Comments

એક ઘૂઘવતી નદીનું રાતોરાત થયેલું મૃત્યુ

કોઈ નદી પ્રદૂષિત થઈ ગઈ હોય એ સમજ્યા, નદી સૂકાઈ જાય એ પણ ગળે ઊતરે એમ છે યા નદી લુપ્ત થઈ જાય એય શક્ય છે. પણ કોઈ નદી રાતોરાત મૃત બની જાય એમ બને? માનવે પ્રકૃતિ સાથે ચેડાં કરવાના પ્રયત્ન કરવાના શરૂ કર્યા ત્યારથી આવી અભૂતપૂર્વ પ્રાકૃતિક ઘટનાઓની નવાઈ નથી રહી. વાત છે આફ્રિકાના ઝામ્બિયા દેશની મહત્ત્વની નદીઓમાંની એક એવી કાફૂએ નદીની. ઝામ્બિયાના સત્તાધીશો અને પર્યાવરણવાદીઓ ઊંડી ચિંતામાં છે, જે સકારણ છે.

ઝામ્બિયાની ઉત્તરે આવેલી સીનો-મેટલ્સ લીચ ઝામ્બિયા નામની તાંબાની એક ખાણમાંથી એસિડીક કચરો આ નદીમાં ઠલવાયો. કારણ એ કે કચરાને અવરોધવા માટે નદીને કાંઠે બાંધેલો માટીનો ટેઈલિંગ્સ બંધ પડી ભાંગ્યો. આ ઘટના બની 18 ફેબ્રુઆરી, 2025ના રોજ. આ ખાણ ચીની માલિકીની છે. આ દુર્ઘટનાને પરિણામે અતિ સાંદ્ર એસિડ, ઓગળેલો ઘન કચરો અને ભારે ધાતુઓ સહિત પાંચેક કરોડ લિટર કચરો નદીના પ્રવાહમાં ભળી ગયો. 100 જેટલા કિ.મી સુધી આ પ્રદૂષણની અસર જણાઈ છે.

કેવી કેવી અસર જોવા મળી? નદી કાંઠે મરેલી માછલીઓ તણાઈ આવેલી દેખાઈ. કાંઠે આવેલાં ખેતરોમાંના પાકની ખાનાખરાબી થઈ ગઈ. જનજીવન પર પણ અસર થઈ. કિનારે વસવાટ કરતાં લોકોએ ત્યાંની જૈવપ્રણાલીમાં વિચિત્ર ફેરફારો નિહાળ્યા. ઝેરી કચરો જમીનમાં ઊતર્યો અને બીજા અનેક વિસ્તારોમાં પ્રસર્યો. સરકારે આ અસરને ઘટાડવા માટે પગલાં લેવાં શરૂ કર્યાં છે. પાણીમાં ભળેલા સાંદ્ર એસિડનું તટસ્થીકરણ કરવા માટે તેમણે હવાઈ માર્ગે પાણીમાં સેંકડો ટન ચૂનો ભેળવવાનું શરૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સ્પીડ બોટ દ્વારા ચૂનો વહેંચવામાં આવી રહ્યો છે. શાસકોની ચિંતા એ છે કે જમીનમાં ઊતરેલો ઝેરી કચરો ભૂગર્ભ જળને પ્રદૂષિત કરશે તો મુશ્કેલી થશે.

ઝામ્બિયામાં આવેલા તાંબાના ખાણઉદ્યોગમાં ચીનની પ્રમુખ ભૂમિકા છે. આધુનિક ટેક્નોલોજીમાં તાંબું અતિ મહત્ત્વની ધાતુ છે. વિશ્વભરના પ્રથમ દસ તાંબાના ઉત્પાદકોમાં ઝામ્બિયાનો સમાવેશ થાય છે. સમજી શકાશે કે દેશના અર્થતંત્રમાં તાંબાની ખાણોનો કેટલો મોટો હિસ્સો હશે. કાફૂએ નદીનું વહેણ ઝામ્બિયામાં વચ્ચોવચ્ચ વહે છે, જેની લંબાઈ 1500 કિ.મી. જેટલી છે. આ નદીના તટપ્રદેશ પર ઝામ્બિયાની 2 કરોડની વસતિના 60 ટકા લોકો નિર્ભર છે. પાણી, મત્સ્યોદ્યોગ, સિંચાઈ તેમજ ઉદ્યોગ જેવા વિવિધ પ્રકારે લોકો તેની સાથે સંકળાયેલા છે. પચાસેક હજાર લોકોને તે પીવાનું પાણી પૂરું પાડે છે, જેમાં પાટનગર લુસાકાનો પણ સમાવેશ થાય છે. એસિડ ભળવાને કારણે કિટવે શહેરનાં સાતેક લાખ લોકોને મળતું પીવાનું પાણી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારી પ્રવક્તાએ પરિસ્થિતિ અતિ ગંભીર હોવાનું જણાવીને નદીને સ્વચ્છ કરવાનો તમામ ખર્ચ ચીની કંપની ભોગવશે એમ કહ્યું છે.

દરમિયાન આ કંપનીના ચેરમેન ઝેન્‍ગ પૈવેન સરકારી અધિકારીઓને મળ્યા હતા અને કંપની વતી જાહેર માફી દર્શાવતાં કહ્યું, ‘આ દુર્ઘટના એ સીનો-મેટલ્સ લીચ તેમજ અન્ય ખનનઉદ્યોગ માટે મોટો ભયસંકેત છે. અસરગ્રસ્ત પર્યાવરણનું પુન:સ્થાપન કરવા પોતાની કંપની શક્ય ઝડપે કામ કરશે.’આ નદી કાંઠાના એક નિવાસી શોન કોર્નેલિઅસના જણાવ્યા અનુસાર, ’18 ફેબ્રુઆરી પહેલાં આ નદી એકદમ જીવંત અને ધબકતી હતી. હવે બધું મરી પરવાર્યું છે. એ સાવ મૃત બની ગઈ છે. માન્યામાં આવે એમ નથી કે રાતોરાત નદી મૃત થઈ ગઈ છે.

હકીકત એવી છે કે ઝામ્બિયા ઉપરાંત ઝિમ્બાબ્વે, કોંગો જેવા તેના પાડોશી દેશોમાં પણ ચીન દ્વારા સઘનપણે થતું ખનનકામ પર્યાવરણ પરની વિપરીત અસર અને શ્રમિકોના કાયદાના ભંગને કારણે અવારનવાર ટીકાપાત્ર બનતું રહ્યું છે. પણ આ દેશોના અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું પ્રદાન હોવાથી એ બાબતે ભાગ્યે જ કશાં પગલાં લેવાય છે. ખનન દરમિયાન સુરક્ષા અને પર્યાવરણને લગતાં નિયંત્રણોને તડકે મૂકવા બદલ ચીની કંપનીઓ સામે સ્થાનિકોમાં વ્યાપક અસંતોષ છે. બીજી તરફ ઝામ્બિયા પર ચીનનું ચારસો કરોડ ડોલરથી વધુ દેવું છે. એ પૈકીની ઘણી રકમ ચૂકવી ન શકવાથી કેટલીક લોનનું પુનર્ગઠન કરવાનું આવ્યું છે. એનો એક અર્થ એ કરી શકાય કે તાંબાનું ખનનકામ ચાલુ રહેશે. એટલે કે પર્યાવરણ પર થતી એની વિપરીત અસરમાં ખાસ કશો ફેર નહીં પડે.

દરમિયાન સીનો-મેટલ કંપનીની દુર્ઘટના પછી એસિડના લીક થવાની વધુ એક દુર્ઘટના બહાર આવી છે. ઝામ્બિયાના કૉપરબેલ્ટ પ્રાંતમાં આવેલી ચીની માલિકીની એક ખાણમાં આમ બન્યું છે અને તેના અધિકારીઓ પર આ દુર્ઘટના પર ઢાંકપિછોડો કરવાનો આક્ષેપ છે. એ ઉપરાંત એસિડમાં પડવાથી એક કામદારનું મૃત્યુ નીપજ્યાની દુર્ઘટના પણ બની હતી. સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ આ ખાણનું કામ બંધ રાખવાના આદેશને અવગણીને તેમણે કામ ચાલુ રાખ્યું હતું. બે ચીની ખાણ મેનેજરોની ધરપકડ કરવામાં આવી હતી.

હવે સરકારી આદેશને પગલે બન્ને ખાણમાં કામ બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. ઝામ્બિયાનાં લોકો આ ઘટનાઓથી અકળાયાં છે. ઝેન્ગ તેમજ અન્ય અધિકારીઓની સરકાર સાથેની મુલાકાતમાં હાજર રહેનાર મ્વીન હીમ્વીન્‍ગા નામના એક પર્યાવરણ ઈજનેરે જણાવ્યું હતું કે પર્યાવરણના રક્ષણની વાત આવે ત્યારે કેટલાક રોકાણકારો તેની કેવી અવગણના કરે છે એ ખ્યાલ આવે છે. એ લોકોને કશી લેવાદેવા કે કોઈ નિસ્બત નથી. આ ખરેખર ચિંતાજનક છે, કેમ કે, આખરે તો આપણે સૌ ઝામ્બિયાનાં લોકો પાસે જે ગણો એ, આ એક જ ભૂમિ છે. પર્યાવરણને નુકસાન થવું એ એક બાબત છે, એ જાણી જોઈને કરવું એ અલગ બાબત છે અને એમ કર્યા પછી કશો અફસોસ ન થવો એ સાવ બીજી બાબત છે. આજે ઝામ્બિયામાં આ થયું, પણ કાલે એ જગતના અન્ય દેશમાં બને એ શક્યતા પૂરેપૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top