અમેરિકાના એચ-૧બી વિઝા એ વિશ્વભરમાંથી અમેરિકામાં કુશળ વ્યવસાયિકો અને કામદારોને આકર્ષવા માટેનો હેતુ ધરાવતા વિઝા છે. આ વિઝા પ્રોગ્રામ હેઠળ દુનિયાભરના અનેક દેશોમાંથી, ખાસ કરીને ભારત અને ચીનમાંથી મોટા પાયે સ્કીલ્ડ વર્કર્સ અમેરિકા જાય છે. આમાં આઇટી પ્રોફેશનલ્સનું પ્રમાણ ઉંચુ હોય છે. ભારત અને ચીન બંને દેશોમાં કુશળ આઇટી વ્યવસાયિકો મોટા પ્રમાણમાં તૈયાર થાય છે, અને અમેરિકાની કંપનીઓને આવા આઇટી પ્રોફેશનલોની મોટા પાયે જરૂર હોય છે અને તે કંપનીઓ આવા પ્રોફેશનલોને એચ-૧બી વિઝા પર અમેરિકામાં બોલાવે છે.
જો કે આ વિઝા અમેરિકામાં લાંબા સમયથી એક વિવાદનું કેન્દ્ર પણ રહ્યા છે. અનેક લોકો ત્યાં એમ કહે છે કે ખરેખર તો આ વિઝા કુશળ કામદારોને આકર્ષવા માટેના નહીં પણ સસ્તા પગારે વિદેશોથી કામદારો બોલાવવા માટેના વિઝા છે અને તેને કારણે અમેરિકાની સ્થાનિક પ્રજાની રોજગારી પર તરાપ પડે છે. હવે જાન્યુઆરી ૨૦ના રોજ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ થાય તેના ત્રણ સપ્તાહ પહેલા ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી વ્યવસાયિકો માટેના એચ-૧બી વિઝા માટેની ચર્ચા ઉગ્ર બની છે જેમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન – બંને પક્ષોમાં પણ આ મામલે અંદરો અંદર મતભેદો ઉભા થયા છે.
ભારતીયો એ એચ-૧બી વિઝાના મુખ્ય લાભાર્થીઓ છે, જે વિઝા અમેરિકામાં વિશ્વમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રતિભાઓ અને કુશળ લોકોને તાણી લાવે છે. ભારે કુશળતાયુક્ત કામદારો બહુ મોટા પ્રમાણમાં ભારતમાંથી અમેરિકામાં ઠલવાય છે. દર વર્ષે ૬પ૦૦૦૦ જેટલા આ વિઝા આપવાની સંસદ મંજૂરી આપે છે જ્યારે અન્ય ૨૦૦૦૦ એવા લોકોને આ વિઝા આપવામાં આવે છે જેમણે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય. પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લેશે, તેઓ એચ-૧બી વિઝાના ટેકામાં આગળ આવ્યા છે, અને તેમના ખાસ વિશ્વાસુ સાથીદારો એવા ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામી – બંનેનો પણ આ વિઝાને ટેકો મળ્યો છે. હું હંમેશા આવા વિઝાઓની તરફેણમાં રહ્યો છું એ મુજબ ટ્રમ્પે હાલમાં ન્યૂ્યોર્ક પોસ્ટ અખબારને કહ્યું હતું. ટ્રમ્પ અને તેમના સાથીદારોએ એચ-૧બી વિઝાની મોટા ઉપાડે તરફેણ કરવા માગતા આ વિઝા અંગેની ચર્ચાએ વેગ પકડ્યો. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના ઘણા લોકો અગાઉની ઇમિગ્રેશન નીતિના વિરોધીઓ હતા તેઓ કદાચ ટ્રમ્પના આવા વર્તનનથી આંચકો લાગ્યો છે.
રિપબ્લકન પક્ષમાં તો આ મામલે મતભેદો સર્જાયા જ છે પણ ડેમોક્રેટીક પક્ષમાં પણ આ મામલે મતભેદો સર્જાયા છે. ટ્રમ્પના ખાસ સાથીદારો મસ્ક અને રામાસ્વામી બંનેએ દલીલ કરી હતી કે અમેરિકામાં વિશ્વભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે એચ-૧બી વિઝાની જરૂર છે, અમેરિકામાં ઘણા ફિલ્ડોમાં આવી પ્રતિભાઓની ખોટ છે. તેમને ભારતીય અમેરિકન ડેમોક્રેટિક સાંસદો રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદાર વગેરેનો ટેકો મળ્યો હતો, જ્યારે કે ટ્રમ્પે એઆઇની બાબત માટે પોતાના નીતિ સલાહકાર તરીકે શ્રીરામ કૃષ્ણનની નિમણૂક કરી તેની સામે અમેરિકનોમાં બેકલેશ ફાટી નિકળ્યો હતો.
આ બેકલેશ એમના તરફથી આવ્યો હતો જેઓ દલીલ કરે છે કે એચ-૧બી વિઝા અમેરિકનોની નોકરીઓ ખાઇ જાય છે. આના પછી મસ્ક અને રામાસ્વામી બંનેએ આ વિઝાની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. એચ-૧બી વિઝા કાર્યક્રમનું મુખ્ય કાર્ય શ્રેષ્ઠ અને કુશળ લોકોને આકર્ષવાનુ નહીં પણ સારો પગાર મેળવતા અમેરિકનોને સ્થાને ઓછા પગારે વિદેશોથી લોકોને બોલાવવાનું છે એમ એક ડેમોક્રેટિક સેનેટર બ્રેની સેન્ડર્સે કહ્યું હતું, જેમની સાથે તેમના ભારતીય સાથીદાર રાજા કૃષ્ણમૂર્તિ નાસમંત થયા હતા. ભારતીય મૂળના સાંસદો સ્વાભાવિક રીતે એચ-૧બી વિઝાની તરફેણ કરે છે, તો ઘણા મૂળ અમેરિકનો પણ આ વિજાની તરફેણ કરે છે તો બીજી બાજુ નોંધપાત્ર સંખ્યામાં અમેરિકનો તેનો વિરોધ પણ કરે છે.
આપણે અગાઉ જ જોયું તેમ એચ-૧બી વિઝા એ અમેરિકામાં અગાઉથી વિવાદી રહ્યા છે. ઘણા અમેરિકનોને લાગે છે કે આ વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ સસ્તા પગારે વિદેશોથી કામદારોને બોલાવે છે અને સ્થાનિક પ્રજા તેને કારણે નોકરીઓથી વંચિત રહે છે. બીજી બાજુ, કેટલાક કહે છે કે અમેરિકી પ્રજામાં કુશળ કામદારો અને વ્યવસાયિકોનો અભાવ છે અને આવા લોકોને વિદેશોથી બોલાવવા જરૂરી છે. લાગે છે કે આગામી દિવસોમાં આ એચ-૧બી વિઝા અંગેની ચર્ચા અમેરિકામાં ઓર ઉગ્ર બનશે..