વર્તમાન સમયમાં બાળકોથી માંડીને વૃધ્ધો અને સ્ત્રીઓમાં સહનશકિત અને સંઘર્ષ શકિત ઓછી થતી જાય છે.પરિણામ એ આવે છે કે,આવા લોકો આત્મહત્યાનું પગલું ભરી બેસે છે.આજના બાળકોમાં શારિરીક શકિત અને સહનશકિત બંને ઘટી રહ્યાં છે.બાળક પોતાની વાતને જ સાચી માને છે.વડીલોને બુધ્ધિવગરનાં ગમાર સમજે છે.શાળાએ જતું બાળક અને શાળાએથી પરત ફરતું બાળક પોતાનું દફતર ઉપાડી શકતું નથી અને વાલી પાસે ઉપાડાવે છે.આ બાળક ભવિષ્યમાં લશ્કરમાં જોડાઈને હથિયારોનો ભાર ઉપાડી શકવાનું છે!
વળી આજનું બાળક માનસિક રીતે પણ કોઈ વસ્તુ સહન કરવા તૈયાર નથી.એ જે કરે છે તે બરાબર જ કરે છે એમ માને છે.નાનો અમથી ઠપકો પણ તેનાથી સહન થઈ શકતો નથી અને વાતે વાતે મરી જવા તૈયાર થઈ જાય છે અને કેટલાક તો આત્મહત્યા પણ કરી લે છે.બાળકો હોય કે સ્ત્રીઓ હોય,તેઓ પરિસ્થિતિને સમજવા પ્રયત્ન કરતા નથી.વૃધ્ધો પણ તેમના જૂનવાણી વિચારો સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.
આજની શહેરની છોકરીઓ ગામડાના છોકરાને ગામડે પરણવા તૈયાર નથી.ગામડું તેમને નર્ક જેવું લાગે છે.પિતાના ઘરે મળેલી બધી છૂટછાટો પતિના ઘરે જોઈએ છે અને ન મળે તો છૂટાછેડા લેવા છે અને તે ન મળે તો આત્મહત્યાનું પગલું ભરીને સાસરીયાને બદનામ કરવા છે.સાસરે કામ નથી કરવું અને સાસરે આવેલી ભાભીને કામવાળીની જેમ કામ કરાવવું છે.વળી,ગરીબો જેટલી આત્મહત્યા નથી કરતા તેનાથી વધારે અમીરો કરે છે.
અમીરો બેનંબરનો રૂપયો ભેગો કરે છે અને પકડાય જવાના થાય ત્યારે આત્મહત્યા કરી લે છે.ગરીબોમાં સહનશકિત વધારે હોય છે એટલે ભિખારીઓ આત્મહત્યા નથી કરતા.આજે લોકોને શહનશકિત કેમ રાખવી અને કોઈપણ સંજોગોમાં ટકી કઇ રીતે રહેવું તેના જ્ઞાનની જરૂર છે.માણસ જ્યાં હોય અને જે પરિસ્થિતિમાં હોય તેને અનુરૂપ થતાં તેને આવડે તો તે જ્યાં હોય ત્યાં પોતાનું જીવન સ્વર્ગ જેવું બનાવી શકે છે.સહનશકિત જેવું કોઈ બળ નથી અને તે સાચા જ્ઞાનથી આવે છે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.