Charchapatra

નખશીખ સજ્જન, જ્ઞાની રાજકારણીની વિદાય

આમ તો રાજકારણી વ્યક્તિ માટે સજ્જન અને જ્ઞાનીનું વિશેષણ વાપરવું હોય તો તે અશક્ય ના હોય તો પણ એક પ્રશ્ન જરૂર ઉપજાવે કે કોને માટે આ વિશેષણો વાપરવાં. વર્ષોનાં વ્હાણાં વાયા પછી શ્રી અટલબિહારી બાજપાઈ પછી આ વિશેષણોનો ઉપયોગ કરવાની ભાગ્યે જ કોઈ આશા દેખાતી હતી, પણ શ્રી બાજપાઈથી સવાયા ડો. મનમોહનસિંહ માટે વાપરવાનું યોગ્ય લાગ્યું છે. તેઓનું જ્ઞાન, તેઓની કર્તવ્યનિષ્ઠા, તેઓનો વિવેક અને સ્વભાવની સૌમ્યતા ક્યારેય ભુલાય તેમ નથી. મારી વયને કારણે સ્મૃતિલોપ જરૂર થયો છે અને એ પણ ફક્ત વર્ષ યાદ નથી.

છતાં, જીવનભારતીના રંગભવનમાં ડો, સિંહનું એક વ્યાખ્યાન યોજાયુ હતું. આ આખું વ્યાખ્યાન મેં બરોબર સાંભળ્યું હતું. વ્યાખ્યાનમાં તેમણે કહેલી કોંગ્રેસની નીતિની વાતો, કે દેશના રાજકીય ભાવિ, વર્તમાન અને ભૂતકાળની બધી વાતો દરમ્યાન એમના વ્યાખ્યાન દરમ્યાન એક પણ શબ્દ વિરોધીઓની ટીકા માટે કે એક પણ શબ્દ કોઈની વ્યક્તિગત નીતિઓ પ્રત્યે વપરાયો નહોતો. વળી કોઈને માટે કોઈ ઉપનામ પણ ક્યારેય વાપર્યું હોય તેવું વ્યાખ્યાનમાં તો ન જ સંભળાયેલું પણ એઓના કોઈ પણ હોદ્દાના કાર્યકાળનાં વખતમાં કોઈ દૈનિકમાં કે કોઈ ટી.વી. ચેનલ પર જાહેર થયું હોય તેવું મારા ધ્યાનમાં નથી.

આ દેશની ઉદારીકરણની નીતિનો તથા છેવાડાનાં અને સમગ્ર ભારતનાં તમામ નાગરિકોનું અગત્યનું એવું ઓળખપત્ર, આધાર કાર્ડ, આર. ટી. આઈ. અને રાઈટ ટુ એજ્યુકેશન જેવી મહત્ત્વની નીતિઓનો શિલાન્યાસ ડો મનમોહનસિંહે જ કર્યો હતો. પ્રજા જ્યારે પણ એમને ટી. વી. પર કોઈ પણ કાર્યક્રમમાં જોતી ત્યારે તેઓને ક્યારેય છાતી ફુલાવીને અને નજરમાં રોફ દેખાયો નથી. ખૂબ જ નમ્ર બોડી લેન્ગ્વેજ,ખૂબ ઓછું બોલનારા અને મક્કમતાથી ફરજ નિભાવતા ડો. મનમોહનસિંહને શત શત પ્રણામ.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top