Comments

શિક્ષણક્ષેત્રનું પતન જ સમાજનું પતન નોતરશે

નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે પૂરું! એક તરફ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ અને પરીક્ષણનું ટેન્શન અનુભવે છે. પ્રવેશ માટે પડાપડી થાય છે અને વિદ્યાર્થીઓમાં પરીક્ષા-પરિણામનું ટેન્શન આપઘાત સુધી પહોંચે છે. બીજી તરફ કોલેજ-યુનિવર્સિટી કક્ષાનું પરીક્ષણ મૂલ્યાંકન સાવ પતનના આરે પહોચ્યું છે! સરકારે કરવાના અગત્યના કામમાં શિક્ષણની ગુણવત્તા સૌથી અગત્યના ક્રમે છે.

શિક્ષણની ચિંતા અને નિસ્બત ધરાવતા સૌ એ પરીક્ષા ટાંકણે કોલેજ યુનિવર્સિટીનો રૂબરૂ જઈને નજારો જોવા જેવો હોય છે. આમ તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ પછી શિક્ષણ અને સંશોધનની નવી દિશાઓ ખૂલી છે. પણ આપણી કમનસીબી એ છે કે આપણા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ સાયન્સ-ટેક્નોલોજીનો ઉપયોગ ‘‘માઈક્રોઝેરોક્ષ’’કોપી કઢાવવા માટે કરી રહ્યા છે. આપણાં ‘વિદ્યાલયો’જાણે કાપલીના ભંડારો બનવા લાગ્યા છે. કોલેજ, યુનિવર્સિટીનાં મેદાનો અને રસ્તાઓ પર પરીક્ષામાં કોપી કરવા તૈયાર થયેલી ‘‘માઈક્રો ઝેરોક્ષ’’ના ઢગલા પડ્યા હોય છે. આ માત્ર કાગળનો કચરો નથી, શિક્ષણનો કચરો છે. આપણી નૈતિકતાનો કચરો છે. આ અટકાવવું પડશે. સૌ એ સાથે મળીને અટકાવવું પડશે. પરીક્ષમાં ચોરી જેવા મુદ્દા પર લેખ કે પ્રવચન કરવા પડે તે જ શરમજનક છે. પણ સ્થિતિ એ હદે બગડી છે કે આંખ-આડા કાન થઈ શકે તેમ નથી.

ગુજરાતમાં શ્રીમતી આનંદીબહેન પટેલ શિક્ષણમંત્રી હતા ત્યારે ધોરણ દસ તથા બારની બોર્ડની પરીક્ષામાં કડક પરીક્ષણ શરૂ કર્યું. સરકારે કેન્દ્રિય ધોરણે ‘‘પરીક્ષા સ્ક્વોડ’’ની રચના કરી. પરીક્ષાકેન્દ્રો પર કેમેરા લગાવ્યા અને સી.સી.ટી.વી. કેમેરામાં ચોરી કરતાં પકડાતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નપાસ કરવા જેવી સજા કરી. હવે પરીક્ષાકેન્દ્રો પર વિદ્યાર્થીને પ્રવેશ વખતે જ તપાસી લેવામાં આવે છે.

એવું નથી કે દસમા બારમામાં પરીક્ષામાં બિલકુલ ગેરરીતિ થતી નથી. પણ તેમાં ઘટાડો જરૂર થયો છે. દસમા અને બારમાની પરીક્ષા આપતો વિદ્યાર્થી એવો નચિંત નથી હોતો કે આખું વર્ષ નહીં ભણીએ તો વાંધો નહીં, પરીક્ષામાં ચોપડીઓની માઈક્રો ઝેરોક્ષ લઈને બેસી જઈશ! જ્યારે ગુજરતના ઉચ્ચ શિક્ષણમાં આ દૂષણ વ્યાપક બનવા લાગ્યું છે. એમાંય અંતરિયાળ ગામડાની કોલેજો, સેલ્ફ ફાયનાન્સ કોલેજો તો જાણે આ સિસ્ટમથી જ પરીક્ષા લે છે. શહેરોમાં નામાંકિત કોલેજોમાં પ્રમાણ ઓછું છે. ખુલ્લેઆમ નથી, પણ સાવ નથી એવું નથી. મૂળ વાત છે શિક્ષણમાં નૈતિકતાના સંપૂર્ણ અધ:પતનની શરૂઆત થાય છે. યુનિવર્સિટીને મળેલી સ્વાયત્તતાઓની!

નવી આર્થિકનીતિ મુજબ યુનિવર્સિટીઓ સેલ્ફ ફાયનાન્સ કોલેજોને મંજૂરી આપી શકે છે. હવે યુનિવર્સિટીના સીટીવાળા જમીન, મેદાન, મકાન, લાયબ્રેરી, યોગ્યતાવાળા સ્ટાફ અને ચૂકવાતા પગારની ચકાસણી કરીને કોલેજો કે કોલેજમાં ચાલતા કોર્સ માટે મંજૂરી આપે છે. ‘‘રૂપિયો નાચ નચાવેતા’’નામે મંજૂરીના સોદા થાય છે. સત્તાવાળાઓ વફાદાર લોકોને યુનિવર્સિટીમાં નિયુક્ત કરે પછી આ વફાદાર લોકો સ્થાપિત હિતોને કોલેજ-કોર્સ શરૂ કરવાની મંજૂરી આપે. પછી ભલે ને એ સંસ્થા પાસે મકાન ન હોય, લાયકાતવાળો સ્ટાફ ન હોય, કોલેજ શરૂ થઈ જાય. સત્તાવાળાનું નૈતિક પતન પછી વારો આવે છે.

ભણવા ન માંગતાં છતાં ડીગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થી વાલીઓનો જેઓ ઈચ્છે જ છે કે કોલેજમાં માત્ર ફી ભરીએ અને પરીક્ષા આપી ડીગ્રી મેળવીએ. એક એવો વર્ગ છે જે ઈચ્છે જ છે કે નિયમિત કોલેજ ન જવું પડે, નિયમિત વાંચવું લખવું, પ્રેક્ટિકલમાં હાજર રહેવું ન પડે! આવાં લોકો આવી કોલેજમાં એડમિશન લઈ લે. એટલે પરીક્ષા સમયે ત્રીજું પતન થાય તે એ કે સંચાલકો, કાગળ પરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સૌ કોપી કરીને પરીક્ષા આપવા થનગને. અહીં ફરી રૂપિયા લઈને મંજૂરી આપનારા સત્તાવાળા મદદરૂપ થાય!

આમ તો યુનિવર્સિટી પરીક્ષામાં પણ યુનિ. દ્વારા નિયુક્ત ‘‘સ્કવોડ’’હોય છે. સિનિયર સુપરવાઈઝર અને બ્લોક સુપરવાઈઝર હોય છે પણ આ ત્રણેયના અસ્તિત્વ અને સ્વમાનને ઓગળી નાખીને બ્લોકમાં ‘‘માઈક્રોઝેરોક્ષ’’હોય છે. જેમાંથી વિદ્યાર્થી નિરાંતે પેપર લખતો હોય છે. આ લખાયેલાં પેપરો પછી આ જ ‘‘નૈતિકતાના વાતાવરણમાં’’તપાસાય છે કોઈ કલાકના ‘‘ત્રીસ’’પેપર તપાસે છે કોઈ ‘‘પચાસ.’’

આપણે રાજ્યોમાં ચૂંટણી આવે ત્યારે કોઈ પોતાની પડતર માંગણીઓ પૂરી થાય તેવું ઈચ્છે છે. કોઈ રોડ-રસ્તા-પાણી ઈચ્છે છે. કોઈ સામાજિક સલામતી ઈચ્છે છે, કોઈ ધાર્મિક મુદ્દાઓ ઈચ્છે છે, પણ સમાજના અંતરમનને મજબૂત કરનાર નૈતિકતા સાથેની શિક્ષણવ્યવસ્થાની માંગ કોઈ નથી કરતું. પરિણામે ખરેખર અભ્યાસુ અધ્યાપકે, સતત અભ્યાસરત વિદ્યાર્થીઓ અને નિષ્ઠા તથા નિ:સ્વાર્થી પરીક્ષા લેવા માંગતાં લોકો-કોલેજો-સંચાલકો ધર્મ સંકટમાં મૂકાયા છે. ‘‘સાહેબ, આપણે કડક પરીક્ષણ- મૂલ્યાંકન કરીશું તો આપણા જ છોકરાંનાં પરિણામ બગડશે. નીચા આવશે ‘‘પેલા’’તો જુઓ બધું લખાવી જ દે છે.’’ આ દલીલ વ્યાપક બની રહી છે. શું આ સારો બચાવ છે! આપણે  સ્પર્ધા કરવા લાગ્યાં છીએ અને સરકાર કે જે શિક્ષણમાં રોજ ચંચુપાત કરે છે તે આ પતન માટે સાવ ચૂપ જ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top