વિપક્ષો દ્વારા જેની માંગણી કરવામાં આવી રહી હતી અને નરેન્દ્ર મોદીએ જે માંગણી માની લીધી તેવી જાતિગત વસતી ગણતરી સાથે દેશની વસતી ગણતરીનો આગામી તા.1લી માર્ચ, 2027માં પ્રારંભ થશે. આ પહેલા ઓક્ટોબર 2026થી 4 રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જાતિગત વસતી ગણતરી કરવામાં આવશે. કેન્દ્રએ 1 મહિના પહેલા જાતિગત વસતિ ગણતરીની જાહેરાત કરી હતી. હવે બે તબક્કામાં જાતિગત વસતી ગણતરી સાથે વસતી ગણતરી કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જાતિ વસતિ ગણતરી સાથે વસતિ ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંબંધિત સૂચના 16 જૂન, 2025 સુધીમાં સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. કેન્દ્રએ 30 એપ્રિલ, 2025ના રોજ જાતિ વસતિ ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી દેશમાં આ પ્રથમ જાતિ વસતિ ગણતરી હશે. દેશમાં છેલ્લી વસતિ ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 2021માં વસતી ગણતરી કરવાની હતી પરંતુ કોરોનાને કારણે તે સમયે વસતી ગણતરી કરી શકાય નહોતી.
અગાઉ સને 2011માં મનમોહન સિંહ સરકાર દ્વારા સામાજિક-આર્થિક અને જાતિગત વસતિ ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ગણતરી માટે તે સમયે ગ્રામીણ વિકાસ મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. જોકે, તે સમયે ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર ફક્ત તેનો SC-ST ઘરગથ્થુ ડેટાજ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ સર્વેક્ષણનો સંપુર્ણ ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો. જાતિગત વસતી ગણતરી માટે સરકારે કાયદામાં પણ સુધારો કરવો પડશે. 1948ના વસતિ ગણતરી કાયદામાં SC-STની ગણતરી કરવાની જોગવાઈ છે. હવે તેમાં OBCની ગણતરી પણ ઉમેરાશે. આનાથી OBCની 2,650 જાતિઓનો ડેટા બહાર આવશે.
2011ની વસતિ ગણતરી મુજબ, 1270 SC અને 748 ST જાતિઓ છે. 2011માં SC વસતિ 16.6% અને ST 8.6% હતી. પરંતુ હવે નવી વસતી ગણતરીમાં આ આંકડાઓમાં મોટો બદલાવ આવે તેવી સંભાવના છે. અગાઉ થયેલી વસતી ગણતરી વખતે તેના ફોર્મમાં 29 કોલમ હતી. જેમાં ફક્ત SC-ST વિગતો ભરવાની હતી પરંતુ આ વખતે ફોર્મમાં અનેક વધારાની કોલમો પણ આમેજ કરવી પડશે.
સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીની માંગને સ્વીકારી લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જાતિગત વસતી ગણતરી બાદ દેશનો રાજકીય નકશો સંપુર્ણપણે બદલાય જાય તેવી સંભાવના છે. રાજકારણીઓ માટે મોટો મુદ્દો હાથવગો લાગશે. કારણ કે 80ના દાયકામાં જાતિ આધારિત રાજકારણ વધી ગયું હતું. આ રાજકારણને કારણે અનેક પ્રાદેશિક પક્ષો પણ નવા બન્યા હતા. આ પક્ષો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નોકરીઓમાં અનામત માટે ભારે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 1979માં ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાના મુદ્દાની તપાસ કરવા માટે મંડલ કમિશનની રચના કરી હતી.
મંડલ કમિશને OBC માટે અનામતની ભલામણ કરી. જે લાગુ કરવાને કારણે મોટાપાયે અનામત આંદોલન પણ થયા હતા. આ કારણે જ આ વખતે જાતિગત વસતી ગણતરી થયા બાદ અનેક નવા સમીકરણો રચાવાની સંભાવના છે. સામાજિક લેવલે અનેક નવા ગ્રુપોની રચના થવાની સાથે સાથે વર્ગવિગ્રહ પણ વધવાની સંભાવના જોવાઈ રહી છે. બની શકે છે કે સરકાર દ્વારા આ જાતિગત વસતી ગણતરી કરવામાં આવ્યા અનામતના અનેક ક્રાઈટેરિયા પણ બદલવા પડશે.
જાતિગત વસતી ગણતરી એ એક જ્વાળામુખી સમાન છે. હાલમાં ભલે વિપક્ષે માંગણી કરી અને મોદીએ સ્વીકારી લીધી પરંતુ તેનો ખરો અમલ થયા બાદ રાજકારણ વધુ ઘેરું બનવાની સંભાવના છે. બની શકે છે કે અનેક રાજકીય પક્ષોનો એજન્ડા પણ બદલાઈ જાય. જાતિગત વસતી ગણતરી બાદ શક્ય છે કે અનામતની અંદર પણ અનામતની જોગવાઈ કરવામાં આવે. આ કારણે જેમને અનામત મળતી જ નથી અને જેને મળે છે તેવા વર્ગોમાં પણ અસંતોષની આગ ભડકી શકે છે. અનામતનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે ત્યારે આ જાતિગત વસતી ગણતરી બાદ ઊભી થનારી પરિસ્થિતિ અનેક રાજકીય પક્ષો અને રાજકારણીઓની કસોટી કરશે તે નક્કી છે.