોમાસાની ઋતુ જેવો એહસાસ થયો હતો.

સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ દિવસ દરમિયાન હોવાથી અનેક લોકો ઘરની બહાર નીકળ્યા ન હતા પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ રહેતા ગરમી થી પ્રજાજનોને રાહત મળી હતી.કમોસમી વરસાદને લીધે કેરી , બાજરી, સહિતના અન્ય પાક  શાકભાજી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાવાઝોડા તેમજ વરસાદી માહોલ વચ્ચે  તાલુકા ગામોમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી.  વાવાઝોડાના કારણે કોઈ જાનહાની કે કાચા મકાનો ને નુકસાન ન થવા પામતા રાહતનો શ્વાસ લીધો હતો.

તૌકતે વાવાઝોડાથી સર્જાયેલી હોનાતરમાં અસરગ્રસ્ત બનેલાં લોકોને મંદિર તરફથી મદદ પહોંચાડવામાં આવી રહી છે

નડિયાદ, કુદરતી આફત કે મહામારી દરમિયાન જ્યારે માનવ જીવ મુશ્કેલીમાં મુકાય તેવા સમયે નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોકોની મદદ માટે હંમેશા તત્પર હોય છે. મુશ્કેલીના સમયે લોકોને ખાવા-પીવા, રહેવા તેમજ મેડિકલ સહિતની વ્યવસ્થા કરી આ બંને મંદિર તરફથી માનવસેવાનો ધર્મ નિભાવવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આ બંને મંદિરો દ્વારા ખેડા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ તાજેતરમાં ગુજરાતમાં ત્રાટકેલાં તૌકતે વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત પામેલાં લોકોની મદદ માટે વડતાલનું શ્રી સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું શ્રી સંતરામ મંદિર આગળ આવ્યું છે.

નડિયાદમાં સ્થાળાંતર કરાયેલાં 1000 જેટલાં વ્યક્તિઓને શ્રી સંતરામ મંદિર તરફથી ભોજન

ગુજરાત રાજ્યમાં ત્રાતકેલાં તૌકતે વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પહેલેથી જ નડિયાદ શહેરમાં ઝુપડપટ્ટી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં 1000 જેટલાં લોકોનું સ્થાળાંતર કરાવી દેવામાં આવ્યું હતું.

પોતાનું રહેઠાણ છોડી અન્ય ઠેકાણે આશ્રય પામનારાઓનો ભોજનની વ્યવસ્થાની જવાબદારી શ્રી સંતરામ મંદિરે ઉઠાવી લીધી હતી. મંદિર તરફથી છેલ્લાં ત્રણ દિવસથી 1000 જેટલાં લોકોને સવાર-સાંજ ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. તદુપરાંત કોરોના મહામારીને પગલે હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દીઓ અને તેમના સબંધીઓને પણ મંદિર તરફથી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 3000 ફુડપેકેટ મોકલાશે

તૌકતે વાવાઝોડાને પગલે ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે નુકશાન પહોંચ્યું છે. અનેક પરિવારો ઘરવિહોણા બન્યાં છે. આવી મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરી રહેલાં લોકો માટે નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં તાત્કાલિક ધોરણે રસોડું ચાલુ કરી મસાલા પુરી, ગાંઠીયા તેમજ મીઠાઈ સાથેના પ્રસાદરૂપી ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ તેમજ સત્સંગીઓના સહિયારા પુરૂષાર્થથી અત્યાર સુધીમાં 3000 જેટલાં ફુડપેકેટ તૈયાર  કરી દેવામાં આવ્યાં છે. જે હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે.

Most Popular

To Top