કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે જ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો, આ સમયે જ આઈપીએલ પણ રમાડવામાં આવી પરંતુ હાલમાં જ્યારે કોરોના કહેરમાં બીજી લહેરમાં કેસ ઘટી રહ્યાં છે ત્યારે જ કેન્દ્ર સરકારે સીબીએસઈ અને ગુજરાત સરકારે જીએસઈબીની ધો.12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરીને હોંશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દીને મોટો ધક્કો પહોંચશે. કોરોનાને કારણે ધો.12ની પરીક્ષા અને તેમાં પણ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે મહત્વની રહેતી આવી છે. આમ તો મેડિકલ-પેરા મેડિકલ માટે ધો.12 બાદ નીટ અને એન્જિનિયરિંગ માટે ધો.12 બાદ જેઈઈની પરીક્ષા લેવામાં આવે જ છે પરંતુ અન્ય કોર્સ માટે ધો.12ની પરીક્ષા મહત્વની રહેતી હતી. ધો.12 સાયન્સની પરીક્ષાના માર્કસના આધારે જ અન્ય અનેક કોર્સમાં પ્રવેશ આપી શકાતો હતો. પરંતુ હાલમાં સીબીએસઈનું જોઈને ગુજરાત સરકારે પણ ઈતિહાસમાં પ્રથમ વખત ધો.12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેણે અનેક નવી સમસ્યાઓ પણ ઊભી કરી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા નહીં યોજવાની સરકારીની તૈયારીએ પરીક્ષા રદ કરાવી છે તેવું માની શકાય તેમ છે. સીબીએસઈ દ્વારા છેલ્લા ત્રણ વર્ષના માર્ક્સના આધારે માર્કશીટ તૈયાર કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ ગુજરાત બોર્ડ દ્વારા શું કરાશે તે હજુ સુધી નક્કી નથી. પરીક્ષા રદ કરવામાં આવી છે પરંતુ માસ પ્રમોશન નહીં અપાય તે ચોક્કસ છે અને માર્કશીટ જરૂર અપાશે. ત્યારે છેલ્લાં બે વર્ષ મહેનત કરનાર વિદ્યાર્થીની તેની અપેક્ષા પ્રમાણે માર્કશીટ નહીં મળે તે નક્કી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં શિક્ષણની સ્થિતિ નબળી છે. દરેક રાજ્યની પોતાની શિક્ષણની પદ્ધતિ છે. ધો.12 સુધી જે તે રાજ્ય શિક્ષણ પોલિસી બનાવે છે. થોડા વર્ષોથી ધો.12ની પરીક્ષામાં કેન્દ્રીય સ્તરે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે. છતાં પણ દેશમાં ધો.12ની પરીક્ષા લેવા માટે ત્રણ-ત્રણ બોર્ડ છે.
આઈસીએસઈ, સીબીએસઈ અને ગુજરાતમાં જીએસઈબી. ગુજરાતની જેમ દરેક રાજ્યના પોતાના અલગ શિક્ષણ બોર્ડ છે. પહેલા એન્જિનિયરિંગ અને મેડિકલમાં જે તે રાજ્યોની ધો.12ની પરીક્ષાના આધારે જ પ્રવેશ આપવામાં આવતાં હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય સ્તરે પરીક્ષા લઈને પ્રવેશ આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. આના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના પણ કરવામાં આવી છે. જે પરીક્ષા લે છે. આ વખતે અનેક રાજ્યો દ્વારા પોતાના બોર્ડની ધો.12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે સીબીએસઈ બોર્ડની પરીક્ષા તાજેતરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કમિટી દ્વારા રદ કરાઈ છે. તેનાથી વિપરીત ગુજરાત સરકાર દ્વારા ધો.12ની પરીક્ષા લેવાશે જ તેવી અગાઉ જાહેરાત કરી હતી. ત્યાં સુધી કે પરીક્ષા માટેના ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયાં હતાં. પરંતુ મોદીએ સીબીએસઈની પરીક્ષા રદ કરતાં આખરે ગુજરાત સરકારે પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ કરવી પડી.
ધો.12માં જે વિદ્યાર્થીઓ માત્ર પાસ જ થવા માંગતા હતા તેમને પરીક્ષા રદ થવાથી કોઈ ફરક પડવાનો નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ દ્વારા સતત બે વર્ષથી ધો.12 માટે મહેનત કરવામાં આવી રહી હતી તેમને મોટો ફટકો પડવાનો છે. ઉપરાંત ઈજનેરી કે મેડિકલમાં પ્રવેશ માટે ધો.12માં 50 ટકા હોવા જરૂરીનો ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યો છે. જો સરકાર દ્વારા પરીક્ષા રદ કરીને પછી ભૂતકાળની પરીક્ષાઓના માર્ક્સના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે તો અનેક વિદ્યાર્થીઓ નીટ અને જેઈઈમાં ક્વોલિફાય થવાં છતાં પણ માત્ર ધો.12ની પરીક્ષા નહીં લેવાવાને કારણે મેડિકલ કે ઈજનેરીમાં પરીક્ષાથી વંચિત રહી જાય તેમ છે. સરકારે આવા વિદ્યાર્થીઓનો વિચાર જ કર્યો નથી. જોવા જેવી વાત એ છે કે નીટ અને જેઈઈની પરીક્ષાઓ તો લેવાશે જ. જો આ પરીક્ષા લઈ શકાતી હોય તો પછી ધો.12ની પરીક્ષા કેમ નહીં લઈ શકાય? સરકારે ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓની માંગણી અને સંવેદનશીલતા બતાવવા માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે પરંતુ તેની દુરોગામી ખરાબ અસરો અનેક પડવાની છે તે નક્કી છે.