નડિયાદ: મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે ગામતળના તળાવમાં એકાએક અસંખ્ય માછલીઓનું મોત થયુ છે. મતસ્ય વિભાગ દ્વારા આ તળાવનું ટેન્ડર બહાર પાડી માછીમારી માટે ઈજારદારને આપવામાં આવ્યુ હતુ. જો કે, પુરતી તકેદારી અને સંભળાના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોનો મત છે. આ માછલીઓ મૃત અવસ્થામાં તળાવના કિનારે તણાઈ આવી છે, જેના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ રૂદણ ગામમાં ગામતળના તળાવની આસપાસ મોટી સંખ્યામાં અંદાજીત 90 જેટલા રહેણાંક મકાનો આવેલા છે. ઉપરાંત તળાવની નજીક જ આંગણવાડી અને તેની પાસે સરકારી દવાખાનું આવેલુ છે. અહીં તળાવમાં છેલ્લા પાંચેક દિવસથી હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તેમજ મૃત માછલીઓ તળાવના કિનારે આવી ગઈ છે.
જ્યાં અન્ય પશુ-પક્ષી દ્વારા તેને ખોરાક બનાવાયો છે. જો કે, તેના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દુર્ગંધ એટલી હદે વિસ્તારમાં પ્રસરી છે કે, ઘરમાં રહેવુ પણ મુશ્કેલ બન્યુ છે. નજીકમાં જ આંગણવાડી અને સરકારી દવાખાનું હોય બાળકો અને દર્દીઓને પણ મુશ્કેલી પડી રહી છે. રહીશોએ આ મામલે ગામ અગ્રણીઓને જાણ કરતા ઈજારદાર સુધી વાત પહોંચી હતી અને ત્યારબાદ ઈજારદારે થોડી સાફ-સફાઈ કરાવી છે. પરંતુ આ સાફ-સફાઈ પુરતી ન હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. તળાવમાં હજુ પણ અનેક માછલી મૃત અવસ્થામાં છે. તેમજ આ દુર્ગંધયુક્ત પાણી સ્થાનિક પશુપાલકોના પશુઓ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે. તો બીજીતરફ અપૂરતી સફાઈના કારણે દુર્ગંધ પણ મોટો પ્રશ્ન બન્યો છે. ટેન્ડર આપતા પહેલા ઈજારદારને આ મામલે ચોક્કસાઈ રાખવા માટે જાણ કરાઈ હતી કે કેમ? તે પ્રશ્ન પણ ઉઠ્યો છે. તો વળી, તત્કાળ આ ટેન્ડર રદ કરી તળાવની સંપૂર્ણ સફાઈ કરાવવા તંત્ર દ્વારા આદેશ કરાય તે પણ જરૂરી બન્યુ છે.
માછલીઓના મૃત્યુના કારણ અકબંધ
ખેડા જિલ્લામાં અગાઉ અનેક તળાવોમાં માછલીઓના ભેદી મોતના કિસ્સા સામે આવ્યા છે. મોટા ભાગે ઝેરી કેમિકલ ઠલવાય તેવા કિસ્સામાં જ આ પ્રકારની ઘટના બનતી હોય છે, પરંતુ આ રૂદણ ગામે બનેલી ઘટના મામલે માછલીના મૃત્યુનું કારણ અકબંધ છે. કયા કારણોસર મૃત્યુ થયા તેની તપાસ થવી પણ જરૂરી બની છે.