વિશ્વની જૂની લોકશાહી દેશ મનાતા સુપરપાવર એવા અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ઘરમાંથી ગુપ્ત દસ્તાવેજો મળવાને કારણે પોતાની જ અમેરિકન સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ છે જે ઘટના લોકશાહીની ચરમસીમા સમાન જ ગણી શકાય. અમેરિકી પ્રમુખ જો બાઇડેને આ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપેલ છે જે અભિનંદનને પાત્ર જ ગણી શકાય. આવી લોકશાહી રીતની બીજી ઘટના બ્રિટનની બનેલ છે.
બ્રિટનના વડા પ્રધાન રિશી સુમેક કારમાં બેસીને એક વિડીયો બનાવ્યો હતો એ દરમ્યાન તેમણે થોડી ક્ષણો માટે સીટ બેલ્ટ કાઢી નાંખ્યો હતો. બ્રિટનના વિપક્ષના નેતાઓએ આ વિડીયો શેર કરીને રિશી સુનકની ઝાટકણી કાઢી હતી જેનો વિવાદ થતાં બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે માફી માંગી હતી અને બધાને સીટ બેલ્ટ પહેરવાની અપીલ કરેલ હતી. સીટ બેલ્ટ ન પહેરવા બદલ રિશી સુનકને નિયમાનુસાર 100 પાઉન્ડનો દંડ પણ થયો હતો.
આવી નોંધપાત્ર ખેલદિલી માટે વડાપ્રધાન રિશી સુનક અભિનંદનને પાત્ર છે. ઉપરોકત અમેરિકા અને બ્રિટનની ઘટનાઓએ માત્ર પોતાના દેશમાં જ નહીં પણ વિશ્વમાં નોંધપાત્ર સંદેશો આપેલ છે જેમાં સત્તા પરના સર્વોચ્ચ નેતાઓએ કાયદાના અને લોકશાહીના હિતમાં તપાસમાં સહકાર આપવાની વાત કરેલ છે. આપણા દેશમાં શાસક પક્ષના નેતા પર હાથ નાંખતા પણ સરકારી એજન્સીઓ વિચાર કરતી હોય છે ત્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યકિતને ત્યાં દરોડા પડાય કે કાર્યવાહી કરાય તેવી આશા જ ન રાખી શકાય. જે દિવસે દેશમાં આ શકય બનશે તે દિવસે વિશ્વની મોટી લોકશાહી એવા આપણા ભારત દેશનું નામ વિશ્વની જૂની લોકશાહી દેશ અમેરિકા સમાન ગણી શકાશે. આપણા દેશમાં આવી ઘટનાઓની શરૂઆત હવે મોડે મોડે પણ કરવાની જરૂર છે જેથી દેશનાં નાગરિકોમાં આવું સાચું કરવાની પ્રેરણા પ્રાપ્ત થઇ શકે. દેશના સર્વોચ્ચ નેતાઓનો આવો એક દાખલો સમાજ માટે પ્રેરક બનતો
હોય છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્ટ્રીટ લાઈટ પૂરેપુરું અજવાળું થાય ત્યાં સુધી ચાલુ રાખો
નવસારી લૂણસીકૂઈ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અજવાળું થાય ત્યાં સુધી સળગતી રહેવી જોઈએ. એ લાઈટ વહેલી બંધ કરી દેવામાં આવે છે. જેને કારણે મોર્નિંગ વોકમાં આવતા સ્ત્રી, પુરુષ, વૃધ્ધો અને વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે. ગંભીર અકસ્માત થવાની પુરી શકયતા છે. આ ઉપરાંત મોબાઈલને ઝૂંટવીને ચોરી થવાની પણ શકયતા છે. સ્ત્રીઓના ઘરેણાંની પણ ચોરી થઈ શકે છે. આથી લાગતા વળગતા ખાતાવાળાને નમ્ર વિનંતી છે કે સ્ટ્રીટ લાઈટ પૂરેપુરું અજવાળું થાય ત્યાં સુધી ચાલુ રાખે. એમ કરવાથી સર્વને ફાયદો થશે અને દરેકની સલામતી સચવાશે.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.