પાકિસ્તાન સતત આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી અને દેશભક્તિના ભાવ સાથે લોકો સેના સાથે ખભે ખભો મિલાવતાં રહ્યા. લોકોને લાગતું હતું કે ભારત હવે પાકિસ્તાનને કરારો જવાબ આપશે. આવા સંજોગોમાં, જ્યારે સમગ્ર વિશ્વ – ચીન સિવાય – ભારતના ટેકામાં ઊભું હતું, ત્યારે અચાનક જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દખલધખલથી ભારતે યુદ્ધ વિરામનો નિર્ણય જાહેર કર્યો. દેશના ઘણા વર્ગો માટે આ નિર્ણય આઘાતજનક રહ્યો.
લોકો માટે પ્રશ્ન ઊભો થયો કે આતંકવાદ સામે લડી રહેલા ભારતે શાંતિની રીત કેમ અપનાવી? પરંતુ જો આ નિર્ણયને વ્યૂહાત્મક દૃષ્ટિએ જોવામાં આવે, તો શક્ય છે કે ભારતે આ પગલું આંતરરાષ્ટ્રીય દબાણ અને નીતિકીય જમાવટના ભાગરૂપે ભર્યું હોય. યુદ્ધની ભયંકરતાને ટાળવી પણ એક પ્રબળ રાજકીય કળા છે. જોકે બીજી તરફ, પાકિસ્તાન એકતરફી ઘૂસણખોરી અને યુદ્ધ જેવા માહોલને યથાવત્ રાખીને પોતાની મનમાની ચાલુ રાખી રહ્યું છે. આર્થિક, રાજકીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પોતાનું મક્કમ વલણ દાખવ્યું છે, પણ હવે દેશજનોની નજર ભારતના આગામી પગલાં તરફ છે. યુદ્ધવિરામ સદા માટે શાંતિ લાવશે કે ફક્ત એક સમયનો વિરામ છે, તે સમય જ જણાવી દેશે
અમદાવાદ – કે.ડી. સેદાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.