Editorial

દર 3 મિનિટે રોડ અકસ્માતમાં એકનું મોત દેશ માટે ભારે ચિંતાજનક

ભારતમાં જેમ જેમ નવા નવા વાહનો આવી રહ્યા છે તેમ તેમ તેમાં જાતજાતના સેફ્ટી ફીચર મુકવામાં આવે છે પરંતુ જ્યારે અકસ્માત થાય ત્યારે આ સેફ્ટી ફીચર કશા કામ લાગતા નથી. દેશમાં વધતી વસતી અને જરૂરીયાતની સામે વાહનોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે અને તેની સામે રોડ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. જો આંકડાઓ જોવામાં આવે તો ભારતમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત થાય છે. જ્યારે એક દિવસમાં 462 લોકોના મોત થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં વર્ષ 2022માં વિક્રમી કહી શકાય તેવી રીતે રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકોના મોત થયા છે. જે ભારે ચિંતાજનક છે.

આંકડાઓ બતાવી રહ્યા છે કે ભારતમાં હાઈવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા દર વર્ષે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી આંકડાઓ લઈને રોડ અકસ્માત અને તેમાં મોતની વિગતો જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ મંત્રાલય દ્વારા વિગતો ભેગી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેને સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. છતાં જે આંકડાઓ બિનસત્તાવાર રીતે બહાર આવ્યા છે તે ભારત માટે આંચકા સમાન છે. છેલ્લા કેટલાક વર્ષોના પ્રમાણમાં ભારતમાં રોડ અકસ્માતમાં મોતના આંકડાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારતે વર્ષ 2030 સુધીમાં રોડ અકસ્માતમાં થતાં મોતને 50 ટકા સુધી ઘટાડવા માટે લક્ષ્યો નિર્ધારીત કર્યા છે પરંતુ આ ઘટવાને બદલે આંકડો વધી જ રહ્યો છે.અગાઉ વર્ષ 2019માં ભારતમાં જેટલા રોડ અકસ્માતો થયા હતા અને મોત થયા હતા તેની સરખામણીમાં 2022માં 11.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે રોડ અકસ્માતમાં મોતની સંખ્યા 11.5 ટકા વધી ગઈ છે. આજ રીતે 2021માં જેટલા રોડ અકસ્માતોમાં મોત થયા તેની સરખામણીમાં 2022માં 9 ટકાનો વધારો થયો છે. જેના માટે સરકારે ગંભીર રીતે વિચારવું પડે તેમ છે.

રોડ અકસ્માતમાં મોતના આંકડાઓમાં જે રીતે દર 3 મિનિટે એકનું મોત થાય છે તે અતિગંભીર છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોમાં સેફ્ટી ફીચરો વધ્યા છે. રસ્તાઓ પહોળા થયા છે. અનેક સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે પરંતુ તેની સામે રોડ અકસ્માતમાં મોતની સંખ્યા વધી રહી છે. આ તો ખાલી રોડ અકસ્માતની વાતો છે પરંતુ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો રોડ અકસ્માતમાં 2022માં 4.43 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેની સામે 2021માં માત્ર 3.84 લાખ લોકોને ઈજાઓ થઈ હતી. એટલે કે ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ 15 ટકાનો અધધધ કહી શકાય તેવો વધારો થયો છે. ઈજાગ્રસ્તોની વધતી સંખ્યા પણ રોડ અકસ્માતો ઘટે તે માટે નવા આયોજનો માંગી રહી છે.

તંત્રએ ખરેખર રોડ અકસ્માત સૌથી વધુ કયા કારણોથી થાય છે તેના અભ્યાસમાં ઉતરવાની જરૂરીયાત છે. દેશમાં વાહનો ચલાવતા આવડે છે કે કેમ તે માટે આરટીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવે છે પરંતુ અનેક જિલ્લાઓ એવા છે કે જેમાં ટેસ્ટ લીધા વિના જ ડ્રાઈવિંગ લાયસન્સ આપી દેવામાં આવે છે. આટલું જ નહીં, આ બોગસ લાયસન્સ પર મોટાભાગે ટ્રક જ ચલાવવામાં આવે છે જે રોડ અકસ્માતમાં સામુહિક રીતે મોતના કારણો બને છે. ભારત દેશમાં ટ્રાફિક સેન્સનો મોટો અભાવ છે. દેશના મહાનગરોની સ્થિતિ જોવામાં આવે તો મોટાભાગના લોકોમાં ટ્રાફિકની સેન્સ જ જોવા મળતી નથી. હાઈવે પર તો વધુ ખરાબ હાલત છે. જે ટ્રક કે ભારે વાહનોએ હાઈવે પર બીજી કે ત્રીજી લાઈનમાં ચાલવાનું હોય છે તે હાઈવે પર પહેલી ટ્રેકમાં ચાલે છે અને તેને કારણે પણ અકસ્માતો સર્જાય છે. ટ્રક સહિતના ભારે વાહનોની સ્પીડ લિમિટ હોય છે પરંતુ તેના ચાલકો દ્વારા બેફામપણે હંકારવામાં આવે છે સરકાર દ્વારા કોણ વાહનો ચલાવી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે તો જ અકસ્માતોની સંખ્યા ઘટશે તે નક્કી છે.

Most Popular

To Top